Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

પીડીયુ મેડિકલ કોલેજમાં ૪૮ તબિબો સાથે હડતાલમાં તબિબી છાત્રો, રેસિડેન્ટ ડોકટર્સ પણ જોડાઇ ગયા

સાંજના પાંચ સુધીમાં પ્રશ્ન ન ઉકેલાય તો ઇમર્જન્સી, કોવિડ, ઓપરેશનની સેવાઓ બંધ કરશે તબિબો : ઓપીડી-ઇમર્જન્સીમાંથી નીકળી ગયાઃ ઇમર્જન્સીમાં કન્સલ્ટન્ટ અને કલાસ ટુ તબિબોથી કામ ચલાવાયું

જુઠે વાદે નહિ ચલેંગે, કમિશનર કી તાનાશાહી નહી ચલેગી....સવારે પીડીયુ મેડિકલ કોલેજ ખાતે અલગ અલગ બેનર્સ સાથે તબિબોએ વિરોધ પ્રદર્શીત કર્યો હતો (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટઃ પીડીયુ મેડિકલ કોલેજના ચોથા વર્ષના ૪૮ બોન્ડેડ સ્પેશિયાલિસ્ટ તબિબીને બોન્ડ મામલે અન્યાય થતાં હડતાલ શરૂ થઇ છે. તે અંતર્ગત આ તબિબો તમામ ઓપીડી સેવાથી અલિપ્ત થઇ ગયા છે. આજે તેમના ટેકામાં પ્રથમ ત્રણ વર્ષના તબિબી છાત્રો તથા રેસિડેન્ટ ડોકટર્સ પણ જોડાયા છે. જો આજે સાંજના પાંચ સુધીમાં પ્રશ્નનો નિવેડો નહિ આવે તો ઇમર્જન્સી ફરજ, કોવિડની ફરજ અને ઓપરેશનની કામગીરીથી પણ આ તબિબો અલિપ્ત થઇ જશે તેવી ચિમકી ઉચ્ચારાઇ છે.

પીડીયુ મેડિકલ કોલેજના ૪૮ તબિબો કે જેણે છેલ્લા વર્ષનો અભ્યાસ પુરો કરી લીધો છે તેઓ બોન્ડ મામલે અન્યાય થયાની લાગણી સાથે હડતાલ પર ઉતર્યા છે. તેમણે અભ્યાસ પુરો કર્યો એ વખતે જ કોરોનાની બીજી લહેર આવી હતી. તે વખતે સરકારે જાહેર કર્યુ હતું કે આ તબિબો સરકારી હોસ્પિટલમાં જ નિમણુંક મેળવશે તો તેમનો જે બોન્ડ છે તેની ફરજનો કાળ ૧:૨ એટલે કે એક મહિનો કામ કરે તો બે મહિના ગણાશે. આ રીતે અગિયાર મહિનાના કરાર પર નિમણુંક થઇ હતી. પરંતુ ગત ૧૨ એપ્રિલના આ પરિપત્ર બાદ ૩૧મી જુલાઇએ નવો પરિપત્ર આવી ગયો હતો. જેમાં આ તમામ તબિબોની બદલી અલગ અલગ ગામડાઓમાં કરી નાંખવામાં આવી હતી. તેમજ બોન્ડનો સમય પણ ૧:૧ જ ગણી નાંખ્યો હતો.

એટલુ જ નહિ પગારની બાબતમાં પણ અન્યાય કરાયો હતો. આ મામલે આ તબિબોએ ગાંધીનગર ખાતે રજૂઆત કરી હતી. પરંતુ નિવેડો આવ્યો નહોતો. અંતે પરમ દિવસથી રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના ૪૮ તબિબોએ હડતાલ પર જવાનું નક્કી કરી પ્રારંભે ઓપીડી સેવાઓથી અલિપ્ત થઇ ગયા હતાં. આજે પણ આ તબિબો આ ફરજથી દૂર રહ્યા છે અને સાંજના પાંચ સુધી નિવેડો નહિ આવે તો ઇમર્જન્સી સેવા, ઓપરેશન, કોવિડ સહિતની સેવાઓથી પણ દૂર થઇ જશે તેમ જણાવાયું છે. સવારે પ્રથમ ત્રણ વર્ષના છાત્રો અને રેસિડેન્ટ ડોકટર્સ પણ ઓપીડી, ઇમર્જન્સી સહિતની સેવાઓમાંથી હટી જઇ ૪૮ તબિબોના ટેકામાં જોડાયા હતાં અને ધરણા શરૂ કર્યા હતાં.

તબિબોની માંગણી છે કે ઠરાવ ક્રમાંક એમસીજી-૧૦૨૧-૪૫૯-જ તા. ૧૨-૪-૨૧ મુજબ બોન્ડનો સમયગાળો ૧:૨ ગણવો, બીજા તબિબી અધિકારીઓની જેમ જ સાતમા પગાર પંચ મુજબ વેતન આપવું, પહેલા વર્ષના પીજી મેડિકલના વિદ્યાર્થીઓ ન હોવાથી શૈક્ષણિક કાર્ય કોવિડના કારણે વેડફાયું હોઇ શૈક્ષણિક સંસ્થામાં જ નિમણુંક આપવી તેમજ અન્ય રાજ્યોની માફક એસઆર તેમજ બોન્ડ લાગુ કરવામાં આવે.

આજે ૪૮ તબિબોના ટેકામાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ યરના તબિબી છાત્રો તથા રેસિડેન્ટ ડોકટર્સ પણ જોડાયા છે. જો સાંજ સુધીમાં ઉકેલ નહિ આવે તો ઇમર્જન્સી સહિતની સેવાઓથી આ તબિબો દૂર થઇ જશે તેમ જણાવાયું છે. દર્દીઓને હેરાન ન થવું પડે એ માટે ઇમર્જન્સી અને ઓપીડીમાં કન્સ્લટન્ટ અને કલાસ ટુ તબિબોને ફરજ પર મુકી દેવામાં આવ્યા હતાં. (૧૪.૬)

પ્રદેશ ભાજપના અધ્યક્ષ નિતીન ભારદ્વાજને રજૂઆત

. દરમિયાન તબિબોએ પોતાના પ્રશ્નો ઉકેલ લાવવા પ્રદેશ ભાજપના અધ્યક્ષ નિતીન ભારદ્વાજને રજૂઆત કરી પોતાની સમસ્યા મુખ્યમંત્રીશ્રી સુધી પહોંચાડવા જણાવી લેખિત આવેદન આપ્યું હતું. તેમણે પોતે આ રજૂઆત મુખ્યમંત્રીશ્રી સુધી પહોંચાડશે તેવી ખાત્રી આપી હતી.

(3:21 pm IST)