Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

પરાપીપળીયા પાસે કારની ઠોકરે એકટીવા ચડી જતાં નેપાળી પરિવારના ચારને ઇજા

ટીજીએમથી રાજકોટ તરફ આવતી વખતે બનાવઃ ૨ વર્ષની બાળકી એલીશાને ગંભીર ઇજાઃ બાળકીના માતા-પિતા-કુટુંબી પણ ઘવાયા

રાજકોટ તા. ૫: જામનગર રોડ પર પરા પીપળીયા નજીક એકતા સોસાયટી પાસે અજાણી કારના ચાલકે એકટીવાને ઠોકરે ચડાવતાં એકટીવા પર સવાર નેપાળી દંપતિ, કુટુંબી ભાઇ અને દંપતિની બે વર્ષની બાળકીને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

જાણવા મળ્યા મુજબ ઘંટેશ્વર પાસે રહેતો દિનેશ અર્જુનભાઇ સિંગ-નેપાળી (ઉ.વ.૩૪) સાંજે જામનગર રોડ પર આવેલી ધ ગ્રાન્ડ મુરલીધર હોટેલમાં વેઇટર તરીકે કામ કરતાં પોતાના કુટુંબી ભાઇ ભીમસિંગ રામસિંગ (ઉ.વ.૨૫) તથા તેની પત્નિ સાવિત્રી (ઉ.૨૪) અને પુત્રી એલિશા (ઉ.૨)ને એકટીવામાં બેસાડી ટીજીએમથી ઘંટેશ્વર પોતાના ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે પરા પીપળીયા પાસે અજાણી કારના ચાલકે એકટીવાને ઉલાળી દેતાં ચારેય ફંગોળાઇ જતાં ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

દિનેશ પોતાના કુટુંબી ભાઇ સહિતને પોતાના ઘરે બેસવા માટે લઇ આવતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. અકસ્માતમાં બાળકીને ગંભીર ઇજા પહોંચી છે.

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પોલીસે અકસ્માત સર્જનાર વાહન અંગે તપાસ શરૂ કરી છે. તસ્વીરમાં ચારેય ઘાયલ નજરે પડે છે.

(11:53 am IST)