Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ચેરમેન સંજય દૂધાગરાની મિલ્કતો-વાહનોની તપાસ માટે ૩૦ બેંકો, બે કલેકટર, મ્યુનિ. કમિશનર પાસે વિગતો મંગાઇ

શ્રી રામેશ્વર શરાફી મંડળીના ૬૦ કરોડના કોૈભાંડમાં સિટની રચના બાદ આગળ ધપતી તપાસ : ગાંધીનગર નોંધણી નિરિક્ષક તેમજ પડધરી અને કાલાવડના મામલતદાર, સર્વેયર, રાજકોટ આરટીઓ પાસેથી પણ માહિતી મંગાવતી પોલીસઃ ચેરમેનના પરિવારજનોના બેંક ખાતાઓની પણ તપાસ કરવા કાર્યવાહી

રાજકોટ તા.૬ : ઢેબર રોડ પર કાંતા સ્ત્રી વિકાસ ગૃહ સામે શ્રીમદ્દ ભવનના બીજા માળે ઓફિસ નં. એફ ૨૭, ૨૮માં બેસતી શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીના સંચાલકો વિરૂધ્ધ નોંધાયેલી ૬૦ કરોડની ઠગાઇની ફરિયાદની તપાસ માટે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે સિટની રચના કર્યા બાદ તપાસ વધુ વેગીલી બનાવવામાં આવી છે. અગાઉ ભકિતનગર પોલીસે ત્રણ આરોપીઓ પકડી લીધા હતાં. જે રિમાન્ડ પર છે. મંડળીના ચેરમેન સંજય હંસરાજભાઇ દુધાગરા (રહે. એ. પી. પાર્ક) મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવતાં પોલીસે તેને તમામ મિલ્કતો, બેંક ખાતાઓ, વાહનોની માહિતી મેળવવા રાજકોટ-જામનગરના કલેકટર, રાજકોટના મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તેમજ ગાંધીનગર નોંધણી નિરિક્ષક પાસેથી મિલ્કતોની માહિતી માંગી છે. આ ઉપરાંત સંજય તથા તેના પરિવારજનોના રાજકોટની બેંકોમાં કેટલા ખાતા છે? તે જાણવા ૩૦ બેંકો પાસેથી માહિતી મંગાવી છે.

ચેરમેન સંજયની ધરપકડ થઇ એ પહેલા  વાઇસ ચેરમેન ગોપાલ લક્ષમણભાઇ રૈયાણી (રહે. ખોડીયાર સોસાયટી મેઈન રોડ નંદા હોલ પાછળ, 'માતૃ છાંયા') અને મેનેજર વિપુલ રતિભાઇ વસોયા (રહે. મહેશ્વરી સોસાયટી, ૪૦ ફુટ રોડ, દેવપરા પાછળ)ની ધરપકડ કરવામાં આવી હતી. તેણે સુત્રધાર સંજય દુધાગરા હોવાનું કહ્યું હતું. એ પછી સંજય પણ પકડાઇ જતાં ત્રણેયને કોર્ટમાં રજૂ કરતાં ૧૦ દિવસના રિમાન્ડ મળતાં તપાસ આગળ વધારવામાં આવી હતી. પોલીસે શરાફી મંડળીની ઓફિસની જડતી કરી અલગ-અલગ ૪૦ જેટલા રજીસ્ટર કબ્જે કર્યા છે. તેમજ લેપટોપણ પણ જપ્ત થયા છે.

સુત્રધાર ચેરમેન સંજય દુધાગરાની રાજકોટ, જામનગર, પડધરી, કાલાવડ પંથકમાં કેટલી મિલ્કતો છે? કેટલી નોંધણી તેના કે તેના પરિવારજનોના નામે થઇ છે? બેંકોમાં સંજય દુધાગરા અને તેના પરિવારજનોના કેટલા ખાતાઓ છે? કેટલા વાહનો નોંધાયેલા છે? આ સહિતની વિગતો મેળવવા સિટની ટીમે રાજકોટ કલેકટર, જામનગર કલેકટર, જામનગર મામલતદાર, પડધરી અને કાલાવડના મામલતદાર, રાજકોટ મ્યુનિ. કમિશનર તેમજ સર્વેભવનના સર્વેયર પાસે અને ગાંધીનગર નોંધણી નિરીક્ષક પાસેથી તેમજ રાજકોટ ની ૩૦ જેટલી બેંકો અને આરટીઓ કચેરી પાસેથી વિગતો મંગાવવા કાર્યવાહી હાથ ધરી છે.

 અત્યાર સુધીમાં પોલીસ પાસે છેતરાયેલા રોકાણકારોનો આંકડો ૨૦૦ ઉપર થઇ થયો છે અને ઠગાઇનો આંક સતર કરોડ સુધી પહોંચ્યો છે.

ભકિતનગર પોલીસે રોકાણકારો પૈકીના સંજય જયંતીભાઈ સોજીત્રા (ઉ.વ.૪૧)ની ફરીયાદ પરથી ગુન્હો નોંધવામાં આવ્યો હતો. ફરીયાદી અને બીજા ૧૬ થાપણદારોએ જુદી જુદી સ્કીમમાં પોતાના નાણા રોકયા હતા. પાકતી તારીખે ફરીયાદીના ૩૧ લાખ ૬૭ લાખ અને અન્ય ૧૬ના ૨ કરોડ ૮૦ લાખ ૨૨ હજાર ૯૦૦ સહિત ૩ કરોડ ૧૧ લાખથી વધુ ઓળવી ગયાની ફરીયાદ નોંધી હતી.

તપાસ માટે રચાયેલી સિટની ટીમના એસીપી એચ. એલ. રાઠોડ, પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ કામલીયા, પીએસઆઇ જે. ડી. ગઢવી, હેડકોન્સ રાઇટર નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયાની ટીમ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ અને ડીસીપી પ્રવિણકુમાર મીણાની રાહબરીમાં વિશેષ તપાસ ચલાવે છે.

(12:50 pm IST)