Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

પાંચ મહિલાઓની ફરિયાદો-પતિ સમાજ સેવા કરે છે, કામધંધો નથી કરતોઃચિકન ગુનિયા થઇ ગયો છતાં નોકરીએ મોકલાતીઃ પતિ દારૂ ઢીંચીને ત્રાસ આપે છે

નારી ગોૈરવ દિવસની ઉજવણી-લોકદરબારમાં ૧૬૩ મહિલાઓની અરજીઃ પતિ-સાસરિયા વિરૂધ્ધ એક જ દિ'માં પાંચ ગુના : લવમેરેજ કરનાર મહિલાને પતિએ કહ્યું-તું અમારા સમાજની નથીઃ અન્ય એક કિસ્સામાં ઘરકામ મામલે મેણાટોણા મારી ત્રાસ અપાયાની ફરિયાદઃ જેમાં સમાધાન શકય ન બન્યું તે અરજીમાં ગુના દાખલ કરવા પડ્યા

 રાજકોટ તા. ૫: નારી ગોૈરવ દિવસની ઉજવણી અંતર્ગત ગઇકાલે પોલીસ હેડકવાર્ટરના તાલિમ ભવન ખાતે મહિલાઓના પ્રશ્નોના નિરાકરણ માટે ગઇકાલે લોકદરબાર યોજાયો હતો. જેમાં અલગ અલગ ૧૬૩ મહિલાઓએ પતિ-સાસરિયા વિરૂધ્ધ ત્રાસ સહિતની બાબતોની અરજી કરી હતી. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ જાતે આ સેમિનારમાં હાજર રહ્યા હતાં. મોટા ભાગની અરજીઓમાં સમજાવટથી સમાધાન કરાયું હતું. પાંચ અરજીમાં સમાધાન શકય ન બનતાં ગુના દાખલ કરાયા હતા. જેમાં એક મહિલાએ પતિ સામે આરોપ મુકયો હતો કે મારો પતિ સમાજ સેવાનું કામ કરે છે, પણ ઘર ચાલે એવા કોઇ કામધંધા કરતો નથી, ઘર ચલાવવા મારે કામ કરવા જવું પડે છે. અન્ય મહિલાએ કહ્યું હતું કે મને ચિકનગુનિયા થઇ ગયો હતો છતાં પતિ-સાસરિયા નોકરીએ જવા મજબૂર કરતાં હતાં. એક મહિલાએ પોતાને પતિ દારૂ ઢીંચી મારકુટ કરતો હોવાનો તો અન્ય એક કેસમાં લવમેરેજ કરનાર મહિલાને તું અમારા સમાજની નથી તેમ કહી ત્રાસ અપાતો હોવાનું તો પાંચમા કેસમાં ઘરકામ સહિતની વાતે મેણાટોણા મારી ત્રાસ અપાતો હોવાનો આરોપ મુકાયો છે.

આ પાંચ ફરિયાદની ટૂંકી વિગતો આ મુજબ છે.

હાથીખાના મેઇન રોડ પર માવતરના ઘરે દોઢેક વર્ષથી રહેતા હર્ષિદાબેન ગોવિંદ ચૌહાણ (ઉ.વ. ૪ર) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે એમ.એ/બી.એડ્. સુધી અભ્યાસ કરેલ છે. કચ્છ-આદિપુરના અંતરજાળ રવેચીનગર ચોક નં. ૧, ર, ૩ પ્લોટ નં. પપ(બી) માં રહેતા ગોવિંદ શામજીભાઇ ચૌહાણ, સાસુ ગોદાવરીબેન શામજીભાઇ ચૌહાણ, જેઠ અશોક ચૌહાણ, તથા આણંદ પ્રિયદર્શન સોસાયટીમાં રહેતા નણંદ ઉર્મીલા હિતેષભાઇ ગોહેલ તથા જામનગરના નણંદ રેખા હિતેશભાઇ સોલંકીના નામ આપ્યા છે. પોતાના ર૦૧૭માં કચ્છ-આદીપુરના અંતરજાળના ગોવિંદ ચૌહાણ સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિએ પોતાને થોડો સમય સારી રીતે રાખેલ. એકાદ મહિના બાદ પોતાને ચિકન ગુનીયાની અસરના લીધે તાવ આવી ગયો હોઇ, તો પણ પતિ વહેલી ઉઠાડીને પોતાનું ટીફીન બનાવડાવતા અને કહેતા કે 'તને તો કામ કરવા માટે જ લઇ આવી છે. અને અવારનવાર ગાળો આપી અપમાનીત કરતા અને પોતાને કચ્છમાં ખાનગી સ્કુલમાં ધરાર નોકરી કરવા માટે મોકલતા અને પગાર પણ પતિ પોતે જ લઇ લેતો હતો અને નણંદ ચઢામણી કરતા પતિ અવારનવાર હાથ ઉપાડી લેતો હતો સાસુ વહેલી ઉઠાડી ઘરકામ કરાવતા અને કહેતા 'ઘરનું કામ તારેજ કરવાનું છે' તને કામ કરવા માટે લઇ આવેલ છે' અને પોતે કપડા સુકવવા કે કચરો નાખવા જાય તો સાસુ પોતાની પાછળ જોવા આવતા અને પોતાના પર હંમેશ નજર રાખતા તથા જેઠ અને બંને નણંદ પતિને ચઢામણી કરતા પતિ પોતાની સાથે ઝઘડો કરી શારીરિક માનસીક ત્રાસ આપતો હતો. ત્યારબાદ તા. ૧ર/ર/ર૦ર૦ના રોજ પતિ, જેઠ અને સાસુએ નજીવી બાબતે ઝઘડો કરી મારકુટ કરીને પોતાને બસમાં બેસાડી દીધા હતા બાદ પોતે રાજકોટ પોતાના બહેનના ઘરે આવ્યા બાદ મહિલા પોલીસ મથકમાં અરજી કર્યા બાદ ગઇકાલે ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ. વી. જી. બોરીચાએ તપાસ હાથ ધરી છે.

જયારે બીજા બનાવમાં એંસી ફુટ રોડ હુડકો પાસે સૂર્યદેવ સોસાયટી-ર માં માવતર સાથે રહેતા પ્રજ્ઞાબેન જશવંત વાઢેર (ઉ.વ. ૩૯) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં કોઠારિયા ગામ ગોવિંદ ગ્રીન સોસાયટી શેરી નં. ર માં રહેતા પતિ જશવંત પ્રવિણભાઇ વાઢેરનું નામ આપ્યું છે.

પોતાના પહેલા લગ્ન ૧ર વર્ષ પહેલા નિલેષભાઇ વાલજીભાઇ સિદપરા સાથે થયા હતા. લગ્ન બાદ પતિ-પત્ની ભેંસાણ ગામમાં સંયુકત પરિવારમાં રહેતા હતા. પોતાને ૧પ વર્ષનો દીકરો છે. લગ્ન બાદ આઠ વર્ષ પહેલા પતિ સાથે મનમેળ ન આવતા બંનેએ કોર્ટમાં છુટાછેડા લઇ લીધા હતા. બાદ પોતાના ગત તા. ર૭-ર-ર૦૧પના રોજ બોટાદના રાણપુર ગામના જશવંત પ્રવિણભાઇ વાઢેર સાથે લવમેરેજ કર્યા હતા. લગ્ન બાદ પતિ-પત્નિ કોઠારિયા ગામમાં રહેવા લાગેલ. બાદ પતિ પોતાને બે વર્ષ સુધી સારી રીતે રાખેલ. બાદ પતિ દારૂ પીવાની ટેવવાળા હોઇ, દારૂ પીને આવી ઝઘડો કરી મારમારી અડધી રાતે ઘરમાંથી કાઢી મુકતા ત્યારે પોતે પિતાના ઘરે જતા રહેતા અને ત્યાં આવીને પણ પોતાની સાથે ઝઘડો કરતો હતો. ઘર સંસાર બગડે નહીં તેથી પોતે મુંગા મોઢે સહન કરતા હતા. પતિના ત્રાસના કારણે પોતે અલગ રૂમ રાખીને રહેવા ગયા પતિ ત્યાં આવીને સમાધાન કરી પોતાની સાથે રહેવા લઇ ગયો હતો. થોડા દિવસ સારી રીતે રાખ્યા બાદ ફરિ દારૂ પી ઝઘડો કરી ત્રાસ આપતો અને પોતાના ફઇજીનું અવસાન થયેલ હોઇ પતિને પોતાની સાથે લઇ જવાનું કહેતા તેણે કહેલ કે 'તું મારા સમાજની નથી એટલે હું તને મારા સમાજમાં કયાંય નહિં લઇ જાવ. કહી પોતાને તેના સગા-સંબંધીને ત્યાં પણ લઇ જતો નહિં અને અવાર-નવાર ચારીત્ર્ય પર ખોટા વ્હેમ શંકા કરી મારકુટ કરતો હતો. તા. ર૦/૪ના રોજ સગી બહેનના દીયરનું અવસાન થયેલ હોઇ, પોતે ત્યાં ગયા ત્યારે પતિએ ફોન કરીને કહેલ કે 'હવે તું આવતો જ નહિં મારે તને જોઇતી નથી.' બાદ પોતે મહિલા પોલીસ મથકમાં અરજી કર્યા બાદ ગઇકાલે ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. જે. જી. ચૌધરીએ તપાસ હાથ ધરી છે.

ત્રીજી ફરિયાદમાં સાધુ વાસવાણી રોડ ગુરૂજીનગરના વાડીવાળા કવાટૃર બ્લોક નં. ૯/રર માં રહેતા ઉષાબેન ગીરીશ સોલંકી (ઉ.વ. ૩પ) એ પતિ ગીરીશ મનસુખભાઇ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતાના ૧૯ વર્ષ પહેલા લગ્ન થયા હતા પોતે ઘરકામ તેમજ જે ઘરમાં દર્દી હોય તેઓની સાર સંભાળ માટે (આયા) તરીકે નોકરી કરે છે. પતિ કોઇ કામ ધંધો કરતો નથી પરંતુ સમાજ સેવાનું કામ કરે છે. ઘર ખર્ચની તમામ જવાબદારી પોતાના શીરે છે. ત્રણ દિવસ પહેલા પોતે પતિને કહેલ કે નાની દીકરીનું નામ સરકારી ચોપડે સુધારવાનું હોય અને મારે કામ રહેતું હોઇ તમે નવરા હોય તો આટલું કામ કરી બતાવો મારે રજા રાખવાની જરૂર નથી. તેમ સમજાવતા પતિ ગુસ્સે થઇ જેમ તેમ બોલવા લાગેલ અને કહેલ કે 'હું કાંઇ કામ ધંધો કરતો નથી એટલે તું મને આવી રીતે કહે છે' કહી ઝઘડો કરી ઝાપટ મારી દીધી હતી સાથે રોજે રોજના આ ઘરકંકાસથી કંટાળી પોતે ફીનાઇલ એક ઢાંકણું પી લેતા પતિએ બોટલ છીનવી ફેંકી દીધી હતી બાદ દીકરીએ સાસુ-સસરા તેમજ પોતાના પિતાને જાણ કરતા પિતા અને ભાઇએ રાજકોટ આવી હોસ્પિટલમાં દાખલ કરેલ બાદ પોતે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ. આઇ. એલ. ઝાલાએ તપાસ હાથ ધરી છે.

બાદ ચોથી ફરિયાદમાં ઉપલેટાના અરણી ગામના હાલ ૧પ૦ ફુટ રીંગ રોડ પ્રશાંતી હાઇટ્સ ૬૦ર માં રહેતા નીધીબેન તુષાર સોજીત્રા (ઉ.વ. ર૯) એ માયાણી ચોક પુજા પાર્ક-ર માં રહેતા પતિ તુષાર પ્રવિણભાઇ સોજીત્રાનું નામ આપ્યું છે.  ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતે એલ.એલ.બી.ના પહેલા વર્ષ સુધી અભ્યાસ કરેલ છે. પોતાના ર૦૧રમાં તુષાર સોજીત્રા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ છ માસ સુધી પોતાનો ઘરસંસાર સારી રીતે ચાલેલ. બાદ પતિ દારૂ પી પોતાની સાથે ઝઘડો કરતો અને અપશબ્દો બોલી મારકુટ કરી શંકાકુશંકા કરતો હતો. તેમજ પ્રસંગોપાત સગા સંબંધીઓને ત્યાં પણ જવા દેતો નહીં અને દીકરીને પણ માર મારતો હતો. પોતે કયાંય બહાર જાય તો અવાર નવાર ફોન કરી અપશબ્દો બોલતો હતો. જેથી પોતે દીકરીને લઇને પોતાના ભાઇ કેયુરભાઇના ઘરે જતા રહ્યા બાદ વડીલો દ્વારા સમાધાનના પ્રયત્નો કરતા પતિએ સમાધાન ન કરતા પોતે મહિલા પોલીસી મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ. જી. એન. પરમારે તપાસ હાથ ધરી છે.

જયારે પાંચમી ફરિયાદમાં મીલપરા મેઇન રોડ પર લક્ષ્મીવાડીમાં રહેતા ખુશ્બુબેન ભાલીયા (ઉ.વ. ર૬) એ પતિ આકાશ અને સાસુ મીતાબેન (રહે. બંને ન્યુ રામનાથપરા, જેતલસર જંકશન, પાવર હાઉસ પાસે) વિરૂધ્ધ નોંધાવી છે. પોતાના લગ્નના એક માસ બાદથી ઘરકામ અને નાની નાની બાબતમાં ઝઘડો કરી મેણા ટોણા મારી માથાકુટ કરી ત્રાસ આપતા હોવાનું જણાવ્યું છે. ગઇકાલે નારી ગૌરવ દિવસની ઉજવણી નિમિતે મહિલા પોલીસ દ્વારા પોલીસ હેડ કવાર્ટરના તાલીમ ભવન ખાતે યોજાયેલ લોક દરબારમાં સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધી કુલ ૧૬૩ અરજીમાં અરજદાર અને સામાવાળાઓને બોલાવવામાં આવ્યા હતાં. જેમાં ૭૮ અરજીમાં બન્ને પક્ષકારો હાજર રહ્યા હતા. જે પૈકી રપ અરજીમાં સુખદ સમાધાન થયું હતું. જયારે પાંચ અરજીમાં સમાધાન નહીં થતા ગુના દાખલ કરવામાં આવ્યા હતા. જયારે ૪૯ અરજીમાં અરજદાર મહિલાઓએ સમાધાન કરવાનો ઇન્કાર કરી પતિ પાસે છુટાછેડા અથવા ભરણપોષણની માંગણી કરતા તેમનો જીલ્લા કાનુની સેવા મંડળના વકીલો સાથે સંપર્ક કરાવી સ્થળ પર જ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા, એસીપી એસ. આર. બારીયા તથા મહિલા પોલીસ મથકના પીઆઇ. એસ.આર. પટેલ સહિતના અધિકારીઓ તથા આઇયુસીએ ડબલ્યુ યુનીટના અધીકારીઓ તથા કર્મચારીઓ પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલરો તથા 'સખી' વનસ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક તથા જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના લીગલ વોલેન્ટીલર તથા 'અભયમ' મહિલા હેલ્પ લાઇનના કાઉન્સેલરો, સહિતે ઉપસ્થિત રહી મહિલાઓના પ્રશ્નો સાંભળી તેનો ન્યાયીક રીતે નિકાલ કરવાનો પ્રયાસ કરાયો હતો. 

(2:42 pm IST)