Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

ગોંડલ રોડ પરના ત્રિપદા પેટ્રોલ પંપ પર બનાવ

૪૨૪૦નું ડિઝલ પુરાવી ૨૫૦ જ દીધા!...ચાર શખ્સો પંપના ફિલરમેનને ગાળો દઇ ભાગ્યા

ડેબીટ કાર્ડ આપ્યું તે સ્વીપ ન થયું: સીસીટીવી ફૂટેજને આધારે મેનેજરે ફરિયાદ નોંધાવીઃ માલવીયાનગર પોલીસે ત્રણ શખ્સને સકંજામાં લીધા

રાજકોટ તા. ૫: ગોંડલ રોડ પર પટેલ કન્યા છાત્રાલય પાસે આવેલા પેટ્રોલ પંપ ખાતે બે દિવસ પહેલા મર્સિડીઝ કારમાં રૂ.૪૨૪૦નું ડિઝલ પુરાવ્યા બાદ માત્ર રૂ. ૨૫૦ જ આપતાં ફીલરમેને પુરા પૈસા માંગતા ચાલક સહિત ચાર જણે પૈસા ભેગા કરતાં રૂ. ૮૦૦ જ થતાં એ પછી ડેબીટ કાર્ડ આપતાં તે સ્વાઇપ ન થતાં ચારેય શખ્સો ફિલરમેન સાથે ગાળાગાળી કરી પૈસા ચુકવ્યા વગર ભાગી ગયા હતાં. સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરી ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણ શખ્સોને સકંજામાં લીધા છે.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે ગુરૂ પ્રસાદ ચોક આરએમસી આવાસ યોજના કવાર્ટર સામે દ્વારકેશ પાર્ક-૨માં ભાડેથી રહેતાં અને ગોંડલ રોડ પર પટેલ કન્યા છાત્રાલય પાસે ત્રિપદા પેટ્રોલ પંપમાં મેનેજર તરીકે નોકરી કરતાં વિપુલ નવિનભાઇ જોટંગીયા (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી મર્સિડિઝ કાર નં. જીજે૦૩કેપી-૧૦૦૪ના ચાલક યશપાલસિંહ જાડેજા, હિમાંશુ, લક્કીરાજસિંહ અને દિગ્વીજયસિંહ સામે આઇપીસી ૪૦૬, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

વિપુલ જોટંગીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તા. ૩/૧૨ના રોજ હું નોકરી પર હતો ત્યારે સાંજે પોણા આઠેક વાગ્યે હું તથા મારા શેઠ પ્રવિણભાઇ જસાણી અમારી ઓફિસની બહાર ઉભા હતાં અને વાતો કરતાં હતાં. તે વખતે પંપમાં નોકરી કરતાં ફિલરમેન રેનીશ પટેલે જોરથી અવાજ કરી વિપુલભાઇ અહિ આવો તો...તેમ કહેતાં હું તેની પાસે ગયો હતો. એ પછી રેનીશે કહ્યું હતું કે મેં આ મર્સિડીઝમાં રૂ. ૪૨૪૦નું ડિઝલ પુરી આપ્યું છે અને તેના રૂપિયા માંગતા ચાલકે માત્ર રૂ. ૨૫૦ જ આપ્યા છે.

મેં તેમની પાસે પુરા રૂ. ૪૨૪૦ માંગતા ચાલક અને અંદર બેઠોલા બીજા ત્રણ જણાએ બહાર આવી અંદરો અંદર એક બીજા પાસેથી રૂપિયા ભેગા કરતાં રૂ. ૮૦૦ જ થયા હતાં. મેં તેમની પાસે પુરા રૂપિયા માંગતા કોટક મહિન્દ્રા બેંકનું ડેબીટ કાર્ડ આપ્યું હતું. આ કાર્ડ સ્વાઇપ મશીનમાં સ્વાઇપ ન થતાં તેને પાછુ આપી રોકડા ચુકવવાનું કહેતાં ગાળાગાળી કરી હતી.

આ શખ્સો એક બીજાને નામથી બોલાવતાં હોઇ તેના નામ યશપાલસિંહ, લક્કીરાજસિંહ, દિગ્વીજયસિંહ એવા હતાં. એ પછી કાર ચાલકે તું મને ઓળખે છે? મારું નામ યશપાલસિંહ જાડેજા...તેમ કહ્યુ઼ હતું. બીજા ત્રણ જણા વારાફરતી કારમાં બેસવા માંડ્યા હતાં. યશપાલસિંહે કાર ચાલુ કરતાં ફરી તેની પાસે રૂપિયા માંગતા તે થોડીવાર પછી આપી જઇશે તેમ કહી ત્રણ જણા જતાં રહ્યા હતાં. એક વ્યકિત પંપ ઉપર જ રહી ગયો હતો. તે બાદમાં ચાલીને નીકળી ગયો હતો.

કાર ચાલક પૈસા આપવા આવશે એવી રાહ જોઇ હતી. પરંતુ ન આવતાં સુપરવાઇઝર અમિતભાઇ ગોસાઇએ શેઠ વ્નિેરનભાઇને જાણ કરતાં સીસીટીવી ફૂટેજને આધારે કારના નંબર ચેક કરતાં તેના આધારે ફરિયાદ નોંધાવી હતી.

માલવીયાનગર એએસઆઇ ગીતાબેન પંડ્યાએ ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લેવા તજવીજ કરી છે.

(12:59 pm IST)