Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

કાલાવડ રોડ સપ્તપદી પાર્ટી પ્લોટ નજીક માનવ ભ્રુણ મળ્યું: પોલીસે ગુનો નોંધ્યો

સાતેક માસનો ગર્ભ ત્યજી દેનાર અજાણી મહિલાની શોધખોળ

રાજકોટ તા. ૫: કાલાવડ રોડ પર સપ્તપદી પાર્ટી પ્લોટ પાસેથી મૃત માનવ ભ્રુણ મળતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. પોલીસે અજાણી મહિલા સામે પોતાના ગર્ભમાં રહેલા સાતેક માસના ભ્રુણનો છુપી રીતે નિકાલ કરી ત્યજી દેવા સબબ ગુનો નોંધ્યો છે.

તાલુકા પોલીસ મથકના એએસઆઇ એસ.આર. સોલંકીએ ફરિયાદી બની આ અંગે અજાણી સ્ત્રી સામે આઇપીસી ૩૧૮ મુજબ ગુનો નોંધ્યો છે. તેણે જણાવ્યા મુજબ કન્ટ્રોલ રૂમમાંથી ઉપેન્દ્રસિંહે વર્ધી આપી હતી કે સપ્તપદી પાર્ટી પ્લોટ પાસે નાનુ મૃત માનવ ભ્રુણ પડેલું છે તો ત્યાં જઇ તપાસ કરવી. આ માહિતીને આધારે પોતેત્યાં જતાં પાર્ટી પ્લોટના પાછળના દરવાજા પાસેના રસ્તાની બાજુએ એક કોથળીમાં પરપોટા સાથે માનવ ભ્રુણ પડેલુ જોવા મળ્યું હતું. આસપાસમાં તપાસ કરતાં કોઇ માહિતી મળી નહોતી. કોઇ મહિલાએ અધુરા માસવાળો ગર્ભ જે આશરે સાતેક માસનો છે તેને ઇરાદાપુર્વક જન્મ છુપાવવાના હેતુથી ત્યજી દીધાનું જણાતાં તે મુજબ ગુનો નોંધ્યો છે. (૧૪.૯)

(4:15 pm IST)