Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

રાજકોટ દેશનું પહેલુ એવુ શહેર બન્‍યુ જ્‍યાં 40 કિ.મી. પ્રતિ સેકન્‍ડ ઝડપથી વાહન ચલાવવાની પરમિશન અપાઇઃ કોર્પોરેશને ભાંગરો વાટતા ભારે ચર્ચા

રાજકોટ :વાહન ધીમે હાંકો... એવું સતત જાહેરાતો, કાર્યક્રમો દ્વારા કહેવામાં આવે છે. પરંતુ રાજકોટ દેશનું પહેલુ એવુ શહેર બન્યું છે, જ્યાં 40 કિલોમીટર પ્રતિ સેકન્ડ ઝડપથી વાહન ચલાવવાની પરમિશન આપવામાં આવી છે. જોકે આ સમાચાર કોઈ ગર્વ લેવાની વાત નથી. પરંતુ તેમાં રાજકોટ પાલિકાનું મૂર્ખામીભર્યું પગલુ છે. રાજકોટ મનપાની બેદરકારીના કારણે વાહન 40 કિલોમીટર પ્રતિ સેકન્ડ ઝડપથી ચાલી શકે છે તેવી જાહેરાત મૂકવામાં આવી છે. જોકે, આવી ગંભીર બેદરકારી પર મનપાના કોઈ અધિકારી કે સત્તાધીશોનું ધ્યાન ન ગયું. રસ્તા પર લગાવવામાં આવેલ સાઇન બોર્ડમાં ગંભીર બેદરકારી તંત્રના ધ્યાને ન આવી.

વાહનચાલકોને સૂચના આપવા માટે દરેક મહાનગરપાલિકા દ્વારા સાઈન બોર્ડ લગાવવામાં આવતા હોય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ મામલે મોટો ભાંગરો વાટવામાં આવ્યો છે. વાહન ઓછી સ્પીડે ચલાવવાને બદલે પાલિકાએ પોતાના બોર્ડ પર વધુ સ્પીડમાં વાહન ચલાવવાના સાઈન બોર્ડ લગાવ્યા છે. રાજકોટના કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ સહિત રસ્તા પર 40 કિલોમીટર પ્રતિ સેકન્ડ સ્પીડ લિમિટ દર્શાવતા બોર્ડ નજરે પડ્યા હતા. જોકે, બોર્ડ લગાવ્યા સુધી કોઈના ધ્યાને આ ભૂલ ન આવી. સમગ્ર અહેવાલ મીડિયામાં પ્રકાશિત થયા બાદ સાઈન બોર્ડ હટાવવામાં આવ્યા હતા.

યુનિવર્સિટી રોડ પર પણ તંત્રની બેદરકારી ધ્યાને આવી છે. પરંતુ આ સાઈનબોર્ડ હટાવી લેવાય તે પહેલા રાજકોટ મનપાનું આ મૂર્ખામીભર્યું પગલુ લોકોની સામે આવી ગયું હતું. જોકે, સાઇન બોર્ડમાં બેદરકારીના કારણે વાહનચાલકોમાં અસમંજસ ફેલાઈ હતી. જોકે, આ સાઈન બોર્ડ હટાવીને નવા લગાવવામાં આવે તો તે લોકોના રૂપિયાનો વ્યય જ છે.

(5:08 pm IST)