Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

લાખાપરની સીમમાં 'કટીંગ' વખતે જ આજીડેમ પોલીસ ત્રાટકીઃ ૭II લાખનો વિદેશી દારૂ જપ્ત

દિવાળી ટાણે 'બાટલી' શોધવા પ્યાસીઓની દોડધામઃ બીજી તરફ પોલીસની બૂટલેગરો પર સતત ધોંસઃ આજીડેમ પોલીસે પ્રવિણ ધરજીયા (કોળી)ની વાડીમાં દરોડો પાડ્યોઃ પ્રવિણ ફરાર, રમેશ ધરજીયાની ધરપકડઃ સ્કોર્પિયો અને પાંચ બાઇક મળી છ વાહનો પણ કબ્જેઃ કુલ રૂ. ૧૧.૫૪ લાખનો મુદ્દામાલ કબ્જેઃ એસીપી ઇસ્ટ પ્રદિપસિંહ જાડેજાની રાહબરીમાં પીઆઇ પી.એન. વાઘેલા, પીએસઆઇ કે. જી. સિસોદીયા અને આજીડેમ પોલીસની ટીમનો દરોડો

તસ્વીરમાં પીઆઇ પી.એન. વાઘેલા અને ટીમ, ઝડપાયેલો કોળી શખ્સ રમેશ (ઇન્સેટ) તથા જપ્ત થયેલા વાહનો જોઇ શકાય છે

રાજકોટ તા. ૫: શહેરમાં એક તરફ દિવાળી ટાણે પ્યાસીઓ 'બાટલી' શોધવા દોડધામ કરી રહ્યા છે તો બીજી તરફ પોલીસ બૂટલેગરો પર સતત ધોંસ બોલાવી લાખોનો દારૂ પકડી રહી છે. કુવાડવા પોલીસે ૨૮ લાખનો દારૂ પકડ્યા બાદ ગત મોડી રાત્રે આજીડેમ પોલીસે સરધારના લાખાપરમાં એક વાડીમાં 'કટીંગ' વખતે જ દરોડો પાડી એક શખ્સને પકડી લઇ રૂ. ૪,૫૪,૮૦૦નો વિદેશી દારૂ અને છ વાહનો મળી કુલ રૂ. ૧૧,૫૪,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. વાડી માલિક તથા દારૂનું કટીંગ કરવા આવેલા શખ્સો ભાગી ગયા હોઇ તેની શોધખોળ થઇ રહી છે.

શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ઇસ્ટ પ્રદિપસિંહ જાડેજાએ તહેવાર ટાણે દારૂ-જૂગારની પ્રવૃતિ નેસ્તનાબૂદ કરવા સુચના આપી હોઇ તેમજ બૂટલેગરો પર વોચ રાખી દારૂના કેસ કરવા સુચના આપી હોઇ તે અંતર્ગત આજીડેમના પી.આઇ. પી. એન. વાઘેલા પીએસઆઇ કે. જી. સિસોદીયા, જી.એન. વાઘેલા, હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી, કોન્સ. કુલદીપસિંહ, જયદિપસિંહ સહિતની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે મહિપાલસિંહ અને કનકસિંહ તથા કુલદીપસિંહને ખાનગી બાતમી મળી હતી કે લાખાપરની સીમમાં પ્રવિણ ગગજીભાઇ ધરજીયાની વાડીમાં દારૂ ઉતર્યો છે અને કટીંગ થવાની તૈયારી છે.

આ બાતમી પરથી દરોડો પાડવામાં આવતાં નાશભાગ મચી ગઇ હતી. જેમાં રમેશ ઘોઘાભાઇ ધરજીયા ઝડપાઇ ગયો હતો. જ્યારે વાડી માલિક પ્રવિણ ધરજીયા  (કોળી) (ઉ.૪૫-રહે. લાખાપર)સહિતના ભાગી ગયા હતાં. પોલીસે રૂ. ૭,૫૪,૮૦૦નો ૩૪૪૪ નંગ દારૂ, ૩ લાખની સ્કોર્પિયો ગાડી, પાંચ મોટર સાઇકલ રૂ. ૧ લાખના મળી કુલ રૂ. ૧૧,૫૪,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દારૂ કયાંથી લાવવામાં આવ્યો? કોને પહોંચાડવાનો હતો? આ ગુનામાં બીજા કોણ-કોણ સામેલ છે? તે સહિતના મુદ્દે તપાસ કરવાની હોઇ ઝડપાયેલા શખ્સના રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે. (૧૪.૮)

(11:56 am IST)