Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ઢોર પકડ પાર્ટી પર પથ્‍થરમારો કરનારા મામૈયા અને મહેશને પાસા તળે જેલમાં ધકેલી દેવાયા

રેસકોર્ષ મેદાનમાં બંનેએ પથ્‍થરમારો કર્યો હતોઃ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું આકરુ પગલું: પ્ર.નગર પીઆઇ આર. ટી. વ્‍યાસ અને પીસીબી પી.આઇ. જે. એસ. ગામીત તથા ટીમોએ વોરન્‍ટની બજવણી કરી : આ પ્રકારના કેસમાં પહેલી જ વખત પાસા

રાજકોટ તા. ૫: શહેરમાં રખડતાં ઢોર પકડવાની કામગીરી કરતી મહાનગર પાલિકાની ટીમ રેસકોર્ષ ગ્રાઉન્‍ડમાં ઢોર પકડવા પહોંચી ત્‍યારે પથ્‍થરમારો કરવામાં આવ્‍યો હતો. આ ગુનામાં પ્ર.નગર પોલીસે બે આરોપીઓને પકડી લીધા હતાં. જામીન પર છુટેલા આ બંનેને પાસા તળે જેલહવાલે કરી દેવામાં આવ્‍યા છે. કદાચ પહેલી જ વખત આવા કેસમાં પાસા તળે કાર્યવાહી થઇ છે. પોલીસની આવી આકરી કાર્યવાહીથી સમયાંતરે ઢોર પકડ પાર્ટી ઉપર હુમલો કરવાની ટેવ ધરાવનારાઓમાં ફફડાટ  ફેલાયો છે.

વિગત એવી છેકે ગોંડલ રોડ રામનગર-૫માં રહેતાં અને મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્‍ટ્રાક્‍ટ બેઝ પર ડ્રાઇવર તરીકે નોકરી કરતાં જીજ્ઞેશભાઇ બોરીચા તા. ૧ના રોજ અન્‍ય સ્‍ટાફ સાથે ઢોર પકડવા માટે નીકળ્‍યા હતાં. ઢોર પકડ પાર્ટી રેસકોર્ષ મેદાનમાં વાહનો સાથે પહોંચી ત્‍યારે બે શખ્‍સ બાઇક પર આવ્‍યા હતાંઅને ઢોર પકડ પાર્ટી પર પથ્‍થરમારો કરી ભાગી ગયા હતાં. ભાગતી વખતે એક શખ્‍સનું બાઇક ત્‍યાં જ રહી ગયું હતું.

પ્ર.નગર પોલીસે ગુનો નોંધી તપાસ કરી બે આરોપી મામૈયા માંડણભાઇ ઉર્ફ માંડાભાઇ ચિરોડીયા (ભરવાડ) (ઉ.૨૮-રહે. આંબેડકરનગર-૬, ગોકુલનગર રોડ એસટી વર્કશો પાછળ) તથા મહેશ હમીરભાઇ ખીંટ (ભરવાડ) (ઉ.૨૫-રહે. ગીતાંજલી સોસાયટી-૬, ગોકુલનગર રોડ, વિજય હોટલ રોડ)ને પકડી લીધા હતાં. આ ગુનામાં બંનેનો જામીન પર છુટકારો થયો હતો. એ દરમિયાન બંનેના પાસા વોરન્‍ટ  નીકળતાં અટકાયતમાં લેવાયા હતાં. મામૈયાને વડોદરા અને મહેશને અમદાવાદ જેલહવાલે કરવામાં આવ્‍યા છે.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ અને એસીપી પી. કે. દિયોરાની સુચના અને રાહબરીમાં પ્ર.નગર પીઆઇ આર. ટી. વ્‍યાસ, હેડકોન્‍સ. જનકભાઇ કુગશીયા, કલ્‍પેશભાઇ ચાવડા, કરણભાઇ મારૂ, કોન્‍સ. હરેશભાઇ કુકડીયા, યુવરાજસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, અનોપસિંહ, અશોકભાઇ, પીસીબીના પીઆઇ જે. એસ. ગામીત, હેડકોન્‍સ. રાજુભાઇ દહેકવાલ અને ઇન્‍દ્રવિજયસિંહ સિસોદીયાએ વોરન્‍ટની બજવણીની કામગરીી કરી હતી.

પાસામાં ધકેલાયેલામાં મામૈયા વિરૂધ્‍ધ અગાઉ માલવીયાનગરમાં રાયોટીંગ એટ્રોસીટી મુજબ પણ ગુનો નોંધાયો હતો. એ પછી તે અને મહેશ ઢોર પકડ પાર્ટી પર પથ્‍થરમારો કરવાના ગુનામાં પકડાયા હતાં. સોૈરાષ્‍ટ્રમાં આ પ્રકારના કેસમાં સંભવતઃ પહેલી જ વખત પાસા તળે કાર્યવાહી થઇ છે. અગાઉ થોરાળા વિસ્‍તારમાં પણ ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓની આંખમાં બળતરા ઉપડે એવો સ્‍પ્રે છાંટી અજાણ્‍યા શખ્‍સો ભાગી ગયા હતાં.

(4:25 pm IST)