Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

A.C ઓફિસમાં નહી બેસુઃ પ્રજાની પ્રત્યેક ફરીયાદ ઉકેલીશઃ ઉદીત અગ્રવાલ

કોલ સેન્ટરમાંથી ફરીયાદોનું લીસ્ટ મંગાવી ઝડપી ઉકેલ લાવવા નવનિયુકત મ્યુ. કમિશનરનો એકશન પ્લાનઃ વ્યવસ્થીત પાણી વિતરણ માટે માઇક્રો પ્લાનીંગ થશેઃ સતત ફીલ્ડ વર્કનો મંત્ર અપનાવી કામગીરી થશે

રાજકોટ તા. પ : શહેરના નવ નિયુકત મ્યુ.કમિશનર ઉદીત અગ્રવાલે ગઇસાંજથી વિધીવત ચાર્જ સંભાળી લીધો છે. ત્યારે આજે તેઓએ પત્રકારો સાથેની ઔપચારિક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે પ્રજાની નાની મોટી ફરીયાદો ઉકેલવા માટે ખાસ એકશન પ્લાન બનાવાશે.

આ ઉપરાંત તેઓએ શહેરમાં પાણીનો બગાડ ન થાય અને લોકોને જરૂરીયાત મુજબ વ્યવસ્થીત પાણી વિતરણ થાય તે માટે ખાસ માઇક્રો પ્લાનીંગ ઘડવાનો નિર્દેશ સ્થાપ્યો હતો તેઓએ ઉમેર્યું હતું કે લોકોને પ્રાથમીક સુવિધાઓ આપવી એ તંત્રની મુળભૂત ફરજ છે ત્યારે ઓફીસમાં સતત બેસવાને બદલે ફીલ્ડ વર્કમાં રહેવાનુ તેઓ વધુ પસંદ કરશે.

આજે નવનિયુકત મ્યુ.કમિશ્નર ઉદીત અગ્રવાલે પત્રકારો  સાથે વાતચીતમાં જણાવ્યુ હતુ કે,મહાપાલીકા વિસ્તારમાં સૌ પ્રથમ જવાબદારી સંભાળવાથી વધુ કામની તક મળી છે. શહેરનો પાણી પ્રશ્ન હલ થઇ ગયો છે. તે સિવાયની સુવિધા વધુ સારી થાય તે માટો પ્રયાસ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત શહેરની ટ્રાફિકની સમસ્યા સુદ્રઢ કરવા સતત પ્રયત્ન થશે.

વધુમાં શ્રી અગ્રવાલે જણાવ્યુ હતુ કે, મ્યુુ.કોર્પોરેશનનાં કોલ સેન્ટરમાં નોંધાતી વિવિધ ફરીયાદોનું લીસ્ટ મંગાવી જે તે શાખાનાં અધિકારીઓ સાથે ચર્ચા કરી તેનો ઝડપી ઉકેલાવવામાં આવશે. વરસાદમાં લોકોને ઓછી મુશકેલી પડે તે માટેના પ્રયત્ન કરવામાં આવશે. સારા વરસાદનાં કારણે પાણીનો પશ્ન હલ થયો છે પરંતુ શહેરીજનોને પાણીનો બગાડ ન કરવા અપીલ કરી છે. તેમજ લોકોને દરરોજ શુધ્ધ પાણી મળી રહે તે માટે પ્રયત્ન કરવામાં આવશે. 

ગઇકાલ સાંજે મ્યુ.કમિશ્નર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ત્યારબાદ ડે.કમિશ્નર અને શાખા  અધિકારીઓ સાથે બેઠક યોજી તમામ કામની વિગતો મેળવી હતી. આજે સવારે દરેક શાખાનની કામગીરનું પાવર પ્રેઝેન્ટેશન નિહાળ્યુ હતુ અને કયા કામમાં સુધારાની જરૂર છે તેના પર ધ્યાન કેન્દ્રીત કરાશે.

આમ પ્રજાની પ્રત્યેક ફરીયાદો ઉકેલ લાવવા નવનિયુકત મ્યુ.કમિશનર શ્રી અગ્રવાલે કટીબદ્ધતા દર્શાવી હતી.

સી.એમના હોમ ટાઉનમાં કામ કરવાની સુવર્ણ તક મળી એ મોટી જવાબદારી

રાજકોટઃ નવ નિયુકત મ્યુ.કમિશનર ઉદીત અગ્રવાલે ચાર્જ સંભાળ્યા બાદ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન એવી લાગણી વ્યકત કરી હતી કે સી.એમ.(મુખ્યમંત્રી) વિજયભાઇ રૂપાણીના હોમ ટાઉન એવા રાજકોટમાં તેઓનું હોમ પોસ્ટીંગ થયું છે આ એક મોટી જવાબદારી સરકારે તેઓને સુપ્રત કરી છે જેને નિષ્ઠાપુર્વક બજાવવા તેઓ સતત પ્રયત્નશીલ રહેશેે.

(4:13 pm IST)