Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બ્રહ્મસમાજ પાસે જીવનનગરમાં રહેતાં બે ભાઇઓની બઘડાટીઃ પીએસઆઇ સાથે ઝપાઝપી

અકસ્માત સર્જનાર છોટાહાથીના ડ્રાઇવર અંગે અરજી થતાં પોલીસે પુછતાછ માટે બોલાવતા માથાકુટ : દરવાજાની પટ્ટી તોડી મારવા માટે ઉગામીઃ ફોનથી શુટીંગ કર્યુઃ દિપ વસાણી અને દર્શિત વસાણીની ધરપકડ : પડોશી કેતન મકવાણાએ અરજી કરતાં પોલીસે દિપને તેના ડ્રાઇવરને સાથે લઇને આવવાનું કહેતાં તે તેના ભાઇને લઇને આવ્યો : અમે કાંઇ મર્ડર કે બળાત્કાર નથી કર્યો, અમે આવી ગયા એટલે બધા આવી ગયા એમ સમજો, અમારા ડ્રાઇવરની કોઇ જરૂર નથી...કહી ગાળો બોલી દેકારો મચાવ્યો

રાજકોટ તા. ૫: રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક પાસે જીવનનગરમાં રહેતાં બે ભાઇઓએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં તેના છોટાહાથીના ડ્રાઇવરનું ઉપરાણું લઇ પીએસઆઇ સાથે ઝપાઝપી કરી મારવા માટે દરવાજાની પટ્ટી તોડી નુકસાન કરી તેમજ 'અમે કાંઇ મર્ડર કે બળાત્કારનો ગુનો નથી કર્યો, અમારા ડ્રાઇવરનું શું કામ છે? અમે આવી ગયા એટલે બધુ આવી ગયું એમ સમજી લો'...તેવા દેકારા કરી ગાળાગાળી કરતાં બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

 આ મામલે કોન્સ. દિગ્વીજયસિંહ કિરીટસિંહ ગોહિલે  રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક પાસે જીવનનગર-૩માં રહેતાં દિપ વત્સલભાઇ વસાણી અને તેના ભાઇ દર્શિત વત્સલભાઇ વસાણી સામે આઇપીસી ૧૮૬, ૩૩૨, ૫૦૪, ૪૨૭ તથા ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટની કલમ ૩-૭ મુજબ ગુનો નોંધ્યો છે.

દિગ્વીજયસિંહે પોતાની એફઆઇઆરમાં જણાવ્યું છે કે સોમવારે બપોરે બારથી સાંજના આઠ સુધી મારી નોકરી ઇન્વેમાં રાઇટર તરીકે હતી. એ દરમિયાન બપોરે બે વાગ્યે જીવનનગર-૨માં રહેતાં અરજદાર કેતનભાઇ દિનેશભાઇ મકવાણા (ઉ.૪૫) આવ્યા હતાં અને તેમણે પડોશી દિપ વત્સલભાઇ વસાણી તથા તેની સાથેના છોટા હાથીના ડ્રાઇવર વિરૂધ્ધ અકસ્માતની ફરિયાદ આપતાં અમારા પીએસઆઇ વી. સી. પરમારે દિપના મોબાઇલ નંબર મેળવી તેને ફોન કરી પોલીસ મથકે બોલતાં દિપ તેની સાથે તેના નાનાભાઇ દર્શિત વસાણીને લઇને આવ્યો હતો.

આથી પીએસઆઇે પરમારે તેને છોટા હાથીના ડ્રાઇવર વિશે પુછતાં દિપ અને દર્શિત મોટા અવાજે પોલીસ સ્ટેશનમાં દેકારો કરવા માંડ્યા હતાં અને 'અમે આવી ગયા એટલે બધા આવી ગયા તેમ સમજી લો, અને અમે કાંઇ મર્ડર કે બળાત્કારનો ગુનો નથી કર્યો' તેમ કહી જેમ તેમ અપશબ્દો બોલવા માંડ્યા હતાં. પરમાર સાહેબે ફરીથી ડ્રાઇવર વિશે પુછતાં આ બંને ભાઇઓ વધુ ઉશ્કેરાઇ ગયા હતાં. તેને શાંતિથી વાત કરવાનું અને અપશબ્દો ન બોલવાનું સમજાવતાં બંને પરમાર સાહેબ સાથે ઝપાઝપી કરવા માંડ્યા હતાં.

આ સમયે ડી. સ્ટાફના સંતોષભાઇ, કનુભાઇ, પીએસઓ પુષ્પાબેન સહિતના આવી ગયા હતાં. જેથી દિપ અને તેના ભાઇએ તેના ફોનથી વિડીયો શુટીંગ શરૂ કર્યુ હતું. આથી સંતોષભાઇએ તેને અટકાવી ફોન લઇ લીધો હતો. જેથી દિપે ઝપાઝપી કરી મારવા માટે ઇન્વે રૂમના બારણાની પટ્ટી તોડી નાંની હતી.

જેથી મેં તથા પરમાર સાહેબ સહિતનાએ બળથી બંને ભાઇઓને કાબુમાં લીધા હતાં. આ બનાવ સમયે અરજદાર કેતનભાઇ મકવાણા, તેના ભાઇ સુનિલભાઇ મકવાણા, ભાવિશાબેન સુનિલભાઇ મકવાણા સહિતના પણ હાજર હતાં. પીએસઆઇ વી. સી. પરમારે બંને ભાઇઓની ધરપકડની કાર્યવાહી કરી વિશેષ તપાસ હાથ ધરી છે. બંને ભાઇઓ  પ્લાસ્ટીકના પાટલા બનાવવાનું કામ કરે છે. તેના છોટાહાથીના ડ્રાઇવરે અકસ્માત સર્જ્યો હોઇ તે અંગેની અરજી પડોશીએ કરતાં તે બાબતે પુછતાછ કરવા દિપને બોલાવતાં તેણે તેના ભાઇ સાથે આવી ધમાલ મચાવી હતી.

(1:09 pm IST)