Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

છાત્રોને વિદેશ મોકલવાના એજન્ટ તરીકેની મંજૂરી નહોતી છતાં કામ કરતા'તાઃ ૪ ઇમિગ્રેશન એજન્ટો સામે ગુનો નોંધી ધરપકડ

ઇન્દોરના ડો. રાકેશ નિગમે વિદેશ મંત્રાલયમાં અરજી કરતાં રાજકોટમાં દરોડા : ક્રાઇમ બ્રાંચ-એસઓજીની ટીમે એ-ડિવીઝનમાં બે, માલવીયાનગર અને યુનિવર્સિટીમાં એક-એક ગુના દાખલ કરાવ્યા

રાજકોટ તા. ૫: શહેરના વિદ્યાર્થીઓ કે જે ઉચ્ચ અભ્યાસ માટ વિદેશ જવા ઇચ્છતા હોય અને નોકરી માટે વિદેશ જવા માંગતા હોય તેવા લોકોને કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી માન્ય સર્ટિફિકેટ વગર જ શહેરમાં ઇમિગ્રેશન એજન્ટ તરીકે કામ કરતાં ચાર એજન્ટોને વિદેશ મંત્રાલયમાંથી મળેલી ઓનલાઇન ફરિયાદને આધારે ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી પકડી લીધા બાદ આ ચારેય વિરૂધ્ધ અલગ-અલગ પોલીસ મથકમાં ધી ઇમીગ્રેશન એકટ ૧૯૮૩ની કલમ ૧૦ મુજબ ગુના દાખલ કરાવવામાં આવ્યા છે. એ-ડિવીઝન, માલવીયાનગર અને યુનિવર્સિટી પોલીસે ચાર ગુનાની તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઇન્દોર રહેતાં ડો. રાકેશ પ્રકાશ નિગમે પોતાની દિકરીને ઉચ્ચ અભ્યાસ માટે ફિલીપાઇન્સ મોકલવા માટે રાજકોટના કોટેચા નગર મેઇન રોડ પર પંચશીલ પ્લાઝામાં દિવ્યા એજ્યુકેશન એન્ડ ફેસિલિટેશન એજન્સી ધરાવતાં  પરાગ મલ્કાણ દ્વારા જરૂરી કાર્યવાહી કરાવી હતી. પરંતુ આ કાર્યવાહીમાં એજન્ટ પરાગ મલ્કાણ મારફત ઠગાઇ થયાનું જણાતાં તેના વિરૂધ્ધ મિનિસ્ટ્રી ઓફ એસ્ટ્રનલ અફેર્સમાં ફરિયાદ થઇ હતી.

આ અંગે તપાસ કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયાએ સુચના આપતાં પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીઆઇ ડી. પી. ઉનડકટ તથા ટીમના ભરતભાઇ વાઘેલા, સંજયભાઇ ચાવડા, જયંતિભાઇ ગોહિલ, કરણભાઇ મારૂ અને એસઓજીની છ ટીમો બનાવી કાયદેસરની મંજુરી વગર ઇમિગ્રેશનનું કામ કરતાં એજન્ટોની ઓફિસોમાં દરોડા પાડતાં આવા ચાર એજન્ટો મળી આવતાં ચારેય સામે ગુના દાખલ કરાવવામાં આવ્યા હતાં.

એ-ડિવીઝન પોલીસ મથકમાં બે ગુના નોંધાયા છે. હેડકોન્સ. જયંતિભાઇ ગોહિલની ફરિયાદ પરથી પારસ અશોકભાઇ ખજુરીયા (ઉ.૪૩-રહે. પૂર્ણિમા એપાર્ટમેન્ટ ફલેટ નં. ૪૦૨) તથા તપાસમાં ખુલે તેની સામે ધી ઇમિગ્રેશન એકટ ૧૯૮૩ની કલમ ૧૦ મુજબ ભારતીય નાગરિકોને વિદેશમાં મોકલવા બાબતના એજન્ટ તરીકેને કોઇ નોંધણી કે પરવાનગી કે રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોવા છતાં અલગ-અલગ છાત્રોને વિદેશમાં મોકલી એજન્ટ તરીકેનું ગેરકાયદેસર કામ કરવા સબબ ગુનો નોંધાયો છે. પારસ ખજુરીયા (જૈન)એ પોતે ફર્સ્ટ સ્ટેપ એજ્યુ. એન્ડ ઇમિગ્રેશન કન્સ્લટન્સી નામે ભારતીય નાગરિકોને કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં અભ્યાસ માટે મોકલવાના એજન્ટ તરીકે ૨૦૧૭થી કામ કરતાં હોવાનું કહ્યું હતું. તેની ઓફિસ એસ્ટ્રોન ચોક લેન્ડમાર્ક બિલ્ડીંગમાં આવેલી છે.

બીજો ગુનો એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજાની ફરિયાદ પરથી બિગ બાઝાર પાસે ઋષિકેશ એકઝોટિકામાં રહેતાં અને સરદારનગર રોડ એસ્ટ્રોન ચોકમાં ફોરપ્લસ કોમ્પલેક્ષમાં ટીએસઇએફ એજ્યુ. પ્રા. લિ.નામે ૧૦૩ નંબરની ઓફિસ ધરાવતાં યુવાન સામે દાખલ કરાયો છે. કાયદેસરના રજીસ્ટ્રેશન વગર તે આ કામ કરતો હતો.

ત્રીજા ગુનામાં એસઓજીના હેડકોન્સ. મનરૂપગીરી ગોસ્વામીએ ફરિયાદી બની દિવ્યા એજ્યુકેશન એન્ડ ફેસિલિટેશન એજન્સીના સંચાલક પરાગ નરેન્દ્રભાઇ મલ્કાણા (વાણિયા) (ઉ.૪૨-રહે. તુલસી બંગલોઝ, મકાન નં. ૯, સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ) સામે માલવીયાનગર પોલીસમાં એફઆઇઆર દાખલ કરાવવામાં આવી છે. તેણે ૪/૧૧ના રોજ રજીસ્ટ્રેશન વગર છાત્રોને વિદેશ મોકલવાના એજન્ટ તરીકે કામગીરી કરી હતી. પીએસઆઇ બી. બી.રાણાએ આગળની તપાસ સંભાળી છે.

આ રીતે ચોથો ગુનો ડીસીબીના હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલાની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાયો છે. જેમાં આરોપી તરીકે વિશાલ ઇશ્વરભાઇ ખાંટ (પટેલ) (ઉ.૩૧-રહે. ૧૨, અદિતી એપાર્ટમેન્ટ, યુનિવર્સિટી રોડ, રોયલ પાર્ક)નું આરોપીમાં નામ છે. તેની ઓફિસ પંચાયત ચોક પાસે એચપી પંપની બાજુમાં હરભોલે કોમ્પલેક્ષમાં ત્રીજા માળે રીયો એજ્યુકેશન નામથી છે. તે ૨૦૧૬થી કોઇપણ જાતના રજીસ્ટ્રેશન વગર છાત્રોને વિદેશ મોકલવાની કામગીરી કરતો હતો. હેડકોન્સ. ભગીરથસિંહ ખેરે વધુ તપાસ હાથ ધરી છે.

આ એજન્ટોએ અત્યાર સુધીમાં કેટલા છાત્રો કે નોકરીવાંચ્છુઓને વિદેશ મોકલ્યા?  તે અંગે તપાસ થઇ રહી છે.

(1:10 pm IST)