Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

પોલીસ દ્વારા ખોટી કનડગતઃ રાજકોટ હોટેલ એસોસિએશન દ્વારા રજૂઆત

હોટેલ એસોસિએશનના પ્રમુખ દિલીપ પટેલની આગેવાનીમાં પોલીસ કમિશ્નરને લેખિત આવેદનઃ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી: અગાઉ રૂમ આપ્યો હતો, હોટેલ ફૂલ હોવાથી રૂમ ન આપી શકાતાં સવારે ચાર વાગ્યે આવી બધા રૂમોમાંથી ગ્રાહકોને બહાર કાઢી ચેક કર્યા

રાજકોટ તા. ૫: રાજકોટ હોટેલ ઓનર્સ એસોસિએશન દ્વારા આજે પોલીસ કમિશ્નરને રૂબરૂ મળી પોલીસ દ્વારા હોટેલ સંચાલકોને ખોટી રીતે થઇ રહેલી કનડગત બાબતે રજૂઆત કરવામાં આવી છે.

હોટેલ એસોસિએશનના પ્રમુખ દિલીપભાઇ પટેલની આગેવાનીમાં હોટેલ માલિકોએ કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે હોટેલના મલિકો હરહમેંશ પોલીસના નિયમોનું પાલન કરે છે અને પોલીસને સહકાર આપે છે. એટલુ જ નહિ સમયાંતરે જરૂરિયાત મુજબના રૂમો પણ પોલીસને ગેસ્ટ તરીકે આપવામાં આવતાં હોય છે. સમયાંતરે પોલીસ દ્વારા ચેકીંગ થાય ત્યારે તેમાં પણ પુરેપુરો સહકાર આપવામાં આવે છે.

પોલીસ હોટેલના રજીસ્ટર અને આઇડી પ્રૂફ ચેક કરે અને જો તેમાં કંઇ શંકાસ્પદ લાગે તો જે તે રૂમમાં ઉતરેલા ઉતારૂને બોલાવીને પોલીસ પુછપરછ પણ કરે છે. આ બધી રૂટીન કાર્યવાહી છે અને આમાં કદીપણ પોલીસે કોઇ ગ્રાહકો કે હોટેલ સંચાલકો કે સ્ટાફ સાથે અણછાજતુ વર્તન કર્યુ નથી. પરંતુ તાજેતરમાં એક પીએસઆઇએ હોટેલમાં સવારે ૪ થી ૫ દરમિયાન ચેકીંગ કરી હેરાનગતિ કરી હતી. તા. ૯-૯-૧૮ના સવારે આ પીએસઆઇ એક વ્યકિત સાથે હોટેલમાં આવ્યા હતાં. ચાલુ જીપે જ તે ઉતરી જતાં અને જીપ રિક્ષા સાથે અથડાઇ જતી સીસીટીવીમાં દેખાય છે.

તેણે સવારે હોટેલમાં ઉતરેલા તમામ ગ્રાહકોને બેલ વગાડી ઉઠાડ્યા હતાં અને તમામ રૂમો ખાલી કરી ચેક કર્યા હતાં. મહિલાઓ પોલીસના આવા વર્તનથી ડઘાઇ ગઇ હતી. પીએસઆઇએ કાયદા વિરૂધ્ધ રાગદ્વેષથી આવું કર્યુ હતું. અગાઉ તેમને બે રૂમ ફાળવ્યા હતાં. પણ બાદમાં હોટેલ ફૂલ હોઇ રૂમ માંગતા ન આપી શકાતાં તેણે આવુ કરી હોટેલ સંચાલક, સ્ટાફ અને ગ્રાહકોને ખુબ હેરાન કર્યા હતાં. આ કારણે રજૂઆત કરવી પડી છે. તેમ લેખિત આવેદનમાં જણાવાયું છે. આ મામલે મુખ્યમંત્રી, ગૃહમંત્રીને પણ સીસીટીવી ફૂટેજની સીડી સાથે રજૂઆત કરવામાં આવી છે. (૧૪.૧૩)

(4:10 pm IST)