Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

રૂ. ૭૭ લાખની વિજચોરીના ગુનામાં સંડોવાયેલ રાજકોટના કારખાનેદારની આગોતરા જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી

ઓટો ટ્રાન્સફોર્મર પ્રકારના ડીવાઈસથી આરોપીએ વિજચોરી કર્યાની ફરીયાદ થયેલ હતી

રાજકોટ, તા. ૬ :. સીતોતેર લાખ એકસઠ હજાર છત્રીસ રૂપિયાની મોટી રકમની વિજચોરીના કેસમાં આરોપીની આગોતરા જામીનની અરજી નામંજુર કરી અદાલતે વિજચોરી કરવા માટે વિજ મીટરમાં ચેડા કરવા જરૂરી નથી અલગ ડીવાઈસથી વિજચોરી કરતા કારખાના માલિકને રંગેહાથે પકડી પાડતા પીજીવીસીએલ વિજચોરોમાં ફફડાટ મચી ગયો હતો. જે ગુનામાં આરોપીની આગોતરા જામીન અરજીને કોર્ટે રદ કરી હતી.

આ કેસની હકીકત એવી છે કે રાજકોટના રહીશ ચીરાગભાઈ મહેશભાઈ કમાણી કે જેઓ બહાણી હોલ પાસે પોતાનુ કારખાનુ ધરાવે છે ત્યાં આગળ પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા ચેકીંગ કરતા, આરોપી તે જગ્યામાં રૂમની અંદર સામેની દિવાલ ઉપર જમણી બાજુએ એક પેટી તથા અંદર મીટર લાગેલ હતું. મેઈન સર્વિસ કેબલ ૧૫૦ એમ.એમ.૨નો છે. મીટરની પેટીની સામે એક સ્ટીલનો ઘોડો રાખેલ તથા કાચની બરોબર સામે એક ઓટ્રો ટ્રાન્સફોર્મર જેવી ડીવાઈસ રાખેલ. જેને પાવર બાજુની દિવાલમાં લાગેલ પ્લગ તથા સ્વીચ સાથે જોડીને પાવર આપેલ. સ્થળ ઉપર લોડ ચાલુ હતો. મીટરમાં ડીસ્પલે ઓફ હતી. મીટરમાં એલ.ઈ.ડી.નું ફલીકીંગ બંધ હતુ એટલે કે મીટરમાં લોડનું રેકડોંગ થતુ ન હતું અને જો ઓટો ટ્રાન્સફોર્મર પ્રકારનું જે ડીવાઈસ લગાડેલ હતુ જો તે બંધ કરવામાં આવે તો મીટરમાં વપરાશ દેખાડતો હતો અને જો ડીવાઈસ ચાલુ કરવામાં આવે તો મીટરમાં વપરાશ નોંધાતો બંધ થઈ જતો હતો જેથી સ્થળ ઉપર વિડીયોગ્રાફી કરેલ હતી અને રૂ. ૭૭,૬૧,૦૩૬-૯૨ પૈસાનું કમ્પાઉન્ડીંગ ચાર્જ સાથેનુ બીલ આપેલ હતું. જેથી જીઈબી પોલીસ સ્ટેશને આરોપી સામે વિજચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ.

જેના અનુસંધાને આરોપીએ રાજકોટની સ્પે. અદાલતમાં આગોતરા જામીનની અરજી કરેલ સદરહુ અરજીની સુનવણી ન્યાયમૂર્તિ અને સ્પે. કોર્ટના જજ શ્રી હિરપરાની અદાલતમાં થતા પીજીવીસીએલ તરફે એડવોકેટ જીતેન્દ્ર મગદાણી તથા સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી કમલેશભાઈ ડોડીયાની દલીલને ધ્યાને લીધેલ તેમજ અદાલતે ગુનાની હકીકતને ધ્યાને લઈ તેમજ સર્વોચ્ચ અદાલતે પ્રતીપાદીત કરેલ સિદ્ધાંતને ધ્યાને લઈ ન્યાયમૂર્તિ શ્રી હિરપરાએ આરોપીની આગોતરા જામીનની અરજી નામંજુર કરેલ હતી.

આ કામમાં મૂળ ફરીયાદીની પીજીવીસીએલ વતી રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી જીતેન્દ્ર એમ. મગદાણી રોકાયેલા તેમજ સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી કમલેશભાઈ ડોડીયા રોકાયેલ હતા.

(3:01 pm IST)