Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ગુજરાતના તમામ બાલમંદિરોને આઈસીડીએસ યોજનામાં સામેલ કરોઃ વડાપ્રધાને જાહેર કરેલ ૧૫૦૦નો વધારો ચૂકવો

૧૮ હજાર લઘુતમ વેતનની માંગણીઃ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનનું કલેકટરને આવેદન

આંગણવાડી બહેનોએ કલેકટર કચેરીએ દેખાવો યોજયા હતા (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૫ :. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠને મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી ગુજરાતના આંગણવાડી વર્કર-હેલ્પર તથા આઈ.સી.ડી.એસ. યોજના સંબંધી બાબતે ગુજરાત સરકાર તાકિદે નિર્ણય કરવા રજુઆત કરી હતી. રજૂઆતમાં જણાવેલ કે ગુજરાતમાં તમામ બાલમંદિરોને આઈ.સી.ડી.એસ. યોજનામાં સમાવેશ કરવામાં આવે તેને આંગણવાડી કેન્દ્રમાં લાવવામાં આવે.

વડાપ્રધાનશ્રી દ્વારા જાહેર કરાયેલ રૂ. ૧૫૦૦ વધારો તાકીદે ચુકવવામાં આવે. ૪૫મી ઈન્ડીયન લેબર કોન્ફરન્સની ભલામણ મુજબ આંગણવાડી વર્કરોને કાયમી કરી રૂ. ૧૮૦૦૦ લઘુતમ વેતન આપવામાં આવે. નિવૃતિ સમયે ઓછામાં ઓછું રૂ. ૪૦૦૦ પેન્શન તથા ગ્રેચ્યુઈટી એકટનો લાભ આપવામાં આવે.

વધુમાં ઉમેર્યુ હતુ કે, વર્કરમાંથી સુપરવાઈજર અને હેલ્પરમાંથી વર્કરમાં પ્રમોશન આપવા વયમર્યાદા દૂર કરવામાં આવે. બ્લાઉઝની રૂ. ૩૫ની સિલાઈમાં વધારો કરી રૂ. ૩૦૦ કરવામાં આવે. તમામ આંગણવાડી વર્કર - હેલ્પરોને ઈ.એસ.આઈ., પ્રો. ફંડ, ગ્રેચ્યુઈટી એકટમાં સમાવવામાં આવે. બાળકોને, સગર્ભા માતાને અપાતા આહારની મજાકરૂપ માત્રા તથા દરમાં વધારો કરવામાં આવે. આંગણવાડી કેન્દ્રો ઉપર શુદ્ધ પાણીનાં બંધ પડેલા આર.ઓ. મશીન નવા મુકવામાં આવે તેમજ શૌચાલયો રીપેર કરી પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરાઈ હતી.

(4:15 pm IST)