Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

એઇમ્‍સ ફરતે બાઉન્‍ડ્રી વોલ બનશે : નડતરરૂપ અનેક વીજ થાંભલા-કેબલનું સ્‍થળાંતર કરવા આદેશઃ વૃક્ષારોપણ માટે સૂચના

કલેકટરના અધ્‍યક્ષ સ્‍થાને રિન્‍યુ બેઠકઃ વધુને વધુ આરોગ્‍ય કેન્‍દ્રો સાથે જોડાણ કરાશે

રાજકોટ, તા. ૦૪: રાજકોટમાં ખંઢેરી પાસે બની રહેલા અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્‍થાન (એઇમ્‍સ) અંગે જિલ્લા કલેક્‍ટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્‍યક્ષ સ્‍થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ કામોની સ્‍થિતિની ચર્ચા સાથે નડતરરૂપ પ્રશ્‍નો ઉકેલવા કલેક્‍ટરશ્રીએ માર્ગદર્શન આપ્‍યું હતું.

કલેક્‍ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં એઇમ્‍સને સંલગ્ન બાઉન્‍ડ્રી વોલ, કેનાલને સમાંતર રોડનું નિર્માણ, વીજપોલનું સ્‍થળાંતર, કેબલનું સ્‍થળાંતર સહિતના પ્રશ્‍નોની ચર્ચા થઈ હતી. કલેક્‍ટરશ્રીએ વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે વિમર્શ કરીને આ પ્રશ્‍નોનુ વેળાસર નિરાકરણ લાવવા સૂચના આપી હતી.

તેમણે એઇમ્‍સના સત્તાધીશોને એઇમ્‍સ પરિસરમાં વળક્ષારોપણ શરૂ કરવા અને લેક વ્‍યૂ બનાવવા માટે પણ સૂચના આપી હતી. ઉપરાંત વિવિધ જાહેર આરોગ્‍ય કેન્‍દ્રો તેમજ સામુદાયિક આરોગ્‍ય કેન્‍દ્રો સાથે ઈ-સંજીવની અંગે જોડાણ કરવા પણ તેમણે એઇમ્‍સના સત્તાધીશોને સૂચના આપી હતી.

એઇમ્‍સના ડેપ્‍યૂટી ડાયરેક્‍ટર પુનિત અરોરાએ વિવિધ કાર્યોની વિગતો રજૂ કરી હતી, અને મેડિકલ છાત્રો માટે હોસ્‍ટેલ નજીકના દિવસોમાં જ શરૂ થઈ જશે તેમ જણાવ્‍યું હતું. ટૂંક સમયમાં જ ઈનડોર પેશન્‍ટ ડિપાર્ટમેન્‍ટ (આઈ.પી.ડી.) શરૂ થઈ જવાનો આશાવાદ પણ તેમણે વ્‍યક્‍ત કર્યો હતો. કલેક્‍ટરશ્રીએ એઇમ્‍સ માટે મંજૂર કરેલી એમ્‍બ્‍યુલન્‍સ બદલ અરોરાએ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.આ બેઠકમાં રાજકોટ ગ્રામ્‍ય પ્રાંત અધિકારી વિવેક ટાંક, જેટકોના અધિકારીશ્રીઓ, માર્ગ અને મકાન વિભાગ રાજ્‍ય તથા સિંચાઈ, રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના અધિકારીઓ, પヘમિ ગુજરાત વીજ કંપની લિમિટેડ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:34 pm IST)