Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

કોૈશલ વહેલી સવારે ઉઠી દેવપરાના મેદાનમાં જઇ બાઇકની નંબર પ્‍લેટ ઢાંકી દઇ પછી છેડતી કરવા નીકળી પડતો!

કુશ્‍તીમાં ગોલ્‍ડ મેડાલિસ્‍ટ કોલેજીયન પટેલ યુવાને બે વર્ષમાં ૧૦૦થી વધુ મહિલાઓને ‘શિકાર' બનાવીઃ એકલી મહિલા દેખાતાં જ બેઠકે ટાપલીઓ મારતો અથવા ગુપ્‍તાંગ દેખાડી ભાગી નીકળતોઃ મોઢે માસ્‍ક, માથે ટોપી પહેરતો એટલે ચહેરો દેખાતો નહિઃ શહેરના અનેક પોશ એરિયામાં મહિલાઓ વિકૃત હરકતનો ભોગ બની હતીઃ પણ કોઇએ ફરિયાદ કરી નહોતીઃ યોગા ટીચરની ફરિયાદ પરથી પોલીસ હરકતમાં આવી અને ઝડપી લેવામાં સફળતા મેળવીઃ એક દિવસ સવારે જીમમાં જતો બીજા બે દિવસ છેડતી માટે જ નીકળતો

સવારના સમયે જ એકલ દોકલ મહિલા, યુવતિઓને પોતાની વિકૃત હરકતનો શિકાર બનાવતો કુશ્‍તીબાજ કોૈશલ પીપળીયા (પટેલ) તથા તેને ઝડપી લેનાર માલવીયાનગરની ટીમ જોઇ શકાય છે. એસીપી બી. જે. ચોૈધરી, પીઆઇ આઇ. અને. સાવલીયા વિગતો આપતાં તથા સાથે પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, હેડકોન્‍સ. મશરીભાઇ ભેટારીયા સહિતની ટીમ નજરે પડે છે. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૫: શહેરમાં તેર દિવસ પહેલા અક્ષર માર્ગ પર યોગા ટીચર લિફટમાં જઇ રહ્યા હતાં ત્‍યારે તેની સાથે અત્‍યંત વિકૃત હરકત કરી પોતાનું ગુપ્‍તાંગ બતાવી તેમજ મારકુટ કરી ભાગી ગયો હતો. આ ઘટનાથી શહેરભરમાં ચકચાર મચી ગઇ હતી અને આવા વિકૃતને દબોચી લેવા પોલીસ સામે પડકાર આવી ગયો હતો. માલવીયાનગર પોલીસની ટીમે ચૂંટણી બંદોબસ્‍ત કરવાની સાથે સાથે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પણ રાત દિવસ એક કર્યા હતાં અને અંતે આ શખ્‍સને દબોચી લીધો હતો. કુસ્‍તીમાં ગોલ્‍ડ મેડાલિસ્‍ટ રહી ચુકેલા દેવપરાના આ પટેલ શખ્‍સે પોતે અંગત આનંદ માટે જ આવુ કરતો હોવાનું અને છેલ્લા બે વર્ષથી આ રીતે એકલ દોકલ મહિલાને શિકાર બનાવતો હોવાનું કબુલ્‍યું હતું. પોતાની મજા માટે તે વહેલી સવારે ઘરેથી નીકળી દેવપરા પાસેના મેદાનમાં જઇ બાઇકની નંબર પ્‍લેટને કપડાથી ઢાંકી દેતો, પોતે પણ મોઢે માસ્‍ક, માથે ટોપી પહેરી લેતો અને બાદમાં નીકળી પડતો હતો. રોજની બે-ત્રણ મહિલાની તે છેડતી કરી ભાગી જતો હતો!

પોલીસે કોૈશલ રમેશભાઇ પીપળીયા (પટેલ) (ઉ.વ.૨૪-રહે. દેવપરા-૨, વિવેકાનંદન સોસાયટી-૨, વિશાખા ગોલ્‍ડ એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૨૦૧ બીજા માળ)ને દબોચી લઇ તેની આગવી ઢબે સરભરા કરી હતી. પોલીસની વિસ્‍તૃત પુછતાછમાં માત્ર યોગા ટીચર જ નહિ શહેરની અનેક પોશ વિસ્‍તારની સોસાયટીઓમાં આ શખ્‍સે છેલ્લા બે વર્ષમાં ૧૦૦થી વધુ મહિલા, યુવતિઓને પોતાની હરકતનો ભોગ બનાવી હોવાનું કબુલ્‍યું હતું. પરંતુ આબરૂ જવાની બીકે કે પછી શરમને કારણે ભોગ બનનાર કોઇએ ફરિયાદ નોંધાવી નહોતી. છેલ્લે ૨૨મીએ યોગા ટીચર આવી હરકતનો ભોગ બનતાં તેમણે હિમ્‍મત દાખવી ફરિયાદ કરી હતી અને માલવીયાનગર પોલીસની ટીમ  કામે લાગી ગઇ હતી.

પોલીસ પાસે સીસીટીવી ફૂટેજ આવ્‍યા હતાં પરંતુ તેમાં મોઢુ દેખાતુ નહોતું. બાઇકના ફૂટેજ પણ મળ્‍યા હતાં પરંતુ તેમાં નંબર પ્‍લેટ ઢાંકેલી હાલતમાં હતી. પોલીસ માટે આ વિકૃતને શોધી કાઢવો પડકારરૂપ બની ગયું હતું. ઉચ્‍ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ માલવીયાનગર પોલીસે ચૂંટણી બંદોબસ્‍તની સાથે સાથે આ ગુનો ડિટેક્‍ટ કરવા પણ રાત દિવસ એક કરી દીધા હતાં. જેના ભાગ રૂપે મોલ, દૂકાન, ઓફિસ, ઘર, શેરી-મહોલ્લા, સોસાયટીઓના હોલ, આઇ-વે પ્રોજેક્‍ટના કેમેરાના ફૂટેજ મળી અંદાજે ૧૫૦૦ જેટલા ફુટેજ ચેક કર્યા હતાં. લાલ જમ્‍પરવાળુ બાઇક કે જેની નંબર પ્‍લેટ ઢાંકી દેવામાં આવેલી હોય છે એ બાઇક ક્‍યા કયા રસ્‍તેથી જાય છે, કઇ તરફ નીકળે છે અને છેલ્લે ક્‍યાં જાય છે એ શોધવા પોલીસે આકાશપાતાળ એક કરી દીધા હતાં અને અંતે સફળતા મળી હતી.

પોલીસે તપાસ શરૂ કરી પછી અમુક સોસાયટીઓના રહેવાસીઓ સામેથી જુના ફૂટેજ લઇને આવ્‍યા હતાં. એકાદ વર્ષ પહેલા પણ સતત આવી ઘટનાઓ પંચવટી, પર્ણકુટીર, ઇન્‍દ્રપ્રસ્‍થ, એસ્‍ટ્રોન સોસાયટી સહિતના વિસ્‍તારોમાં બની હોઇ અને ત્‍યારે પણ એક નંબર વગરના ટુવ્‍હીલર પર આવતો શખ્‍સ આ રીતે મહિલાઓ-યુવતિઓની પજવણી કરી હલકી હરકત કરી ભાગી જતો હોવાની માહિતી મળતાં પોલીસ પણ ચોંકી ગઇ હતી. અંતે ફૂટેજને આધારે પોલીસ આરોપીનું બાકઇ જે રસ્‍તે આવ-જા થતું હતું તેના આધારે દેવપરા વિસ્‍તારમાં પહોંચી હતી અને ત્‍યાંના બધા નાકા દબાવી વોચ રાખી હતી.

છેવટે પાક્કી માહિતી મળી હતી કે ફૂટેજમાં દેખાતો છેડતીબાજ શખ્‍સ દેવપરાના વિશાખા ગોલ્‍ડ એપાર્ટમેન્‍ટમાં રહે છે. પોલીસ ત્‍યાં પહોંચી ત્‍યારે પાર્કિંગમાં ફૂટેજમાં દેખાતુ હતું તે વર્ણનનું બાઇક જોવા મળતાં જ પોલીસે આ બાઇકનો માલિક કોણ? તે શોધતાં જ બીજા માળે ૨૦૧માં રહેતો કોૈશલ પીપળીયા હાથમાં આવ્‍યો હતો. પહેલા તો તેણે ગલ્લા તલ્લા કર્યા હતાં. પણ પોલીસે ત્રીજુ નેત્ર ખોલતાં જ તેણે પોતાનો ગુનો કબુલ્‍યો હતો. એટલુ જ નહિ બે વર્ષથી તે આવુ કરતો હોવાનું અને આમ કરવામાં પોતાને અંગત આનંદ મળતો હોવાનું કહેતાં પોલીસે બરાબરની પુછતાછ કરી હતી.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીીયા, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીના માર્ગદર્શનમાં પીઆઇ આઇ. એન. સાવલીયાની રાહબરી હેઠળ પીેએસઆઇ એમ. એન. મહેશ્વરી,  હેડકોન્‍સ. મસરીભાઇ ભેટારીયા, રવિભાઇ નાથાણી, અજયભાઇ વીકમા, કોન્‍સ. ભાવેશભાઇ ગઢવી, અંકિતભાઇ નિમાવત, હિરેનભાઇ સોલંકી, રઘુવીરસિંહ જાડેજા, હરસુખભાઇ સબાડ અને કૃષ્‍ણદેવસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી. જેમાં હેડકોન્‍સ. અજયભાઇ વિકમા, કોન્‍સ. અંકિતભાઇ નિમાવત, હિરેનભાઇ સોલંકી, કૃષ્‍ણદેવસિંહ ઝાલા તથા હરસખુભાઇ સબાડની પાક્કી બાતમી કામ કરી ગઇ હતી.

ઝડપાયેલો કોૈશલ કુંડલીયા કોલેજમાં બીજા વર્ષમાં અભ્‍યાસ કરે છે. તેના પિતા યાર્ડમાં પેઢી ધરાવે છે. તે અગાઉ ફ્રી સ્‍ટાઇલ કુસ્‍તીમાં સતત ચાર વર્ષ ચેમ્‍પિયન રહેતાં ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો હતો. કોૈશલ કુંવારો છે અને તેનો મોટો ભાઇ વિદેશ રહે છે. ભાઇ પણ કુંવારો છે. કોૈશલ પોતાનો વિકૃત આનંદ સંતોષવા વહેલી સવારે સાડા પાંચેક વાગ્‍યે બાઇક લઇને ઘરેથી નીકળતો હતો અને દેવપરા પાસેના પટમાં જઇ સોૈ પહેલા બાઇકની બંને નંબર પ્‍લેટ કપડાથી કે બીજી રીતે ઢાંકી દેતો હતો. એ પછી માથે ટોપી પહેરતો, માસ્‍ક પહેરતો અને માત્ર આંખ જ ખુલ્લી રહે એ રીતે તૈયારી કરી બાઇક પર નીકળી પડતો હતો અને જે રસ્‍તે મહિલા, યુવતિ એકલા વોકીંગમાં જતાં દેખાય તેની સામે વિકૃત હરકત કરી છેડછાડ કરી ભાગી જતો હતો.

દરરોજ સવારે શેઠ હાઇસ્‍કૂલની જીમમાં જવાની આદત ધરાવતો કોૈશલ એક દિવસ જીમમાં જતો અને બે દિવસ રજા રાખી પોતાની વિકૃત હરકતો સંતોષવા નીકળી પડતો હતો અને એક જ દિવસમાં બે કે વધુ મહિલાને શિકાર બનાવી ભાગી જતો હતો. જે રસ્‍તે તે છેડતી કરતો ત્‍યાંથી પાછો વળવાને બદલે બીજા જ માર્ગ શોધી નીકળી જતો હતો. પંચવટીમાં છેડતી કરી હોય તો આડો અવળો થઇ મવડી ઓવર બ્રીજ થઇ અટીકા થઇ ત્‍યાંથી જંગલેશ્વર તરફ જતો અને છેલ્લે જ્‍યાં સીસીટીવી કેમેરા ન હોય એવા રસ્‍તેથી દેવપરા તરફ જઇ ઘરે પહોંચી જતો હતો અને રોજીંદા કામોમાં પરોવાઇ જતો હતો.

છેલ્લા બે વર્ષમાં તેણે સત્‍યસાઇ રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, પંચવટી એરિયા વિસ્‍તાર, અમીન માર્ગ, એસ્‍ટ્રોન સોસાયટી સહિતના વિસ્‍તારોમાં વિકૃત હરકતોનો સોથી વધુ મહિલાઓને શિકાર બનાવી હતી. તેને કોર્ટમાં રજૂ કરવા તજવીજ કરવામાં આવી છે.

પીઆઇ આઇ. એન. સાવલીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. એન. મહેશ્વરી, મશરીભાઇ ભેટારીયા અને ટીમે રાત દિવસ એક કરી સફળતા મેળવીઃ ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી બી. જે. ચોધરીનું માર્ગદર્શન

પોલીસે ઘટના સ્‍થળથી માંડી અલગ અલગ રોડ સસ્‍તાના ઓફિસ, મકાન, દૂકાન, મોલ, આઇવે પ્રોજેક્‍ટના ૧૫૦૦ કેમેરાના ફૂટેજ ચેક કર્યા અને લાલ જમ્‍પરવાળો બાઇક ચાલક જે રૂટ પર આવ-જા કરતો હતો તેના આધારે પગેરૂ શોધી છેલ્લે દેવપરાના તેના ઘર સુધી પહોંચી દબોચ્‍યો

હેડકોન્‍સ. અજયભાઇ વિકમા, કોન્‍સ. અંકિતભાઇ નિમાવત, હિરેનભાઇ સોલંકી, કૃષ્‍ણદેવસિંહ ઝાલા તથા હરસખુભાઇ સબાડની પાક્કી બાતમી પરથી સફળતા

એક સ્‍થળે ચોરી કરી ત્‍યારે રોકડ ન મળતાં પિસ્‍તોલ ચોરી હતીઃ એ કારણે બે ગુનામાં સંડોવાયો હતો

વર્ષ ૨૦૨૧માં કોૈશલ પીપળીયાએ એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશનની હદના અમીન માર્ગ પર આવેલી ઓફિસમાં ચોરી કરવા ગયો હતો ત્‍યારે ઓફિસમાંથી રોકડ કે બીજી કિમતી ચીજવસ્‍તુ ન મળતાં પિસ્‍તોલ ચોરી લીધી હતી. આ મામલે જે તે વખતે એ-ડિવીઝનમાં ગુનો નોંધાયો હતો. આ પિસ્‍તોલ સાથે તેને આજીડેમ પોલીસે પકડતાં ત્‍યાં આર્મ્‍સ એક્‍ટ હેઠળ ગુનો નોંધાયો હતો.

(12:03 pm IST)