Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

જિલ્લા પંચાયતમાં રાજકીય નવાજૂનીના ભણકારાઃ સાંજે બાગીઓની બેઠક

કુંવરજીભાઈએ મામલો હાથમાં લીધોઃ અવિશ્વાસ દરખાસ્તનો ફરી સળવળાટઃ તા. ૧૨મીની સામાન્ય સભા માટે રણનીતિ ઘડાશે

રાજકોટ, તા. ૫ :. જિલ્લા પંચાયતમાં લાંબા સમયના વિખવાદી વિરામ બાદ ફરી રાજકીય ગરમાવો આવે તેવા એંધાણ છે. મૂળ ભાજપના અને કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં ગયેલા જિલ્લા પંચાયતના સભ્યોની બેઠક આજે સાંજે ૫ વાગ્યે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની હાજરીમાં સર્કિટ હાઉસ ખાતે મળનાર હોવાનું જાણવા મળે છે. કોંગ્રેસ શાસિત પંચાયતમાં કેસરીયો વિજય વાવટો લહેરાવવા હવે કુંવરજીભાઈને જવાબદારી સોંપાયાનું મનાય છે. તેના ભાગરૂપે આજની બેઠક હોવાનું અનુમાન થઈ રહ્યુ છે. પ્રમુખ, ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત મુકવાની અને તા. ૧૨મીની સામાન્ય સભાની રણનીતિ નકકી કરવાનો એજન્ડા હોવાનું બાગી વર્તુળો જણાવે છે. આજે સભ્યોના અભિપ્રાયના આધારે આગળનું ઓપરેશન નક્કી થશે.

જિલ્લા પંચાયતમાં બળવા પછી ભાજપ-કોંગ્રેસ બન્ને પાસે ૧૮ - ૧૮ સભ્યો રહ્યા છે. ખરેખર કોની પાસે કેટલા સભ્યો છે ? તે તો સામાન્ય સભામાં બળાબળના પારખા વખતે સ્પષ્ટ થઈ શકે તેમ છે. અમુક સભ્યો બન્ને તરફ પગ રાખવાની માનસિકતાવાળા છે. હાલ પંચાયતની સમિતિઓમાં ભાજપમા જોડાયેલા કોંગ્રેસના બાગીઓનું શાસન છે. પ્રમુખ, ઉપપ્રમુખ કોંગ્રેસના છે. પ્રમુખ અલ્પાબેન અર્જુનભાઈ ખાટરિયાને હટાવવા ભૂતકાળના નિષ્ફળ પ્રયાસો પછી હવે નવેસરથી પ્રયાસો હાથ ધરાય તેવી શકયતા છે. આજની બેઠકના એજન્ડા બાબતે સત્તાવાર રીતે બાગીઓ કંઈ બોલવા તૈયાર નથી. મંત્રી શ્રી બાવળિયા સાથે શુભેચ્છા મુલાકાત હોવાનંુ જણાવી રહ્યા છે પરંતુ અંદરખાને કંઈ રંધાઈ રહ્યુ છે.

જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી આડે હવે ૧૪ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. બધા સભ્યોની માનસિકતા એક સરખી નથી. આજની બેઠકમાં સભ્યોની નવાજૂનીની તૈયારી અંગે તારણ કાઢયા બાદ ભાજપ આગળની રણનીતિ તૈયાર કરવા માગે છે. રાજકોટ જિલ્લા પંચાયત સૌરાષ્ટ્રની સૌથી મોટી પંચાયત છે. તે તૂટશે તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જુલાઈ ૨૦૧૮માં પાર્ટીના સંમેલનમા માઈક પરથી વાત કરેલ. જે તે વખતના સમય સંજોગો મુજબ પંચાયત તૂટી શકેલ નહી. હાલ નજીકમાં કોઈ ચૂંટણી નથી પરંતુ કોંગ્રેસ સતત પતન તરફ છે તેવો મેસેજ આપવા માટે ભાજપના અમુક આગેવાનો પંચાયત તોડવાનો વધુ એક પ્રયાસ કરવા માગે છે. જો આજની બેઠકમાં આ બાબતે બહુમતી કે સર્વાનુમતી થાય તો ખૂટતા સભ્યોને અંકે કરી તાત્કાલીક અવિશ્વાસ દરખાસ્ત રજુ કરવા સુધીની તૈયારી હોવાનુ જાણવા મળે છે.

(3:40 pm IST)