Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

માધાપરના યુવાનની હત્યાની કોશિષના ગુનામાં કોળી શખ્સને સાત વર્ષની સજાઃ અન્ય ત્રણ ભાઇઓને શંકાનો લાભ

મોબાઇલના પૈસાની લેતી દેતીના કારણે માધાપરના ૪ સગા ભાઇઓએ પટેલ યુવાનને ઘરે બોલાવીને ખુની હુમલો કર્યો હતોઃ ઇજા પામનારની જુબાની ઉપરથી કેસ સાબીત થાય છેઃ કોર્ટ

રાજકોટ તા. પ :.. શહેરની ભાગોળે આવેલ માધાપર ગામે મોબાઇલના પૈસાની લેતી દેતીના કારણે માધાપર ગામે ઇજા પામનાર દિનેશ ડાયાભાઇ સંખાવરાને ઘરે બોલાવી, ધોકા-પાઇપ વડે ખુની હૂમલો કરીને હત્યાની કોશિષ કરવા અંગે પકડાયેલ માધાપર ગામના કોળી પરિવારના ચાર સગાભાઇઓ સામેનો કેસ ચાલી જતાં અધિક સેશન્સ જજ શ્રી ડી. એ. વોરાએ આરોપીઓ પૈકીના વિજય કરશન કોળીને સાત વર્ષની સજા અને રૂ. એક લાખનો દંડ ફટકાર્યો હતો. આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો.

જયારે આ કેસના અન્ય ત્રણ આરોપીઓ ભાઇઓ જયંતિ કરશન કોળી, વિનોદ કરશન કોળી, અને પ્રવિણ કરશન કોળીને શંકાનો લાભ આપીને છોડી મુકેલ હતો.

આ અંગેની વિગત એવી છે કે, ઇજા પામનાર દિનેશ શંખાવરા અને આરોપીઓ માધાપર ગામે એક જ શેરીમાં રહે છે. ઇજા પામનાર, પાસેથી આરોપીએ મોબઇલ ખરીદ કર્યો જેના પૈસા આપવા આરોપીઓ દિનેશને પોતાના ઘરે બોલાવીને તા. ૩-૧૦-૦૭ નાં રોજ માથાકુટ કરીને ધોકા-પાઇપ વડે ખુની હૂમલો કર્યો હતો.

આ બનાવ અંગે ઇજા પામનાર દિનેશના ભાઇ નિલેષભાઇ શંખાવરાએ પોલીસમાં આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે તપાસના અંતે ચારેય આરોપીઓની સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યુ હતું.

આ કેસ ચાલતાં સરકાર પક્ષે એ. પી. પી. શ્રી રક્ષિતભાઇ કલોલાએ રજૂઆત કરેલ કે, આરોપી વિજય કોળીને લાગે વળગે છે. ત્યાં સુધી તેની સામે પ્રથમ દર્શનીય મજબુત કેસ છે. આરોપી વિજયે ઇજા પામનારને માથામાં પાઇપ મારેલ જેના કારણે તેને ગંભીર ઇજા થયેલ હોય નવ મહિના સુધી ઇજા પામનાર કોમામાં રહ્યો હતો. આમ ઇજા પામનાર દર્શનીક સાહેદ હોય તેને ન માનવાને કોઇ કારણ ન હોય તેની જુબાની ને ધ્યાને લઇને આરોપીને કસુરવાર ઠરાવી સજા કરવી જોઇએ.

ઉપરોકત રજૂઆત તેમજ કેસની હકિકતો અને ગંભીરતાને તેમજ પુરાવાને ધ્યાને લઇને એડી. સેસ. જજ શ્રી ડી. એ. વોરાએ આરોપી વિજય કોળીને સાત વર્ષની સજા અને એક લાખનો દંડ ફટકાર્યો હતો. જયારે તેના અન્ય ત્રણેય આરોપી ભાઇઓને શંકાનો લાભ આપીને છોડી મુકયા હતાં.

આ કામમાં સરકાર પક્ષે એ. પી. પી. શ્રી રક્ષિતભાઇ કલોલા રોકાયા હતાં.

(4:16 pm IST)