Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

આ વર્ષે મગફળીનું ઉત્પાદન ગત વર્ષ કરતા ઘટી ર૬.ર૪ લાખ ટન થશે

ગયા વર્ષે ૩૩.૪૪ લાખ ટન મગફળીનો પાક ઉતર્યો હતો તે સામે આ વખતે ઓછુ ઉત્પાદન થશે : જરાત રાજય ખાદ્યતેલ-તેલીબીયા સંગઠનનો અંદાજઃ સૌથી વધુ જુનાગઢ જીલ્લામાં ૩.૮૪ લાખ ટન તો રાજકોટ જીલ્લામાં ૩.૬૪ લાખ ટન પાક થશે : મગફળીનું ઉત્પાદન ઘટતા પ્રજાને સસ્તુ સીંગતેલ ખાવા નહી મળે

રાજકોટ, તા., ૫: ગુજરાત સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં આ વર્ષે અંદાજ કરતા વધુ મેઘમહેરને કારણે ખેડુતો ખુશખુશાલ થયા છે અને લગભગ તમામ જણસોના પાક સારા ઉતરવાની આશા છે. ત્યારે આ વખતે ખેડુતોનો ઝોક કપાસ તરફ રહેતા ગત વર્ષ કરતા ર૦ ટકા જેટલુ ઓછુ મગફળીનું ઉત્પાદન થશે તેવો અંદાજ ગુજરાત રાજય ખાદ્યતેલ અને તેલીબીયા સંગઠને બાંધ્યો છે ગત સાલ ૩૩.૪૪ લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હતું જે સામે આ વખતે ર૬.ર૪ લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાનો અંદાજ છે.

આ સંગઠનના પ્રમુખ સમીરભાઇ શાહે એવુ વાતચીતમાં જણાવ્યું હતુ કે ગત માલ ૩૩.૪૪ લાખ ટન મગફળીના ઉત્પાદન સામે આ વખતે ર૦ ટકા જેટલો મગફળીનો ઓછો પાક ઉતરશે તેવો અમારો અંદાજ છે. તેમણે કહયું હતું કે આ વખતે ૧ર ટકા જેટલુ વાવેતર ઓછુ થવા પામ્યું હતું. એટલુ જ ખેડુતોના ઉતારા પણ ઘટતા ઉત્પાદન ઓછુ થશે. આ વખતે ૧૭,૦૮,૦૦૦ હેકટરમાં મગફળીનું વાવેતર થયું હતું.

આ સંસ્થાના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌથી વધુ જુનાગઢ જીલ્લામાં ૩.૮૪ લાખ ટન, તે પછી રાજકોટ જીલ્લામાં ૩.૬૪ લાખ ટન, દેવભુમી દ્વારકામાં ૩.પપ લાખ ટન, જામનગર જીલ્લામાં ર.પ૧, અમરેલીમાં ર.૩પ, ભાવનગર જીલ્લામાં ૧.૬ર લાખ ટન, ગીર સોમનાથમાં ૧.પ૦ લાખ ટન, પોરબંદર જીલ્લામાં ૧.૧૬, મોરબી જીલ્લામાં ૦.૮૧ લાખ ટન, કચ્છમાં ૧.૧૪ લાખ ટન મગફળીનો પાક ઉતરે તેવી શકયતા છે.

તેઓએ જણાવ્યું છે કે પાક-પાણીના ઉતારા માટે શ્રી ડાયાભાઇ કેસરીયા, મનીષભાઇ ઘરસંડીયા, અશોકભાઇ પરવડીયા, મુકેશભાઇ જોષી (ભીલડી), અનીલભાઇ તલોદ, વડીલશ્રી ધીરૃભાઇ ડીસા, પ્રવીણભાઇ આસોદરીયા, મનસુખભાઇ કયાડા, વિનુભાઇ હપાણી, લાલાભાઇ (તળાજા), કનકભાઇ જાદવ, જયવંતભાઇ ફિનવા, સોહીલભાઇ માંડલકા, જયભાઇ કવાડીયાનો સહયોગ પ્રાપ્ત થયો છે.

જે રીતે મગફળીનો પાક ઓછો ઉતરશે તેના પરથી નિર્દેશ મળે છે કે આગામી દિવસોમાં પ્રજાને સસ્તુ સીંગતેલ ખાવા નહી મળે.

ગયા વર્ષે  ખેડુતોને જે રીતે કપાસના ભાવ મળ્યા હતા તે પરથી આ વખતે ખેડુતોનું વલણ કપાસ તરફ રહેતા મગફળીનું ઓછુ વાવેતર થયું હતું.

(3:48 pm IST)