Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

રિવર્સમાં આવેલી કારની નીચે આવી જતાં નાયબ મામલતદારના ૩ વર્ષના પુત્રનું મોત

મવડી આલાપ રોયલ પામમાં બનાવઃ પાર્કિંગમાં રમી રહેલા લાડકવાયા શ્‍યામના મૃત્‍યુથી હિરાણી પરિવારમાં ગમગીની : કિશનભાઇ સાવલીયા પુત્રની દવા લઇને આવ્‍યા બાદ પોતાની કાર પાર્ક કરી રહ્યા હતાં ત્‍યારે બનાવ

રાજકોટ તા. ૫: મવડીમાં આલાપ રોયલ પામ રેસિડેન્‍સીમાં એક કરૂણ દૂર્ઘટનામાં નાયબ મામલતદારના ત્રણ વર્ષના પુત્રનું રિવર્સમાં આવેલી કારની નીચે આવી જતાં ગંભીર ઇજા થવાથી મોત નિપજતાં પરિવારમાં અને રહેવાસીઓમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ આલાપ રોયલ પામ-૩માં રહેતાં અને મોરબી ખાતે ફરજ બજાવતાં નાયબ મામલતદાર મેહુલભાઇ મગનભાઇ હિરાણી (પટેલ)નો પુત્ર શ્‍યામ (ઉ.વ.૩) રેસિડેન્‍સીના પાર્કિંગ પાસે રમતો હતો ત્‍યારે રોયલ પામ-૨માં રહેતા કિશનભાઇ રામજીભાઇ સાવલીયા પોતાના પુત્રની દવા લઇને આવ્‍યા હતાં અને કાર પાર્કિંગમાં મુકી રહ્યા હતાં ત્‍યારે શ્‍યામ ત્‍યાં રમતો હોઇ તેનાથી અજાણ હોઇ રિવર્સમાં આવેલી આ કારની નીચે તે આવી જતાં ગંભીર ઇજા પહોંચી હતી.

શ્‍યામની ચીચીયારી સાંભળી કિશનભાઇએ કાર ઉભી રાખી દીધી હતી. બીજા લોકો અને શ્‍યામના માતા પિતા પણ દોડી આવ્‍યા હતાં. માસુમને પહેલા ખાનગી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી સિવિલ હોસ્‍પિટલમાં લાવવામાં આવ્‍યો હતો. પરંતુ તબિબે તેને નિષ્‍પ્રાણ જાહેર કરતાં માતા મિતલબેન, પિતા મેહુલભાઇ ભાંગી પડયા હતાં. તેમજ  સ્‍વજનો અને રેસિડેન્‍સીના રહેવાસીઓમાં ગમગીની છવાઇ ગઇ હતી. શ્‍યામ બાલમંદિરમાં અભ્‍યાસ કરતો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ પી. પી. ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(4:04 pm IST)