Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

એસએનકેના નિવૃત શિક્ષીકા મીનાબેન કામાણીના ૩૪.૨૦ લાખની છેતરપીંડીમાં પૂર્વ મેનેજર રિતેશ માવાણી ઝડપાયો

જે તે વખતે એચડીએફસી બેંકમાં રિલેશનશીપ મેનેજર તરીકે કામ કરતાં રિતેશે હું તમારા દિકરા જેવો જ છું...તેવી વાતો કરી ભોળવીને ચેક મેળવી લઇ શિક્ષીકાના એકાઉન્ટને બદલે પોતાની પત્નિના એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કરી લીધા'તાઃ યુનિવર્સિટી પોલીસે પકડ્યોઃ તેની પત્નિ સહિતની શોધખોળઃ નાણા રિકવર કરવા તજવીજ : ઠગાઇ કરનાર રિતેશ હાલ કાપડની ફેકટરીમાં કામ કરે છે

રાજકોટ તા. ૬: શહેરના કાલાવડ રોડ પર રહેતાં એસએનકે સ્કૂલના નિવૃત શિક્ષીકા સાથે વર્ષ ૨૦૧૫-૧૬-૧૮ના ગાળામાં ગેસ્ફોર્ડ સિનેમા પાસે આવેલી એચડીએફસી બેંકના તે વખતના રિલેશનશીપ મેનેજર ચિત્રકુટધામમાં રહેતાં શખ્સે વિશ્વાસ કેળવી   ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરાવી આપવાના બહાને ચાર ચેકોમાં સહીઓ કરાવી લઇ રૂ. ૨૯,૨૦,૦૦૦ની મરણ મુડી સમાન રકમ પોતાની પત્નિના ખાતામાં ટ્રાન્સફર કરાવી લઇ તેમજ બીજા ૫,૦૦,૦૦૦ આરટીજીએસથી ટ્રાન્સફર કરાવી લઇ કુલ રૂ. ૩૪,૨૦,૦૦૦ની ઠગાઇ કરતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. હાલમાં આ શખ્સ કાપડની ફેકટરીમાં નોકરી કરે છે.

બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે કાલાવડ રોડ પ્રેમ મંદિર પાછળ લોટસ એવન્યુ ઇ-૨૦૨માં રહેતાં મીનાબેન જગદીશભાઇ કામાણી (જૈન વણિક) (ઉ.વ.૬૫) નામના નિવૃત શિક્ષીકાની ફરિયાદ પરથી એચડીએફસી બેંકમાં વર્ષ ૨૦૧૫માં રિલેશનશીપ મેનેજર તરીકે ફરજ બજાવતાં રિતેશ માવાણી, બ્રિજ પોઇન્ટ માર્કેટીંગના પંકિતા મહેતા તથા કાફેહેસટેગ સામે આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધ્યો હતો.

મીનાબેન કામાણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા પતિ સાથે રહુ છું. મારા પતિ ચાઇલ્ડ સાઇકોલોજીસ્ટ છે. હું એસ.એન.કે. સ્કૂલમાં શિક્ષીકા હતી અને ૨૦૧૩માં નિવૃત થઇ છું. મારું બેંક એકાઉન્ટ ગેસ્ફોર્ડ સિનેમા પાસે એચડીએફસી બેંકમાં હતું. વીસેક વર્ષ પહેલા આ ખાતુ ખોલાવ્યું હતું. ૨૦૧૫માં આ બેંકના રિલેશનશીપ મેનેજર રિતેશ માવાણીને બેંકના કામ સબબ અવાર-નવાર મળવાનું થતું હોવાથી તે અમારા ઘરે પણ આવતો જતો થતાં પરિચય થયો હતો. તેણે હું તમારો દિકરો જ છું, કંઇપણ કામ હોય તો જણાવજો તેવી વાતો કરી હતી અને ઘરે બેઠા બેંકીંગ સર્વિસ આપશે તેવું કહ્યું હતું. ૨૦૧૬માં હું બિમાર પડતાં વોકહાર્ટમાં દાખલ કરતાં ત્યાં પણ રિતેશ ખબર કાઢવા આવ્યો હતો અને મદદરૂપ થયો હતો. એ પછી મને તેના પર વિશ્વાસ બેસી ગયો હતો.

મને ગેસ્ફોર્ડ સિનેમા પાસેની એચડીએફસી બેંક દૂર પડતી હોઇ રિતેશને કહી કાલાવડ રોડ વોકહાર્ટ હોસ્પિટલ પાસેની બ્રાંચમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ બેંકમાં મરણ મુડીના નાણા રાખ્યા હતાં. રિતેશે મને સેવિંગ કરતાં ફિકસ ડિપોઝીટમાં વધુ નાણા મળશે તેમ કહી મારી પાસેથી ૨૦૧૬માં ૧૧,૧૦,૦૦૦નો ચેક, ૩,૬૦,૦૦૦નો ચેક, ૨૦૧૮માં ૯ લાખનો ચેક તથા ૫,૫૦,૦૦૦ના ચેક મળી કુલ રૂ. ૨૯,૨૦,૦૦ની રકમના ચેક રિતેશે મેળવી લીધા હતાં. મેં તેમાં કોના ખાતામાં જમા કરાવવા તેની વિગત ભર્યા વગર આપ્યા હતાં. એ પછી રિતેશે ૫ લાખનો બીજો એક ચેક પણ મારી સહીથી લઇ લીધો હતો.

મીનાબેને ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે એ પછી મારે મણકાનું ઓપરેશન કરાવવાની જરૂર પડતાં મેં રિતેશને ફોન કરી મારી રકમ ટ્રાન્સફર થઇ ગઇ કે નહિ? તેમ પુછતાં તેણે પોતાની બદલી થઇ ગઇ છે અને રાજકોટ આવી વ્યવસ્થા કરી દેશે તેમ કહ્યું હતું તેમજ તમે બેંકમાં ન જતાં મોટી રકમ હશે તો ટેકસની રેઇડ આવશે તેવું કહ્યું હતું.  એ પછી મેં અવાર-નવાર રિતેશને અને તેના પત્નિને ફોન કર્યા હતાં. પરંતુ બંનેએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. છેલ્લે ગત ઓકટોબર-૨૦૧૯માં અમે કેંકે જઇ તપાસ કરતાં ખબર પડી હતી કે એચડીએફસી બેંકના મારા ખાતામાંથી રૂ. ૨૯,૨૦,૦૦૦ ચેક મારફત ઉપડી ગયા છે અને બ્રીજ પોઇન્ટ માર્કેટીંગમાં ટ્રાન્સફર થઇ ગયા છે. સ્ટેટમેન્ટ કઢાવતાં ખબર પડી હતી કે બ્રીજ પોઇન્ટ માર્કેટીંગનું એકાઉન્ટ પંકિતા મહેતાના નામનું છે અને પંકિતા એ રિતેશની પત્નિ છે. આ ઉપરાં બીજા પાંચ લાખ કાફેહેશટેગ નામથી આરટીજીએસથી ટ્રાન્સફર થઇ ગયાની ખબર પડી હતી.

આમ રિતેશે મને વિશ્વાસમાં લઇ નાણા ટ્રાન્સફર કરી આપવાના બહાને મારી મરણમુડીના રૂ. ૩૪,૨૦,૦૦૦ ચાંઉ કરી લીધા હતાં. યુનિવર્સિટી પી.આઇ. આર.એસ. ઠાકર, પીએસઆઇ એચ. જે. બરવાડીયા, રાજેશભાઇ મિંયાત્રા સહિતે તપાસ કરી આરોપી રિતેશ અભીન્દ્રભાઇ માવાણી (ઉ.વ.૨૯-રહે. ચિત્રકુટધામ સોસાયટી, બ્લોક નં. ૨, અમિન માર્ગ)ની ધરપકડ કરી પુછતાછ હાથ ધરી છે. હાલમાં રિતેશ કાપડની ફેકટરીમાં નોકરી કરે છે. તેણે ઠગાઇથી મેળવેલી રકમ કયાં છે? બીજુ કોણ-કોણ સામેલ છે? તે સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે.

(3:36 pm IST)