Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

વાવડી જમીન કોૈભાંડમાં રિમાન્ડ પર રહેલા કનકસિંહ અને મહેન્દ્રસિંહની પુછતાછઃ કોંગ્રેસના કાલે ધરણા

રાજકોટ તા. ૬: રાજકોટ શહેર વિસ્તારમાં ગેરકાયદે રીતે જમીન પચાવી પાડનારા ભૂમાફીયાઓ સામે સરકારશ્રીના ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વટહુકમ ૨૦૨૦ હેઠળ ગઇકાલે એક જ દિવસમાં બબ્બે ગુના દાખલ થયા છે. જેમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં  કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પતિ કનકસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા તથા મહાવીરસિંહ દોલતસિંહ જાડેજા (રહે. વાવડી) સામે ગુનો નોંધી કનકસિંહ અને મહેન્દ્રસિંહની ધરપકડ કરવામાં આવી હતી. આ બંનેના છ દિવસના રિમાન્ડ મળ્યા હોઇ વિશેષ પુછતાછ થઇ રહી છે. જો કે હાલ કોઇ નવા નામો સામે આવ્યા નથી. બીજી તરફ શહેર કોંગ્રેસે ખોટી રીતે ફરિયાદ દાખલ કરવામાં આવ્યા અંગે વિરોધ દર્શાવી ધરણા કરવાની મંજુરી માંગતા આવતી કાલે ધરણા યોજવામાં આવશે.

 ગઇકાલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગણી કરવામાં આવી હતી. બંનેના ૦૬ દિવસના રિમાન્ડ મંજુર થયા હતાં. તાલુકા પોલીસમાં રેનુબેન યોગેન્દ્રભાઇ મુળચંદભાઇ મહેતા (ઉ.વ.૬૦-રહે. પ્રદ્યુમન ગ્રીનસીટી પાસે વૃંદાવન સોસાયટી રાજયોગ એપાર્ટમેન્ટ  ફલેટ નં. ૪૦૧-નાના મવા રોડ)ની ફરિયાદ પરથી લેન્ડ ગ્રેબીંગના નવા કાયદા મુજબ ગુનો નોંધી ગઇકાલે જ મહેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા અને કનકસિંહ મહેન્દ્રસિંહ જાડેજાની અટકાયત કરી લેવામાં આવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે ફરિયાદીના મમ્મી મીનાબેન મહાસુખલાલ પારેખની માલિકીની જમીનની કમ્પાઉન્ડ વોલ તોડી પતરાની ઓરડી બનાવવાનો પ્રયાસ કરી તેમજ જગ્યા પરના સિકયુરીટી ગાર્ડ અને સ્ટાફના માણસોને ધમકી આપી મોટી રકમ પડાવવાનો પરયાસ કરાયો છે.

આ મામલે  તા. ૨૩/૧૨/૨૦૨૦ના રોજ કલેકટર કચેરી ખાતે રેનુબેન મહેતાએ લેખિત અરજી આપેલી હતી. આ અરજી અન્વયે કલેકટરશ્રીની કચેરીએ આ કાયદા હેઠળ નિમાયેલ સમિતિની તા.૩૦-૧૨-૨૦૨૦ની બેઠકમાં કનકસિંહ અને મહેન્દ્રસિંહ સહિતના આરોપીઓ સામે એફઆઇઆર દાખલ કરવાનો હુકમ કરતાં પરમ દિવસે તાલુકા પોલીસે ગુનો નોંધ્યો હતો. જેમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીના રિમાન્ડ પર હોઇ પુછતાછ થઇ રહી છે. એસીપી જે. એસ. ગેડમ, તાલુકાના ઇન્ચાર્જ કે. એન. ભુકણ, પીએસઆઇ એન. ડી. ડામોર, રાઇટર ઇમ્તિયાઝભાઇ સહિતનો સ્ટાફ તપાસ કરે છે. દરમિયાન આ બનાવમાં ખોટી રીતે લેન્ડ ગ્રેબીંગ હેઠળ કાર્યવાહી થયાના આક્રોશ સાથે શહેર કોંગ્રેસ આવતી કાલે એક દિવસના ધરણા બહુમાળી ભવન પાસે યોજી ફરિયાદ રદ કરવા સહિતની માંગણીઓ રજૂ કરશે.

(3:06 pm IST)