Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

વર્ગ-૪ કર્મચારીને વર્ગ-૩માં બઢતી આપવા માટેની રિટઃ હાઈકોર્ટે સરકાર- ડીનને નોટિસ કાઢવાનો હુકમ કર્યો

રાજકોટની પીડિયુ મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા

રાજકોટઃ શહેરની પીડિયુ મેડિકલ કોલેજમાં લેબોરેટરી એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા શ્રી ભુપેન્દ્ર મૂલીયાનાએ લેબોરેટરી આસિસ્ટન્ટ (વર્ગ - ૩)ની જગ્યા પર બઢતી મેળવવા માટે કરેલ રિટ પિટિશનમાં નામદાર ગુજરાત હાઇકોર્ટએ સામાવાળાઓને નોટિસ કાઢી, સામાવાળાઓનો જવાબ માંગેલ છે.

આ કેસની હકીકત એવી છે કે શ્રી ભુપેન્દ્ર મૂલીયાના રાજકોટની પીડિયુ મેડિકલ કોલેજમાં ૧૯૯૬થી લેબોરેટરી એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવે છે. લેબોરેટરી એટેન્ડન્ટ (વર્ગ - ૪)ની જગ્યા પરથી લેબોરેટરી આસિસ્ટન્ટ (વર્ગ - ૩)ની જગ્યા પર બઢતી આપવા માટેની શૈક્ષણિક લાયકાત શ્રી ભુપેન્દ્ર મૂલીયાના ધરાવે છે. ઉપરાંત તેમનો સર્વિસ રેકોર્ડ પણ એકદમ ચોખ્ખો અને દાગ રહિત રહેલ છે, તેમના ખાનગી અહેવાલમા પણ કોઈ adverse entry થયેલ નથી. વર્ગ- ૪થી જગ્યા પરથી વર્ગ - ૩ની જગ્યા પર બઢતી મેળવવા માટે શ્રી મૂલીયાના તમામ લાયકાત ધરાવે છે. આ જ મેડિકલ કોલેજમાં શ્રીં મૂલીયાના જેવા જ (સમાન કક્ષાના) અન્ય કર્મચારીઓને વર્ગ - ૪ ની જગ્યા પરથી વર્ગ - ૩ની કક્ષામાં બઢતી આપવામાં આવેલ છે, જયારે કોઈ અગમ્ય કારણોસર શ્રી મૂલીયાનાને બઢતી આપવામાં આવેલ નહી.

આ બાબતે શ્રી મૂલીયાનાએ અવાર નવાર ઉપરી અધિકારીઓને મૌખિક અને લેખિત વિનંતિઓ/અરજીઓ કરેલ, પરંતુ શ્રી મૂલીયાનાની વિનંતી/અરજીઓ ધ્યાને લેવામાં આવેલ નહીં.

દરમિયાનમા લેબોરેટરી એટેન્ડન્ટ (વર્ગ - ૪) ની જગ્યા પરથી લેબોરેટરી આસિસ્ટન્ટ (વર્ગ - ૩)ની જગ્યા-પર બઢતી આપવાના નિયમોમાં સરકારશ્રીએ ફેરફાર કર્યા અને બઢતી આપવાનું બંધ કરી અને લેબોરેટરી આસિસ્ટન્ટ (વર્ગ - ૩)ની જગ્યા જાહેરાત આપી, સીધી ભરતીથી ભરવી તેવો હુકમ કર્યો.

જયારે બઢતી આપવાના નિયમો અમલમાં/અસ્તિત્વમાં હતા, ત્યારે વહીવટીતંત્રએ શ્રી મૂલીયાનાના કેસમાં કોઈ કાર્યવાહી ન કરી, નિષ્ક્રિય રહ્યા અને સમય પસાર કર્યો. જયારે નિયમોમાં ફેરફાર થયા અને બઢતી આપવાનું બંધ થયું અન લેબોરેટરી આસિસ્ટન્ટ (વર્ગ - ૩)ની જગ્યા સીધી ભરતીથી ભરવાનો હુકમ થયો, ત્યારે વહીવટી તંત્રએ શ્રી મૂલીયાનાને જવાબ આપ્યો કે લેબોરેટરી આસિસ્ટન્ટની વર્ગ - ૩ની જગ્યા પર બઢતી આપવાના નિયમો રદ થયા છે, આવું કહી બઢતી માટેની શ્રી મૂલીયાનાની અરજી રિજેકટ કરવામાં આવેલ.

વહીવટીતંત્રના આ નિર્ણયના કારણે શ્રી મૂલીયાનાને આજીવન બઢતી ન મળે તેવા સંજોગો ઊભા થયા. પરંતુ શ્રી મૂલીયાનાએ સરકારશી/વહીવટીતંત્રના આ નિર્ણયની સામે રિટ કરી ગુજરાત હાઇકોર્ટમાં પડકારેલ છે, જેમાં નામદાર ગુજરાત હાઇકોર્ટએ સરકારશ્રી તથા રાજકોટની પીડિયુ મેડિકલ કોલેજના ડીનને નોટિસ કાઢવાનો હુકમ કરેલ છે.

શ્રી મૂલીયાના વતી તેમના વકીલશ્રીએ ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરેલ કે  આપણાં દેશના બંધારણનો મૂળભૂત હેતુ નાગરિકોનું વેલફેર (ઉદ્ધાર) કરવાનો છે. નોકરી દરમિયાન સરકારી કર્મચારીને બઢતીની તક મર્યાદિત હોય છે. જો યોગ્ય સમયે અને યોગ્ય તબકકે કર્મચારીને બઢતી આપવામાં ન આવે તો કર્મચારીને ગંભીર અન્યાય થાય. સરકારી કર્મચારીને તેની લાયકાત મુજબ બઢતી મળે તો જ કર્મચારીનો આર્થિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસ અને ઉદ્ધાર થાય. પરંતુ કર્મચારી પાસે લાયકાત હોવા છતાં, જો વહીવટીતંત્ર યોગ્ય તબક્કે અને યોગ્ય સમયે બઢતી ન આપે તો કર્મચારીનો આર્થિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસ - ઉદ્ધાર રૃંધાઇ જાય, જે આપણાં દેશના બંધારણના મૂળભૂત હેતુથી વિરૂદ્ઘનું છે.

શ્રી મૂલીયાના વતી થયેલ રજૂઆતને ધ્યાને લઈ નામદાર ગુજરાત હાઇકોર્ટે સરકારને તથા રાજકોટની પીડિયુ મેડિકલ કોલેજના ડીનને નોટિસ કાઢવાનો હુકમ કરેલ છે.

આ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં શ્રી મૂલીયાના વતી રાજકોટના વકીલ શ્રી જીતુભાઈ ચોટાઈ અને શ્રી આદિત્ય દાવડા રોકાયેલ છે.

(3:26 pm IST)