Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

રૂ. ૧૯ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજાનો હુકમ

ત્રણ માસમાં રકમ ન ચુકવે તો વધુ છ માસની સજા

રાજકોટ તા. પઃ હાથઉછીની આપેલ માતબર રકમ રૂપીયા ૧૯,૦૦,૦૦૦/- પરત ચુકવવામાં નિષ્ફળ જતા કોર્ટે આરોપીને એક વર્ષની સજાનો હુકમ ફરમાવેલ છે અને આરોપી દ્વારા જો એક માસની અંદર ફરીયાદીને તેની રકમ રૂ. ૧૯,૦૦,૦૦૦/- ન ચુકવે તો વધુ ૬ માસની સજા કોર્ટે કરેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે રાજકોટના રહેવાસી અલ્પેશભાઇ મોહનભાઇ દોગાએ તેમના મિત્ર અલ્પેશભાઇ મનસુખભાઇ ઘાડીયાને મિત્રતાના સબંધે રૂ. ૧૯,૦૦,૦૦૦/- હાથઉછીના આપેલ અને તે રકમ પરત ચુકવવા આરોપીએ ફરીયાદીને તેની બેંકનો રૂ. ૧૯,૦૦,૦૦૦/- નો ચેક આપેલ, જે ચેક બેંકમાંથી અપુરતા ભંડોળના કારણે પરત ફરતા અલ્પેશભાઇએ તેમના વકીલશ્રી મારફત કાયદેસરની નોટીશ આપેલ. અને રૂપિયા ઓગણીસ લાખ જેવી માતબર રકમ આરોપી ઓળવી ગયેલ હોય જેથી અલ્પેશભાઇએ રાજકોટની કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ, જે ફરીયાદ દાખલ થતા કોર્ટે આરોપીને કોર્ટમાં હાજર થવાનો હુકમ કરેલ. આરોપી કોર્ટમાં હાજર થતા તેમણે પોતાનો ગુનો કબુલ રાખેલ નહીં અને કેસ કાર્યવાહી આગળ ચલાવવામાં આવેલ હતો.

આ કેસમાં ફરીયાદી તરફે જાતે સોગંદપર જુબાની આપી તેની ફરીયાદને સમર્થન આપવા અનેક દસ્તાવેજી પુરાવાઓ રજુ રાખવામાં આવેલ અને તેને સફળતા પુર્વક કોર્ટમાં પુરવાર પણ કરવામાં આવેલ. આરોપી તરફેની કોઇ જ દલીલ કે રજૂઆતોને કોર્ટે અમાન્ય ઠરાવેલ. સમગ્ર કેસ કાર્યવાહીના અંતે ફરીયાદીના વકીલશ્રીએ કેસને સમર્થનમાં સચોટ દલીલ કરેલ, અને સર્વોચ્ચ અદાલત તેમજ વડી અદાલતોના ચુકાદાઓ ટાંકી સફળતા પુર્વક પોતાનો કેસ કોર્ટ સમક્ષ સાબીત કરેલ. આમ, ફરીયાદીએ પોતાનો કેસ સફળતા પુર્વક સાબીત કરતા જજ શ્રી આર. એસ. રાજપુતે આરોપીને એક વર્ષની સજા તેમજ ત્રણ માસમાં આરોપીએ ફરીયાદીની લેણી રકમ રૂ. ૧૯,૦૦,૦૦૦/- ચુકવવા અને જો તે રકમ ન ચુકવે તો વધુ ૬ માસની સજા કરતો હુકમ ફરમાવેલ છે.આ અતી મહત્વના ચુકાદામાં આરોપીઓ તરફે વકીલ શ્રી પિયુષ જે. કારીયા, પ્રધ્યુમનસિંહ એમ. જાડેજા તથા મોહિત લિંબાસીયા રોકાયેલ હતા.

(4:04 pm IST)