Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

તમે દરબારને ત્યાં મજૂરીએ શું કામ જાવ છો? કહી કાકીજીએ ઝઘડો કરતાં હંસાબેને ફિનાઇલ પી લીધું

માણેકવાડામાં જેના પતિ અને પુત્રની હત્યા થઇ હતી તે કાજલબેન સોંદરવાએ માથાકુટ કરતાં ભત્રીજાવહૂએ પગલુ ભર્યુઃ સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૫: કોટડાસાંગાણીના માણેકવાડામાં રહેતાં હંસાબેન હરેશભાઇ સોંદરવા (ઉ.૩૬) નામના વણકર મહિલા સાથે તેના કોૈટુંબીક કાકીજી સાસુ કાજલબેન નાનજીભાઇ સોંદરવાએ રાત્રે ઝઘડો કરતાં તેણીએ ફિનાઇલ પી લેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

હંસાબેનને સંતાનમાં બે પુત્ર છે. તેના કહેવા મુજબ પોતે અને પતિ કયારેક દરબારના ખેતરે તો કયારેક પટેલના ખેતરમાં મજૂરીએ જાય છે. પતિ રિક્ષા પણ હંકારે છે. કોૈટુંબીક કાકીજી કાજલબેનના પતિ નાનજીભાઇ અને પુત્ર અજયનું અગાઉ ખૂન થયું છે. તેમાં આરોપીઓ દરબાર હોઇ તે કારણે તેને તેઓ સાથે માથાકુટ ચાલે છે. પોતે દરબારના ખેતરોમાં મજૂરીએ જતાં હોઇ તે કાજલબેનને પસંદ ન હોઇ ત્યાં મજૂરીએ જવાની ના પાડી માથાકુટ કરતાં કંટાળી જતાં પોતે ફિનાઇલ પી લીધું હતું.

હરેશભાઇએ કહ્યું હતું કે કાજલબેન છેલ્લા દોઢ વર્ષથી અમને આ રીતે હેરાન કરે છે. આ કારણે અમે અલગ-અલગ ગામમાં રહેતાં હતાં. થોડા સમયથી પાછા અમારા ગામ માણેકવાડામાં આવતાં તેણે ફરી માથાકુટ ચાલુ કરી હતી. રાજકોટ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કોટડા પોલીસને જાણ કરી હતી.

(11:56 am IST)