Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

કનકસિંહ સામેના કેસમાં ફરિયાદીના કૌભાંડનો ઢાંક પિછોડો કરવા માલિક સામે લેન્ડગ્રેબીંગનું તુત ઉભુ કરાયું

ભાજપે રાજકિય કિન્નાખોરીથી કોંગી આગેવાન સામે ખોટો કેસ કર્યો છે : કોંગ્રેસ : મૂળ ખાતેદાર જાડેજા પરિવારે ૧૯૭૦માં ૩૧ ગુંઠા જમીન ફરીયાદીના માતાને વેચ્યા બાદ ક્ષેત્રફળમાં વધુ જમીન નીકળતા પ્રમોલ્ગેશન મુજબ મૂળ ખાતેદારને ફાળવવાના બદલે ખોટી રીતે ખરીદારોને ફાળવી દેવાઇ : પત્રકાર પરિષદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, મહેશ રાજપૂત, ઇન્દ્રનિલ રાજ્યગુરૂ સહિતના આગેવાનોના આક્ષેપો

રાજકોટ તા. ૬ : શહેર કોંગ્રેસના આગેવાન અને પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ કનકસિંહ જાડેજા સામે ભાજપના સત્તાધીશોએ તંત્રનો દુર ઉપયોગ કરી રાજકીય કિન્નાખોરી પૂર્વક લેન્ડ ગ્રેબીંગનો કેસ કરી ફસાવવાનો પ્રયાસ થઇ રહ્યાના આક્ષેપો શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, ઇન્દ્રનિલ રાજ્યગુરૂ, મહેશ રાજપૂત તથા પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિતના આગેવાનોએ આજે નાગર બોર્ડીંગ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કર્યા હતા.

પત્રકાર પરિષદમાં ઉકત કોંગી આગેવાનોએ જણાવેલ કે, ભાજપના નેતાઓ અને તેના મળતીયાઓએ શહેરના ચારેય ખૂણે ભયંકર લેન્ડગ્રેબિંગના ધંધા આદર્યા છે ભ્રષ્ટાચારમાં ડૂબેલા ભાજપ સત્તાના જોરે પોલીસ તંત્ર અને કલેકટર તંત્રનો ભારે દુરૂપયોગ કરી આવી અનેક જગ્યાઓ અનુકૂળ કાયદા હેઠળ હમેશા ખેલ માંડતી આવી છે. પીપીપી યોજના હોય કે સૂચિત સોસાયટી હોય નાના માણસોને પોલીસનો ભય દેખાડી અનેક જગ્યાએ આ લેન્ડગ્રેબિંગ કરેલ છે. તદુપરાંત કોઠારિયામાં સરકારી જમીન પર ભાજપના મડતીયાઓએ આખું બિલ્ડીંગ ખડકી દઈ ધંધા આદરી તેમણે ફકત દંડથી રેગ્યુલર કરી આપવાની વેતરણમાં કલેકટર તંત્રનો દુરૂપયોગ થઈ રહ્યો છે તાજેતરમાં જ લેન્ડગ્રેબિંગ એકટ – ૨૦૨૦ હેઠળ ચૂંટણી સમયે પોલીસ તંત્રનો દુરૂપયોગ કરી કોંગ્રેસના કોર્પોરેટરના પતિ હોવાના કારણે ખોટો કેસ કરી કનકસિંહ જાડેજા અને તેમના ઉંમરલાયક પિતાશ્રી ઉપર ગુનો દાખલ કર્યો છે મુખ્યમંત્રીને રાજી કરવા અને કોંગ્રેસને બદનામ કરવા જેની જમીન કલેકટર તંત્રના દુરુપયોગ દ્વારા વર્ષ ૨૦૧૮માં પચાવી પાડવામાં આવી છે તે બાબતનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે. આ આવેલ જગ્યાના વિવાદમાં તા.૩૦/૦૯/૨૦૨૦ના ખોટી ફરિયાદો પોલીસે પણ લીધી ન હતી પરંતુ, હવે ચૂંટણી સમયે કોંગ્રેસને બદનામ કરવા જમીન ઉપર જેનો મૂળ અધિકાર છે તેવા કનકસિંહના કુટુંબ ઉપર લેન્ડગ્રેબિંગનો પહેલો કેસ કરી મોટો મિર માર્યો હોય તે રીતની પ્રેસ કોન્ફરન્સ જે કરવામાં આવી ફકત મુખ્યમંત્રીને રાજી રાખવા માટે.

વધુમાં કોંગી આગેવાનોએ આક્ષેપો કરેલ કે, 'ઉલ્ટા ચોર કોટવાલને દંડે' તેવા ભૂમાફિયા-ભ્રષ્ટાચારી ભાજપને કોંગ્રેસના કોઈપણ વ્યકિત સામે ખોટું કર્યાની ફરિયાદ કરી શકતા ન હોય તે સંજોગોમાં પોતાનો અધિકાર મેળવવા માંગતા અને કોર્ટમાં ચાલતા કેસ નં. RCS-157/2020 થી કેસ ચાલી રહ્યો હોય અને તકરાર એન્ટ્રી હોવા છતાં ભૂમાફિયાગીરીના એક કિસ્સા મુજબ ખોટો કેસ ઊભો કરવામાં આવ્યો છે.

કેસની ટેકનીકલ માહિતી રજૂ કરતા ઉકત આગેવાનોએ જણાવેલ કે, વાવડી ગામના સર્વેનં. ૩૮/૩ ની માપણી નવેસરથી કરતાં મામલતદારના હુકમ મુજબ ૩૧ ગૂઠાની જગ્યાએ તે જગ્યા ૧ એકર ૧૨ ગૂઠા કરવામાં આવી અને તે હુકમ મુજબ હક્ક પત્રક-૬ પ્રમોલગેશનની સ્થિતિએ અમલવારી શબ્દ હોવા છ્તાં કનકસિંહના કુટુંબીજનોના નામે તેમજ તેના કુટુંબીજનોના નામે થવી જોઈએ જે પ્રક્રિયા દરમ્યાન કનકસિંહના કુટુંબને કાર્યવાહીમાં ૧૩૫-ડીની નોટિસ સહિત હિયરિંગમાં પણ જાણ કર્યા વગર ૩૦ વર્ષ સુધી નિર્ણય ન કરતાં કલેકટર તંત્રએ ફકત ૩ મહિનામાં પારેખ કુટુંબ માટે એન્ટ્રી પાડી દેવામાં આવી . આવી કુલ જગ્યા ૧ એકટ ૧૨ ગૂઠા થતાં તે પૈકી તા.૦૮/૦૬/૧૯૭૦ ના જાડેજા કુટુંબને કરી આપેલ દસ્તાવેજ મુજબ પારેખ કુટુંબ ફકત ૩૧ ગૂઠાના માલિક બને છે. બાકી ૨૧ ગૂઠા પ્રમોલગેશન થી એન્ટ્રી થવી જોઈએ અને તેના માલિક જાડેજા કુટુંબ બને, પરંતુ. ૧/૧૮ના પડેલી એન્ટ્રીને કલેકટર તંત્રનો દુરુપયોગ કરી બિલ્ડર-ભૂમાફીયા દ્વારા મામલતદાર પાસે તા.૦૯/૦૪/૨૦૧૮ના પારેખ કુટુંબના નામે સીધી એન્ટ્રી પાડવા હુકમ કરેલ. (તેનો પુરાવો પણ પત્રકાર પરિષદમાં રજૂ કરાયેલ.) જો કનકસિંહના કુટુંબીજનો બીજાની જમીન પચાવી પાડવા માંગતા હોય તો તે સંજોગોમાં તા.૩૦/૦૯/૨૦૨૦ના રોજ પોલીસ કમીશ્નરને સઘડી માહિતી સાથે અરજી કરવા છતાં તે ધ્યાન પર લેવામાં આવેલ નહિ. (જેનો પુરાવો પણ રજૂ કરાયેલ.)

આમ, આ કેસમાં નાયબ નિયામક જમીન દફતર કચેરીના હુકમ મુજબ ક્ષેત્રફળ આકારના તા.૧૯/૧૨/૨૦૧૭ જેમાં પણ મૂળ ખાતેદાર જાડેજા પરિવારના નામે કરવાનો થતો હોવા છતાં ભાજપની ભૂમાફિયાગિરિના કારણે ઉલ્ટા ચોર કેટવાલને દંડે તેવી સ્થિતિનું નિર્માણ ભાજપે કર્યું. જમીન અને ખોટા રાજકીય લાભ લેવા આ કેસમાં કનકસિહને ખોટા ગુનેગાર બનાવ્યા છે. અને આ કેસમાં કોર્ટ ઉપરાંત એપલેટ તરીકે જાડેજા કુટુંબે નાયબ કલેકટરને અપીલ કરેલ તે પેન્ડિંગ હોવા છ્તાં કોંગ્રેસી હોવાના નાતે મુખ્યમંત્રીના શહેરમાં ભાજપને ચૂંટણી જિતાડવા માટે સામા પક્ષને બદનામ કરવા માટે કનકસિંહ પૂર્વ કોર્પોરેટર હોવાને લઈ તેમના ઉપર ખોટી ફરિયાદ કરવામાં આવેલ છે.

દરમિયાન પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબાએ આ તકે એવો આક્ષેપ કર્યો હતો કે, કાયદો જ્યારથી અસ્તિત્વમાં આવ્યો તે પહેલા જાડેજા પરિવાર સામે ધમકીના આક્ષેપો થયેલ ત્યારે પાછળથી આ ગુન્હો દાખલ કરવો અસ્થાને ગણાય. આથી આ ઘટનામાં કનકસિંહ તથા તેમની વડિલોપાર્જીત જગ્યા રેવન્યુ ધારા ધોરણ મુજબ તેમના હક્કની છે. તેનું કોઇ ગ્રેબીંગ કરાયું નથી.

(3:04 pm IST)