Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

રામકૃષ્ણ આશ્રમ દ્વારા આ વર્ષે સ્થાનિકના બદલે વૈશ્વિક સ્તરે વર્ચ્યુઅલી માધ્યમથી વિવિધ સ્પર્ધાઓ

ધો ૧ થી અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે સ્વામી વિવેકાનંદ પર મુખપાઠ, વકતૃત્વ અને નિબંધ સ્પધાનું આયોજન : અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ભાષામાં ભાગ લઇ શકાર્શેં

રાજકોટ તા. ૫ : યુવાનોના પ્રેરણાદાતા અને આદર્શ એવા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી ૧૨ મી જાન્યુઆરીના પ્રતિ વર્ષ વિશ્વ યુવા દિન તરીકે ઉજવવામાં આવે છે. તેના ઉપલક્ષ્યમાં રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા છેલ્લા ૫૪ વર્ષથી રાજકોટ શહેરના પહેલા ધોરણથી કોલેજ કક્ષા સુધીના વિદ્યાર્થીઓ માટે યોજાતી મુખપાઠ અને વકતૃત્વ સ્પર્ધા આ વખતે કોવિડ ૧૯ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વૈશ્વિક સ્તરે ઓનલાઇન યોજવામાં આવી છે.

વિદ્યાર્થીઓમાં ચારિત્ર્ય નિર્માણ, રાષ્ટ્ર પ્રેમ અને ઉમદા નાગરિકત્વની ભાવના કેળવાય તે માટે સ્વામી વિવેકાનંદના અગ્નિ મંત્ર સમાન વિચારો પરની મુખપાઠ સ્પર્ધા ધો.૧ થી ૮ માટે યોજાશે. જયારે ધો.૯ થી માંડીને કોલેજના વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ અને નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બધી જ સ્પર્ધાઓ અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ભાષામાં યોજાશે.

આ અંગે વિગતો આપતા રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદે જણાવ્યું હતું કે, પ્રતિ વર્ષ યોજાતી આ સ્પર્ધામાં ગત વર્ષે દસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મુખપાઠ સ્પર્ધામાં આશ્રમ દ્વારા અપાતા ફકરાને પ્રત્યક્ષ સ્વરૂપે નાનપણથી બાળક નાની એવી મેદની સમક્ષ યાદ કરીને ભાવપૂર્વક બોલે ત્યારે આપોઆપ તેનામાંથી સ્ટેજ ફીઅર દુર થતો જાય છે. સાથોસાથ નાનપણથી સકારાત્મક વિચારસરણી પણ કેળવાય છે. પોતાનામાં નેતૃત્વ અને ઉત્તમ નાગરિક બનવાના ગુણો કેળવી શકે તે માટે યોજાતી આ સ્પર્ધામાંથી નાનપણમાં ભાગ લઇ ચુકેલા અનેક વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ આજે મોટીવેશનલ સ્પીકર, પત્રકાર, કોલમિસ્ટ, શાળા-કોલેજ, યુનીવર્સીટીના પ્રાધ્યાપક, આચાર્ય, અભિનેતા બની ચુકયા છે.

હાલ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વ્યકિતત્વ વિકાસના પર્યાય સમી આ સ્પર્ધા આ વર્ષે સ્થાનિક કક્ષાએ સભાખંડમાં યોજવાને બદલે વૈશ્વિક સ્તરે યોજવામાં આવી છે. ભાગ લેનારા વિદ્યાર્થીઓએ ગુગલ ફોર્મ દ્વારા નોંધણી કરાવી પોતાના મુખપાઠ, વકતૃત્વ સ્પર્ધાની વિડીયો બનાવીને ૧૫ મી ડીસેમ્બર સુધીમાં મોકલી આપવાની રહેશે. વિજેતા બનનારા વિદ્યાર્થીઓને આકર્ષક ઇનામો આપવામાં આવશે. ભાગ લેનારા તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવશે.

સ્પર્ધામાં ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ વ્હોટ્સએપ. નં.૬૩૫૫૩ ૩૧૩૪૦ ઉપર માત્ર મેસેજ દ્વારા અથવા online.competition. rkm.rajkot@gmail.com ઉપર સંપર્ક કરી વિગત અને વિષય મેળવી લેવાના રહેશે.

(3:20 pm IST)