Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

શહેરમાં વધુ એક અજાણ્યા વૃધ્ધનું ઠંડીમાં ઠૂંઠવાતા મોત

સિવિલ હોસ્પિટલ ઓપીડીની કેસ બારી પાછળના ભાગે દમ તોડ્યોઃ વાલીવારસની શોધખોળ કરતી પોલીસ

રાજકોટ તા. ૬: હાડ થીજાવતી ઠંડીમાં ખુલ્લામાં પડ્યા રહેતાં વધુ એક અજાણ્યા વૃધ્ધે દમ તોડી દીધો છે. ત્રણ દિવસ પહેલા બે અજાણ્યા વૃધ્ધે સિવિલ હોસ્પિટલ ઓપીડી પાસે અને એક વૃધ્ધે લીમડા ચોક ફૂટપાથ પર દમ તોડ્યો હતો. આ ત્રણેયના મોત ઠંડીમાં આવી જવાથી થયાનું ખુલ્યું હતું. ત્યાં વધુ એક વૃધ્ધનો ઠંડીને કારણે ભોગ લેવાયો છે.

સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બિલ્ડીંગમાં આવેલી કેસબારી પાછળના ભાગે અજાણ્યા આશરે ૬૦ વર્ષના વૃધ્ધ બેભાન પડ્યા હોઇ ઇમર્જન્સી વોર્ડમાં ખસેડાતાં તબિબે મૃત જાહેર કર્યા હતાં. આ અંગે પ્ર.નગર પોલીસને જાણ થતાં એએસઆઇ કનુભાઇ માલવીયા અને રામજીભાઇ પટેલે એ.ડી. નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃતક ભિક્ષુક જેવા લાગે છે. મેલા કપડા પહેર્યા છે. સફેદ લાંબી દાઢી અને મુછ છે. આ સિવાય ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્તુઓ મળી નથી. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ પરિચીત, સગા સંબંધી હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

શહેરમાં આમ તો સેવાભાવી લોકો અને પોલીસ જાહેરમાં સુઇ રહેતા લોકોને ધાબળા ઓઢાડવાનું કામ કરે છે. પરંતુ બિમાર, અશકત અને નજરે નહિ ચડતાં વૃધ્ધોનો ઠંડીમાં ભોગ લેવાઇ જાય છે. 

(12:49 pm IST)