Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

શારીરિક કુષ્ઠતાની સારવારની જેમ મનની કુષ્ઠતાનો ઈલાજ પણ જરૂરીઃ મોરારીબાપૂ

કૌશિક મહેતા લિખિત પુસ્તક 'ગાંધી માર્ગનો માણસ- ડો.કે.એમ.આચાર્ય'નું વિમોચન

રાજકોટ,તા.૫: શારીરિક કુષ્ઠતા કરતાં પણ મનની કુષ્ઠતા વધારે ખરાબ છે. મનની કુષ્ઠતા એટલે કુટીલતા, મનની કુષ્ઠતા એટલે દુષ્ટતા, શારીરિક કુષ્ઠતા માટે ડો.આચાર્ય જેવાની જરૂર પડે પણ મનની કુષ્ઠતા દૂર કરવા પરમાચાર્ય, શંકરાચાર્યોની જરૂર પડે. આજે મનની કુષ્ઠતાનો ઈલાજ જરૂરી બની ગયો છે.

ફૂલછાબના તંત્રી કૌશિક મહેતાએ રકતપિત્તના મસીહા પદ્મશ્રી ડો.કે.એમ.આચાર્ય વિશે લખેલાં પુસ્તક 'ગાંધી માર્ગનો માણસ ડો.કે.એમ.આચાર્ય'નું વિમોચન મોરારિબાપુના હસ્તે થયું ત્યારે મોરારિબાપુએ આશીર્વચન પાઠવતાં આમ જણાવ્યું હતું.

હેમુગઢવી નાટ્યગૃહના મિની ઓડિટોરિયમમાં યોજાયેલા ગરિમાપૂર્ણ સમારોહમાં ઉપસ્થિતોને આશીવર્ચન પાઠવતાં મોરારિબાપુએ જણાવ્યું કે, પરબધામના સંત દેવીદાસજી, ગાંધીબાપુએ પણ રકતપિત્તના દર્દીઓની સેવા કરી. આચાર્ય સાહેબે પણ દર્દીઓની પીડાને આત્મસાત કરી છે.

પદ્મશ્રી ડો.કે.એમ.આચાર્યએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, એક સમય એવો હતો કે આ રોગ જેમને હોય તેનો તિરસ્કાર થતો. રકતપિત્તથી શરીરમાં વિકૃતિ આવે છે પણ માનસિક રકતપિત્ત દૂર થાય તે જરૂરી છે. માનસિક રકતપિત્ત દૂર કરવામાં મોટો ફાળો મોરારિબાપુનો છે. મેં મોટુ કાર્ય કર્યું નથી ડોકટર તરીકે ઋણ ચુકવ્યું છે.

પુસ્તક વિમોચન સમારોહના પ્રારંભમાં રકતપિત્તના દર્દમાંથી મુકિત મેળવી ચૂકેલાં બે બહેનો દ્વારા મોરારિબાપુને સૂત્રમાલા અર્પણ કરવામાં આવી હતી. તો ડો.આચાર્ય તરફથી બંને બહેનો પગભર બને તે માટે સિલાઈ મશીન અને અનાજની કિટ અર્પણ થઈ હતી, જે મોરારિબાપુના હસ્તે આપવામાંા આવી હતી.

'ગાંધી માર્ગનો માણસ- ડો.કે.એમ.આચાર્ય' પુસ્તક વિમોચન સમારોહમાં પુસ્તક પ્રકાશક કે.બુકસના યોગેશભાઈ ચોલેરા, મુરલીધર સ્કૂલના પ્રિન્સિપાલ દર્શિતભાઈ જાની, શહેર શ્રેષ્ઠીઓ, નામાંકિત તબીબો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમારોહનું સંચલાન મનોજ જોશીએ કર્યું હતું.

(4:39 pm IST)