Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

રાજકોટની કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલના વડાની સુરત બદલીઃ ઘરની દિવાલ પર ઓર્ડર ચોંટાડાયો

ગયા વર્ષે બદલી થતાં સ્ટે લીધો હતો તે અદાલતે ઉઠાવી લીધોઃ ડો. યોગેશ પરિખ રજા પર ઉતરી ગયાઃ છુટા કરી દેવામાં આવ્યાનું ડીન ડો. ગોૈરવી ધ્રુવનું કથન

રાજકોટ તા. ૫: શહેરની પંડિત દિનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં જ આવેલી કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલના વડા ડો. યોગેશ પરીખની બદલીના હુકમ સામેનો સ્ટે અદાલતે ઉઠાવી લેતાં મેડિકલ કોલેજના ડીન દ્વારા ડો. પરીખને છુટા કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલના વડા ડો. યોગેશ પરીખની ગયા વર્ષે જુલાઇમાં સુરત ખાતે બદલી થઇ હતી. પરંતુ તેમણે આ બદલી સામે સ્ટે મેળવ્યો હતો. આ સ્ટે અદાલતે ઉઠાવી લેતાં બદલીની કાર્યવાહી મેડિકલ કોલેજ મારફત કરવામાં આવી છે. ડો. પરીખ રજા પર ઉતરી ગયા હોઇ બદલીનો ઓર્ડર તેમના ઘરની દિવાલ પર લગાવીને કાર્યવાહી કરવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનનિય છે કે કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકો માટે અલાયદો આઇસીસીયુ વોર્ડ ઉભો કરવા સહિત બાળ દર્દીઓના હિતમાં કામગીરી કરનારા ડો. પરીખ કોઇને કોઇ કારણોસર વિવાદમાં પણ રહ્યા છે. તેમની કાર્યપ્રણાલી અમુકને માફક આવતી ન હોઇ તેમના વિરૂધ્ધ અનેક વખત રજૂઆતો પણ થઇ હતી. અગાઉ એકસ રે વિભાગના કર્મચારીઓના મોબાઇલ ફોન જપ્ત કરી લેવા મામલે પણ ડો. પરિખ સામે  વિરોધ ઉઠ્યો હતો. બદલીનો સ્ટે ઉઠી જતાં તેમને આજે છુટા કરી દેવામાં આવ્યાનું પણ મેડિકલ કોલેજના સુત્રો મારફત જાણવા મળ્યું છે.

સુરતમાં ૧૩ પ્રોફેસર થશે, રાજકોટમાં ત્રણમાંથી બે વધ્યા

કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ત્રણ પ્રોફેસર હતાં. પણ હવે ડો. યોગેશ પરીખની સુરત બદલી થઇ જતાં બે જ પ્રોફેસર વધ્યા છે. જાણવા મળ્યા મુજબ અહિ રાજકોટમાં ૧૨ પ્રોફેસરની જરૂર છે. જ્યારે સુરતમાં બાર પ્રોફેસર હતાં, જેમાં હવે ડો. પરીખ પહોંચતા તેર પ્રોફેસર થશે. રાજકીય કિન્નાખોરી બદલી પાછળ જવાબદાર હોવાની પણ જાણકારોમાં ચર્ચા વ્યાપી છે.

(11:58 am IST)