Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

રાજકોટમાં આજે ૪ મોતઃ નવા ૨૦ કેસ

શહેરમાં આજ દિન સુધીમાં કુલ કેસ ૧૩,૯૫૨ નોંધાયા તથા ૧૩, ૩૫૨ દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યોઃ રિકવરી રેટ ૯૫.૮૩ ટકા થયોઃ શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૨૩૧૨ બેડ ખાલી

રાજકોટ, તા. ૬: શહેર અને જીલ્લામાં કોરોના દર્દીઓના મૃત્યુ આંકમાં વધ-ઘટ થઇ રહ્યો છે ત્યારે આજે ૪  દર્દીઓનાં મોત થયા  છે. જયારે શહેરમાં બપોર સુધીમાં ૨૦ કેસ નોંધાયા હતા.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી  એક  પણ મૃત્યુ થયું નથી.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૫નાં સવારે ૮ વાગ્યાથી તા.૬ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૪  દર્દીએ દમ તોડી દીધા હતો.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં  ૨૩૧૨ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

બપોર સુધીમાં ૨૦ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૦ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૩,૯૫૨ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૩,૩૫૨ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૫.૮૩ ટકા રિકવરી રેટ થયો છે.

જયારે આજ દિન સુધીમાં   ૫,૪૨,૬૪૩ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૩,૯૫૨ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૫૬ ટકા થયો છે.

નવા ૫ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં  ગઇકાલે લક્ષ્મીવાડી, અવધપાર્ક-મવડી, મણીનગર-૧૫૦ ફુટ રીંગ રોડ,કોઠારિયા કોલોની સહિતના નવા ૫ વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે હાલમાં ૨૫ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે.

(3:03 pm IST)