Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ગેરકાયદે સિંહદર્શન 'શો'થી જંગલના રાજા બને છે 'શિકાર': વંશ

વન વિભાગ દ્વારા જ સિંહદર્શન માટે ૫ થી ૧૦ હજારની લ્હાયમાં જંગલના રાજાને અર્ધ બેભાન બનાવાતા હોવાનો ચોંકાવનારો આક્ષેપઃ ઉનાના ધારાસભ્ય પૂંજાભાઇ વંશે મુખ્યમંત્રીને પત્ર લખીને સિંહોના રક્ષણ માટે કરી વિનંતી

રાજકોટ તા. ૫ : સિંહોના સામૂહિક મોત પ્રકરણે ઉનાના ધારાસભ્ય પૂંજાભાઇ વંશે વનવિભાગ સામે ચોંકાવનારા આક્ષેપો કરી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને જણાવ્યું છે કે, ગીરના જંગલમાં વનવિભાગ તથા મળતીયાઓ દ્વારા રૂ. ૫ થી ૧૦ હજારમાં ગેરકાયદે સિંહદર્શન કરાવવાની લ્હાયમાં તૈયાર મારણમાં રસાયણ ભેળવી જંગલના રાજાને અર્ધબેભાન બનાવીને સિંહદર્શન કરાવવામાં આવતા હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરાયો છે અને આવા ખોરાકના કારણે જ સિંહોમાં વાયરસ ફેલાય છે તેવી શંકા તેમણે વ્યકત કરી સિંહોને બચાવવા વિનંતી કરી છે.

ગીરધારી જંગલ વિસ્તારમાં ગુજરાતનું ગૌરવ સમાન એશિયાટીક સિંહોના અકાળે થતાં મોતથી ચિંતિત થઈ કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવી સિંહોનાં મોત માનવસર્જિત હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો અને જણાવ્યું છે કે ગીર જંગલમાં ગેરકાયદે સિંહ દર્શનનો એક મોટો વ્યવસાય ચાલે છે. જેમાં વનવિભાગ ખુદ સામેલ છે. સિંહ દર્શન માટે અપાતા માંસાહાર વખતે તેમાં રસાયણો નાખીને સિંહોને અર્ધબેભાન જેવા કરવામાં આવે છે. તેથી નજીકથી સિંહદર્શન થઈ શકે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે સિંહોને માનવસર્જિત દુર્ઘટનામાં ગુમાવવા પડે તે વ્યાજબી નથી. છેલ્લા એક માસમાં ર૩થી વધુ સિંહોનાં મોત થયા છે. મૃત્યુ પામેલા સિંહોમાં વયસ્ક સિંહો પણ હતા. એટલે કે ઉંમરના લીધે મૃત્યુ થયા નથી. વનવિભાગ આવા સિંહોના મૃત્યુનું મનઘડત કારણ ઈન ફાઈટ બતાવીને મૂળ કારણને રફેદફે કરવા માંગતું હોય તેમ જણાય છે. સિંહોની રખેવાળી માટે જે કામગીરી થવી જોઈએ તે થઈ નથી. કેમ કે સિંહોને જુદા જુદા પ્રકારના વાઈરસ જેવા કે ફેનાઈન પરવો, ક્રેનાઈન ડીસ્ટેમ્પર, ઈમ્યુનો ડીફેશચ્નીશ વગેરેથી સિંહ-સિંહણના શ્વાસનળી-ફેંફસા અને લીવરને નુકસાન થતું હોવા છતાં વન તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કે પગલાં લેવામાં આવ્યા નથી. સિંહોને ઉશ્કેરવામાં ન આવે તો કયારેય માનવજાત ઉપર હુમલો કરતા નથી.

ગીર જંગલમાં નેસડામાં વસતા માલધારીઓ સિંહોના પ્રોત્સાહક અને પાલક હતા. તે માલધારીઓને અભ્યારણ્યની બહાર કરાયા છે તેના કારણે સિંહો ખોરાક-પાણીની શોધમાં જંગલ વિસ્તારની બહાર વિહાર કરતા થઈ ગયા છે. મૂળ ગીરમાં સિંહોની સંખ્યા કરતા ગીર બોર્ડરના બહારના રેવન્યુ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધારે છે.  જંગલમાં ગેરકાયદેસર સિંહ દર્શનનો એક મોટો વ્યવસાય ચાલે છે જેમાં વનવિભાગ ખુદ સામેલ છે. તેના માટે એક વ્યકિતઓના ગ્રુપ દીઠ પથી ૧૦ હજાર રૂપિયા જેવી રકમ લેવામાં આવે છે. ભૂતકાળમાં સિંહોને રંજાડતા અને મુરઘી બતાવી પરેશાન કરતા વીડિયો વાયરલ થયા બાદ વનવિભાગના સત્ત્।ાધિશો હરકતમાં આવ્યા હતા. સિંહોના અકુદરતી મૃત્યુ બાબતે વનવિભાગની બેદરકારી બાબતે તેમજ ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે વન્યજીવના નિષ્ણાતોની ટીમ બનાવી સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરાવી બેજવાબદાર વન અધિકારીઓ સામે કડક પગલાં લેવા અને ગુજરાતના ગૌરવને બચાવી લેવા માટે જરૂરી કાર્યવાહી કરવા તેમણે અંતમાં મુખ્યમંત્રીને વિનંતી કરી છે.(૨૧.૧૭)

(4:13 pm IST)