Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ઘરકામ અને ખોટી શંકા કરી કોમલબેન સાણજાને ત્રાસ

દારૂ પીવા માટે પતિએ દાગીના પણ વેંચી નાખ્યાઃ કુંતાશી રાજપરાના પતિ ભાવેશ, સાસુ જયાબેન, જેઠ જીતેન્દ્ર અને જેઠાણી લતાબેન સામે ગુનો

રાજકોટ તા. પ :.. કોઠારીયા રોલેક્ષ રોડ પર ઇશ્વર પાર્ક સોસાયટીમાં માવતરના ઘરે આવેલી પટેલ મહિલાને ઘરકામ અને ખોટી શંકા કરી મોરબીના કુંતાશી રાજપર ગામના પતિ, સાસુ, જેઠ અને જેઠાણી મારકુટ કરી ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કોઠારીયા રોલેક્ષ રોડ પર ઇશ્વર પાર્ક સોસાયટીમાં માવતરના ઘરે આવેલા કોમલબેન ભાવેશ સાણજા (ઉ.૩૦) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી  ફરીયાદમાં મોરબીના કુંતાશી રાજપર ગામમાં કુંભારવાડી શેરી નં. ૧ માં રહેતા પતિ ભાવેશ ગોરધનભાઇ સાણજા, સાસુ જયાબેન સાણજા, જેઠ જીતેન્દ્ર સાણજા, જેઠાણી લતાબેન સાણજાના નામ આપ્યા છે. કોમલાબેન ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતાના ર૦૦૭ માં કુંતાશી રાજપર ગામના ભાવેશ ગોરધનભાઇ સાણજા સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ પોતે પરિવાર સાથે સંયુકત કુટુંબમાં રહેતા હતાં. પોતાને ચાર વર્ષ સારી રીતે રાખેલ બાદ પતિ દારૂ પીને વારંવાર ઝઘડો કરી મારકુટ કરતા હતાં. અને તેને દારૂ પીવા માટે પોતાના દાગીના પણ વેંચી નાખ્યા હતાં. આ બાબતે પોતે સાસુ જયાબેનને કહેતા તે પોતાની સાથે  ઝઘડો કરતા હતાં. અને આક્ષેપો પોતાના પર કરતા અને'તુ તારી સાથે બધા દાગીના લઇ ગઇ છે.' તેમ કહેતા હતાં. અને પતિ પોતાના પર ખોટા વહેમ શંકા કરી પોતાને કોઇના ઘરે જવા દેતા નહીં. અને સાસુ ચઢામણી કરતા પતિ મારકુટ કરી ઘરની બહાર કાઢી મુકતા અને કહેતા તારા બાપના ઘરે જતી રહે તેમ વારંવાર કહેતા હતાં. આ બાબતે જેઠ અને જેઠાણીને કહેતા જેઠ પણ પોતાને મારવા દોડતા હતાં. પતિને અન્ય સ્ત્રી સાથે અફેર હોઇ તેની ખબર પડતા તે બાબતે પતિ પોતાને વધુ મારકુટ કરતો હતો. આ ત્રાસથી કંટાળી પોતે પોતાના માવતરના ઘરે આવી ગયા હતા અને બાળકોને સાથે લઇ જવાનું કહેતા પતિએ બંને બાળકોને આવવા ન દઇ 'છોકરાઓને હાથ અડાડતી નહી નહીતર જાનથી મારી નાખીશ' તેમ ધમકી આપી હતી. આથી પોતે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ. એસ. જી. ગોંસાઇએ તપાસ હાથ ધરી છે.

(3:26 pm IST)