Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

સસ્તા અનાજના દુકાનદારો સરકારી નીતિથી કંટાળી ગયા શહેર-જીલ્લામાં ૮ દુકાનદારોના રાજીનામાથી સન્નાટો

તમામના મંજૂર કરી દેવાયા : હજુ દુકાનદારોના રાજીનામા પ્રાંત પાસે પેન્ડીંગ : બે મહિના પહેલા ૧૧ નવી દુકાનોને મંજૂરી અપાઇ હતી : પુરવઠા કહે છે રાજીનામાંથી કોઇ મુશ્કેલી નથી..

રાજકોટ, તા. ૬ : રાજયનું પુરવઠા ખાતુ સસ્તા અનાજના દુકાનદારો ઉપર અવનવા બોઝ નાંખી રહ્યું છે, પૂરતુ કમિશન અપાતું નથી, તેવામાં ૭પ હજારવાળા બે જામીન, તો મળતા જથ્થા અંગે દુકાનદારે ફરજીયાત લાયસન્સ ફૂડ ખાતા પાસેથી લેવાના નખાયેલા નિર્ણયથી દુકાનદારો કંટાળી ગયા છે અને છેલ્લા બે મહિનામાં રાજકોટ શહેર જીલ્લામાં સસ્તા અનાજના ૮ જેટલા દુકાનદારોએ રાજીનામા આપતા તેની ભારે ચર્ચા ઉપડી છે.

પુરવઠા કચેરીના સૂત્રોના કહેવા મુજબ કોટડાસાંગાણી-૧, ધોરાજી-૧, ગોંડલ-૧, જામકંડોરણા-૧, બોરીયા-૧, અને રાજકોટના-૩ દુકાનદારોએ દુકાન ચલાવવા સક્ષમ નથી, અવસ્થા તથા સામાજીક કારણોસર વિગેરે કારણો રજૂ કરી પ્રાંત  સમક્ષ રાજીનામા આપ્યા હતા તે મંજૂર કરી દેવાયા છે અને હજુ પ જેટલા દુકાનદારોના રાજીનામા જે તે પ્રાંત કચેરીમાં પેન્ડીંગ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે ઉપરોકત ૮ દુકાનદારોના રાજીનામા ભલે પડયા, પરંતુ તેના કારણે કાર્ડ હોલ્ડરોને કોઇ મુશ્કેલી નથી, વિતરણ રાબેતા મુજબ ચાલુ છે, એટલુ જ નહિ ૧થી ૧ાા મહિના પહેલા જસદણ, વિંછીયા સહિતના જુદા જુદા તાલુકામાં કુલ ૧૧ નવી દુકાનો ખોલવા પણ મંજૂરી અપાઇ ગઇ છે.

અત્રે એ ઉમેરવું જરૂરી કે તાજેતરમાં જ સસ્તા અનાજના દુકાનદાર એસો.ના એક અગ્રણીએ જણાવેલ કે હવે અમે સરકારી નીતિથી કંટાળી ગયા છીએ. દર મહિને હજારોની ખોટ જાય છે. તંત્ર અમારા ૬૮ કરોડ બાકી છે, તે પણ ચૂકવતું નથી. ઉપરથી નવા-નવા કાયદા લાગુ થઇ રહ્યા છે, હવે રાજીનામા એ જ એક વિકલ્પ છે.

(4:04 pm IST)