Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

૧૦ દિવસથી કાતિલ ઠંડીમાં ઠુઠવાતું રાજકોટઃ આજે ૧૦.૮ ડિગ્રી

બેઠો ઠાર- ઉત્તરના ફૂંકાતા પવનોથી અસહ્ય ઠંડીનો અનુભવઃ ગરમ પીણાનો મારો : શહેરમાં ૧૦ ડિગ્રીની આજુબાજુ જ ઘુમતો ઠંડીનો પારોઃ હજુ બે- ત્રણ દિવસ ઠંડી સહન કરવી પડશે

રાજકોટ,તા.૬: પહાડી -દેશોમાં ભારે બરફવર્ષાના પગલે દેશભરના મોટાભાગના રાજયોમાં ઠંડીનું પ્રચંડ મોજુ ફરી વળ્યું છે. જમીન ઉપરથી દરિયા તરફ ઠંડા પવન ફૂંકાતા હોય આ વખતે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અસહય ઠંડી મોજુ ફરી વળ્યું છે.

દરમિયાન રાજકોટ શહેરમાં પણ છેલ્લા દસ દિવસથી કાતિલ ઠંડીની અસર જોવા મળે છે. ઠાર અને ઠંડા પવન ફૂંકાતા હોય ઠંડીની વધુ અસર જોવા મળી રહી છે. આજે રાજકોટમાં ૧૦.૮ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. છેલ્લા ૧૦ દિવસથી ઠંડીનો પારો ૧૦ ડિગ્રી આસપાસ જ જોવા મળી રહ્યો છે. વ્હેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીની વધુ અસર જોવા મળે છે. લોકો વહેલા કામ પતાવી ઘરભેગા થઈ જતાં હોય છે. કાતિલ ઠંડીના પગલે લોકો કામ વગર ઘરની બહાર નિકળવાનું ટાળતા જોવા મળે છે. ઠંડા પવન ફૂંકાતા હોય દિવસ દરમ્યાન પણ શહેરીજનો ગરમવસ્ત્રોમાં જ ઝકડાયેલા જોવા મળતા હોય છે.

હવામાન વિભાગના  સુત્રો જણાવે છે કે હજુ બે ત્રણ દિવસ ઠંડીનો માહોલ જળવાઈ રહેશે. ત્યારબાદ ઠંડીમાં રાહત મળે  તેવી શકયતા છે.

(12:53 pm IST)