Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

આરીફ ચાવડાની હત્યામાં ૪ પકડાયા

ખાટી છાસની ગંધ આવતી હોઇ તે બાબતે સમજાવવા જતાં ગાળો ભાંડી લઘુમતિ આગેવાનની લોથ ઢાળી દેવાઇ હતી : ડેરીમાં નોકરી કરતાં અબ્દુલ ખેબર, તેના ભત્રીજા રમીઝ ઉર્ફ બાબો અને એડવોકેટ ભાઇ ઇકબાલ ખેબરની ધરપકડઃ વસીમ ઉર્ફ ચકાને સારવારમાંથી રજા અપાયે ધરપકડ થશે : રમીઝ ઉર્ફ બાબાની અગાઉ રાયોટીંગ, ધમકી, મારામારી, દારૂ, લૂંટ સહિતના ૯ ગુનામાં સંડોવણી

રાજકોટ તા. ૫: દૂધ સાગર રોડ પર લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રહેતાં લઘુમતિ આગેવાન આરીફભાઇ હાજીગુલામહુશન ચાવડા (ઉ.વ.૪૦)ની રવિવારે તેના જ પડોશીઓએ કાવત્રુ ઘડી હત્યા કરી નાંખી હતી. આ ગુનામાં થોરાળા પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લઇ આકરી પુછતાછ કરી છે. ચાર પૈકીનો એક આરોપી વળતા હુમલામાં ઘાયલ થયો હોઇ તે સારવાર હેઠળ છે. તેને હોસ્પિટલમાંથી રજા અપાયે ધરપકડ થશે. ખાટી છાસનો ધંધો કરતાં આરોપીઓને છાસની ગંધ સતત આવતી હોઇ સોસાયટીના રહેવાસીઓને તકલીફ પડતી હોવાથી રહેવાસીઓ અને આરીફભાઇએ સમજાવ્યા હતાં. આ કારણે ચાલતી માથાકુટ અને ગાળાગાળી હત્યા સુધી પહોંચી હતી.

રવિવારે આરીફભાઇ ચાવડાને તેના નાના ભાઇની નજર સામે જ છરીઓના ઘા ઝીંકી દેવાતાં તેનું મોત નિપજ્યું હતું. વળતા હુમલામાં સામા પક્ષનો એક આરોપી વસીમ ઉર્ફ ચકો અબ્દુલભાઇ ખેબર પણ ઘાયલ થતાં તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાકીના ત્રણ ભાગી ગયા હતાં. આ ત્રણેય આજે કપડા લેવા ઘરે આવ્યાની માહિતી મળતાં તેને પકડી લેવાયા હતાં. પોલીસે અબ્દુલ ઓસમાણભાઇ ખેબર (સંધી) (ઉ.વ.૫૮), તેના ભત્રીજા રમીઝ ઉર્ફ બાબો ઇકબાલભાઇ ખેબર (ઉ.૩૩) તથા ભાઇ ઇકબાલ ઓસમાણભાઇ ખેબર (ઉ.વ.૬૪)ની ધરપકડ કરી છરીઓ કબ્જે લેવા તજવીજ હાથ ધરી છે.

પકડાયેલાઓમાં અબ્દુલ અને રમીઝ ઉર્ફ બાબો દૂધની ડેરીમાં નોકરી કરે છે. જ્યારે ઇકબાલ ખેબર વકિલાત સાથે સંકળાયેલ હોવાનું પોલીસ સુત્રોએ કહ્યું હતું. રમીઝ ઉર્ફ બાબા વિરૂધ્ધ અગાઉ રાયોટીંગના બે ગુના, મારામારીના અન્ય ત્રણ ગુના તેમજ એમવીએકટનો એક ગુનો અને લૂંટ-તોડફોડનો એક ગુનો મળી નવ ગુના નોંધાઇ ચુકયા છે. હત્યાનો દસમો ગુનો તેના નામે ચડ્યો છે. પકડાયેલા આરોપીઓએ એવું કહ્યું હતું કે છાસની દૂકાન બાબતે બે વર્ષથી માથાકુટ ચાલતી હતી. હવે અમને તેઓ મકાન ખાલી કરી જતાં રહેવાનું કહેતાં હોઇ અને રવિવારે રાતે પણ આ બાબતે ગાળાગાળી થતાં માથાકુટ થઇ ગઇ હતી.

બનાવ સ્થળે અને આરોપીઓના મકાને ઘટનાના પ્રત્યાઘાત ન પડે તે માટે પોલીસ બંદોબસ્ત રખાયો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં થોરાળા પીઆઇ જી.એમ. હડીયા, પીએસઆઇ પી.ડી. જાદવ, એએસઆઇ અજીતભાઇ ડાભી, હેડકોન્સ. ભુપતભાઇ વાસાણી, હેડકોન્સ. આનંદભાઇ પરમાર, કોન્સ. નરસંગભાઇ ગઢવી, કનુભાઇ ઘેડ, વિજયભાઇ મેતા, જયદિપભાઇ ધોળકીયા, યુવરાજસિંહ રાણા, સહદેવસિંહ જાડેજા અને રમેશભાઇ માલકીયા વધુ તપાસ કરે છે.

(3:37 pm IST)