Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

વહીવટી બેદરકારીઃ કૂતરા પકડવાનું બંધ

કૂતરા પકડવાનો કોન્ટ્રાકટ અપાયાને ૧ મહિનો વિતવા છતા હજુ સુધી કામગીરી શરૂ નથી થઈઃ આવતા મહિને કામગીરી શરૂ થશે

રાજકોટ, તા. ૫ :. શહેરમાં કૂતરાનો ત્રાસ દૂર કરવા માટે રખડુ કૂતરાઓને પકડી તેનુ ખસીકરણ અને હડકવા વિરોધી રસીકરણ બન્ને કામગીરી માટે કોર્પોરેશન દ્વારા બેંગ્લોરની સંસ્થાને કોન્ટ્રાકટ આપ્યો છે પરંતુ વહીવટી બેદરકારીને કારણે હજુ સુધી આ સંસ્થાએ કૂતરા પકડવાનું કામ શરૂ નહિ કરતા શહેરમાં પછાત અને મધ્યમ વર્ગ વિસ્તારમાં કૂતરાઓનો અસહ્ય ત્રાસ વધી ગયાની ફરીયાદો ઉઠી છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ મ્યુ. કોર્પોરેશન દ્વારા કૂતરાઓને પકડી અને તેની ખસીકરણ અને હડકવા વિરોધી રસીકરણ કરવાનો કોન્ટ્રાકટ એક મહીના અગાઉ મળેલી સ્ટેન્ડીંગ કમીટીમાં અપાયો હતો. જેમાં બેંગ્લોરની એનીમલ રાઈટસ નામની સંસ્થાની એક કૂતરાદીઠ ખસીકરણના રૂ. ૧૮૩૫ ચૂકવવાનુ ઠરાવાયેલ હતું, પરંતુ ગમે તે કારણોસર હજુ સુધી આ સંસ્થાએ કૂતરા પકડી અને ખસીકરણ તથા રસીકરણનું કામ શરૂ નહી કરતા આ કામગીરી સદંતર ઠપ્પ છે. આ બાબતે કોર્પોરેશનના વેટનરી ઓફિસર ડો. જાકાસણીયાએ જણાવ્યુ હતુ કે, આગામી નવેમ્બર મહિનાથી કૂતરા પકડવાનું કામ શરૂ થઈ જશે.

આમ વહીવટી બેદરકારીને કારણે હાલમાં કૂતરા પકડવાનું ઠપ્પ થઈ જતા શહેરના પછાત અને મધ્યમ વર્ગીય વિસ્તારોમાં કૂતરા પકડવાનું કામ ઠપ્પ થઈ ગયુ છે અને આવા વિસ્તારોમાં કૂતરાનો ત્રાસ વધ્યો છે તથા કૂતરા કરડવાના બનાવો પણ વધી રહ્યા છે ત્યારે આ બાબતે તંત્ર વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે.(૨-૨૨)

(4:03 pm IST)