Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

રાયકા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજન

સૌરાષ્ટ્ર - કચ્છના રબારી સમાજના ભાઈ - બહેનોની વિશાળ ઉપસ્થિતિમાં લોકડાયરો - સાંસ્કૃતિક કાર્યક્રમો : યોજાયો * સંતો - મહંતો અને ભુવાશ્રીઓના આર્શીવચન * સમાજ અગ્રણીઓનું માર્ગદર્શન

રાજકોટ, તા. ૫ : સૌરાષ્ટ્ર - કચ્છના રાજકોટ મુકામે તા.૨૪/૧૧ના શનિવારના રાયકા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ રેકટ સૌરાષ્ટ્ર - કચ્છ દ્વારા નિર્માણાધીન રામભાઈ ગાંડુભાઈ ટમારીયા (સજનપરવાળા) શૈક્ષણિક સંકુલના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયેલ. જેમાં હજારોની સંખ્યામાં સૌરાષ્ટ્ર - કચ્છના રબારી જ્ઞાતિના ભાઈઓ તથા બહેનોએ હાજર રહી આ કાર્યક્રમને ભવ્ય રીતે શોભાવી  સાથ અને શુભેચ્છા પાઠવેલ રાત્રીના યોજવામાં આવેલ લોકડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી આયોજકોનો ઉત્સાહ વધારેલ હતો.

સમસ્ત રબારી સમાજના આસ્થાના કેન્દ્ર વડવાળા દેવ દુધરેજની જગ્યાના મહંત શ્રી કણીરામ બાપુ, દુધઈ મહંત શ્રી રામબાલકદાસ બાપુ, મેસરીયા મહંત શ્રી બંસીદાસબાપુ, રબારી સમાજના ચોરવાડ મઢના ભુવા આતાશ્રી ભોજા આતા, બળેજ મઢના ભુવા શ્રી જેઠાઆતા, ડેરી મઢના ભુવા શ્રી મેરામણ આતા તેમજ ઓડદર મઢના ભુવા શ્રી અમરીશ આતા અને સતાપર મઢના ભુવા શ્રી અમરાઆતા એ હાજર રહી આર્શીવચન પાઠવેલ.

રેકટના પ્રણેતા લાલસિંહ પવાર ખાસ પશ્ચિમ બંગાળ કલકત્તાથી હાજરી આપવા ઉપસ્થિત રહેલ અને ખૂબ જ ટૂંકા સમયમાં સંકુલના પ્રોજેકટને સાર્થક કરવા માટે રેકટ ટીમ રાજકોટને શુભેચ્છા પાઠવેલ.

રેકટ સૌરાષ્ટ્ર - કચ્છના પ્રમુખ શ્રી ડો. તેજસ કરમટાએ સંસ્થાનો પરિચય આપેલ અને રેકટ સંસ્થાના મારફત સમસ્ત રબારી સમાજને ભવિષ્યમાં થનાર લાભ અંગેની વિગતો જણાવેલ અને સમાજ તરફથી મળેલ સહકાર બદલ સંતોષની લાગણી વ્યકત કરેલ.

આ પ્રસંગે સમાજના યુવા અગ્રણીઓ નિલેશભાઈ મોરી, પ્રમુખ - જીલ્લા પંચાયત, પોરબંદર, વિજયભાઈ કોડીયાતર (યુએસએ), અરજણભાઈ મોરી, પાસ્તર, અર્જુનભાઈ દેસાઈ, બિલ્ડર-વડોદરા, બી. એસ. મોરી (ડીવાયએસપી), રાકેશભાઈ દેસાઈ (પીઆઈ) અને રાજકીય આગેવાનો મહામંત્રી અમિતભાઈ મેહુલભાઈ બવતુકા, કોર્પોરેટર સજુબેન ગોલાભાઈ કલોતરા, યુવા પ્રમુખ અજયભાઈ સાંબડ ઉપરાંત સમાજના અનેક રાજકીય અને સામાજીક અગ્રણીઓની ઉપસ્થિતિ હતી.

આ પ્રસંગે સંકુલના સ્વપ્નદૃષ્ટા અને જેની મહેનતથી આ સંકુલ ટુંકા સમયમાં આકાર પામી રહ્યુ છે તેવા રાજેશભાઈ આલ (ડે. કલેકટર) અને તેની ટીમ ભાવેશભાઈ કરમટા, ભરતભાઈ સાંબડ, ભુપતભાઈ રગીયા, રાણાભાઈ લોહ, રામભાઈ રગીયા, બીજલભાઈ ત્રમટા, બાલુભાઈ કોડીયાતર, હરદાસભાઈ કરમટા, વાઘજીભાઈ ગોયલ, દિનેશભાઈ આલ વગેરેને સમાજ વતી સન્માનિત કરવામાં આવેલ હતા.

સંકુલ માટે રૂ.૫૦ હજાર કે તેનાથી વધારે દાન આપનાર દાનવીરોનું સન્માન કરવા માટે સમાજના સંતો - મહંતો - ભુવાશ્રીઓ તથા રેકટ - રાજકોટના ટ્રસ્ટી મંડળના સભ્યો ચંદુભાઈ જીડ, સામતભાઈ પરમાર, રામભાઈ કરમટા, ગણપતભાઈ મોરી, વરજાંગભાઈ હુણ, વાઘજીભાઈ ત્રગટા, હેમુભાઈ પણફુટા, અલ્પેશભાઈ સાંબડ, વિરાભાઈ કોડીયાતર સહિતનાને પ્રોત્સાહિત કરેલ હતા.

કાર્યક્રમની શરૂઆત સંસ્થાના ઉપપ્રમુખ જગદીશભાઈ મોરીના સ્વાગત પ્રવચનથી કરવામાં આવેલ. અન્ય મહાનુભાવોએ સમાજના કુરીવાજો નાબુદ કરવા અને દિકરા - દિકરીઓને શિક્ષણ આપવા તેમજ વધુમાં વધુ શૈક્ષણિક સંસ્થાઓ બનાવવા અનુરોધ કરેલ.

રાત્રીના સમયે લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ. જેમાં રબારી સમાજના કલાકારો ગમન સાંધલ, રસ્મીતાબેન રબારી, દેવરાજભાઈ ગઢવી, મિતલબેન રબારી તથા વિરાભાઈ રબારીએ લોકડાયરામાં રમઝટ બોલાવી હતી.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ ડી.બી. દેસાઈએ કરેલ અને આભારવિધિ સંસ્થાના મુખ્યદાતા અને ટ્રસ્ટી હીરાભાઈ ટમારીયાએ કરેલ હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન રબારી - સમાજમાં સંગઠન, શિસ્ત અને શિક્ષણનો સંચાર જોવા મળેલ હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સૌરાષ્ટ્ર - કચ્છના રેકટના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

(4:36 pm IST)