Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

કાળીપાટ ''ડબલ મર્ડર'' કેસના આરોપીની વધુ એક વચગાળાની જામીન અરજી નામંજુર

રાજકોટ તા. પઃ કાળીપાટના ચકચારી ડબલ મર્ડર કેસમાં આરોપીની વધુ એક જામીન અરજી હાઇકોર્ટે એ ફગાવી દીધી હતી.

રાજકોટ તાલુકાના ભાવનગર રોડ પર આવેલ કાળીપાટ ગામમાં આજથી આઠેક વર્ષ પહેલા તારીખ ૧૦/૭/ર૦૧૧ના રોજ તાવા પ્રસાદના ધાર્મિક પ્રસંગમાં થયેલ ગાળાગાળી બાબતે કોળી જૂથે દરબાર જુથ ઉપર કરેલ હુમલામાં બે બે દરબાર યુવાનો ૧. મહેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા તથા ર. વિશ્વજિતસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા ની હત્યા થયેલી હતી. જેમાં તાલુકા પો. સ્ટે.માં ઇ.પી.કો.ની કલમ ૩૦ર, ૩૦૭, ૩ર૬, ૩રપ વગેરેના કામ સબબ ગુનો નોંધાયેલ. આ ગુનાના કામે ૧૦ આરોપીઓની ધરપકડ થયેલી. જેમાના મોટાભાગના આરોપીઓ ખૂબ જ લાંબા સમયથી જયુડિશિયલ કસ્ટડીમાં હોય જેમાંથી દિનેશ દેવશીભાઇ દૂધરેજિયા એ હાલ-જિલ્લા જેલ રાજકોટ વાળા એ માનવતાના ધોરણે જેલમાંથી જ વચગાળાના જામીન પર છુટવા રાજકોટની સેશન્સ અદાલતમાં જામીન અરજી કરેલ અને ખેતીના કામ સબબ વચગાળાના જામીન પર છોડવા માંગણી કરી હતી.

આ અરજીને સેસન્સ કોર્ટે રદ કરતાં આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી.

ગુજરાત હાઇકોર્ટ એ બંને પક્ષોની દલીલો ધ્યાને લઇ નોંધેલ કે હાલ આ કેશ અંતિમ તબક્કામાં હોય, ડબલ મર્ડર જેવા ગંભીર ગુનાના આરોપીઓ હોય, ઘરના અન્ય સભ્યો હાજર હોય અને આરોપીઓ અને ફરિયાદીઓ એક જ ગામમાં રહેતા હોય જેથી અદાલતને મળેલ વિવેકબુદ્ધિની સતાનો ઉપયોગ આરોપીની તરફેણમાં કરવાનું ન્યાયોચિત જણાવેલ ના હોય આરોપી નિદેશ દેવસી દૂધરેજિયાની જામીન અરજી ગુજ. હાઇકોર્ટએ નામંજુર કરેલ હતી.

આ કામમાં હાઇકોર્ટમાં વકીલ કૃણાલ શાહી તથા રાજકોટના સ્પે. પી.પી. તરીકે શ્રી અનિલ દેસાઇ તથા મૂળ ફરિયાદી તરફે વકીલ રૂપરાજસિંહ પરમાર, અજિત પરમાર, કુલદીપસિંહ બી. જાડેજા, ભરત સોમાણી, શિવરાજસિંહ ઝાલા, શકિત ગઢવી રોકાયેલ હતા.

(3:55 pm IST)