Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

આઈ.ઓ. સી. દ્વારા મધ્યાહન ભોજન શેડનું બાંધકામઃ શાળાના બાળકોને અર્પણ

રાજકોટ,તા.૫: રાજકોટ જિલ્લા સ્થિત નાગલપર ગામની પ્રાથમિક શાળા ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, પશ્ચિમી ક્ષેત્ર પાઇપ લાઇન્સ-ગવરીદડ દ્વારા કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) ફંડ હેઠળ મધ્યાહન ભોજન શેડનું બાંધકામ કરી આપવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ સંસ્થાના કાર્યકારી નિર્દેશક શ્રી ડી.કે.બેનર્જી તથા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી મેહુલભાઈ વ્યાસના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રી ડી કે બેનર્જીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના ગ્રામજનોએ સ્થાનિક કક્ષાએ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના વિકાસમાં મહત્વનો ફાળો ભજવ્યો છે. જેના ભાગરૂપે કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) ફંડ હેઠળ મધ્યાહન ભોજન શેડનું બાંધકામ કરી આપવામાં આવ્યું છે. આમ, સમાજની કંપની પ્રત્યે અને કંપનીની સમાજ પ્રત્યેની જવાબદારી દેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે.

આ તકે શ્રી બેનર્જીએ શાળાના બાળકોને ભણી ગણીને દેશની પ્રગતિમાં ભાગીદાર થવા આહવાન કર્યું હતું. તેમજ સંસ્થા દ્વારા ભારતભરમાં કરતા સામૂહિક વિકાસના કાર્યોની જાણકારી શ્રી બેનર્જી દ્વારા આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ચીફ જનરલ મેનેજર-ઓપરેશન શ્રી ડી. શ્રીગણેશ, ચીફ જનરલ મેનેજર-માનવ સંસાધન શ્રી અશોક જંબૂર, જનરલ મેનેજર-ઓપરેશન શ્રી યોગેશ વિજય, ગવરીદડ સ્ટેશનના ઈંચાર્જ શ્રી એ કે વર્મા, પાઇપ લાઇન ઓફિસર-ગવરીદડ શ્રી અકીલ પટેલ, તાલુકા શિક્ષણ અધિકારી શ્રી વંડરા, ગ્રામ સરપંચ શ્રી મનોજ સોલંકી સહિત ગ્રામજનો સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, શાળાના મેદાનમાં વૃક્ષારોપણ કરીને, સ્વચ્છતા માટે સ્કૂલ તથા ગ્રામ પંચાયતને ડસ્ટબિન તથા સોલર લાઇટો આપવામાં આવી હતી. બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

(4:09 pm IST)