Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

વિરમાયાપ્લોટના સુનિલ જાદવ પર પડધરી પાસે પાંચ શખ્સોનો હુમલો

જુના કપડા લઇ જામનગરથી આવતી વખતે કારને ઓવરટેઇક બાબતે ડખ્ખો કરી સળીયા-ધોકાથી ફટકાર્યોઃ હુમલાખોરો ચિક્કાર પીધેલા હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૫: ગવલીવાડ પાસે વિરમાયાપ્લોટમાં રહેતાં અને જુના કપડાનો ધંધો કરતાં સુનિલ મનસુખભાઇ જાદવ (ઉ.વ.૩૫) પર સાંજે આઠેક વાગ્યે પડધરીના પેટ્રોલ પંપ નજીક અન્ય કારમાં આવેલા પાંચ અજાણ્યા શખ્સોએ ધોકા-સળીયાથી હુમલો કરી બેફામ માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી જાણ કરી હતી.

સુનિલ જુના કપડા લેવા પોતાની ઇકો કાર લઇને જામનગર ગયો હતો. ત્યાંથી રાજકોટ પરત આવી રહ્યો હતો ત્યારે આગળ જતી અન્ય કારનો ચાલક સાઇડ આપતો ન હોઇ સુનિલે તક જોઇ સાઇડ કાપી લેતાં એ કારના ચાલકે તેને આંતરી ઉભો રાખ્યો હતો અને બાદમાં ચાલક સહિત પાંચ જણાએ ઉતરી ધોકા-સળીયાથી બેફામ માર માર્યો હતો. બીજા લોકો ભેગા થઇ જતાં સુનિલને છોડાવ્યો હતો.

હુમલાખોરો નશો કરેલા હોય તેવા લાગતાં હતાં. તેની કારના નંબરને આધારે પડધરી પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:38 am IST)