Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

મારને વાલે સે બચાને વાલા બડા હૈ

રાજકોટ સિવિલમાં ૧૩ વર્ષની દિકરીથી લઇ ૯૦ વર્ષના વૃધ્ધા સહિત ૯ને જીવનદાન

રાયડી ગામના ૯૦ વર્ષના લાભુબેન ધન્વંતરી રથથી સ્વસ્થ થયા : કીડનીના ૭ દર્દીઓ કોરોના પોઝિટિવ થતાં ખાસ વિભાગમાં સાર-સંભાળ : જેતપુરની ૧૩ વર્ષીય હર્ષીતાએ કોરોનાને હરાવ્યો

રાજકોટ તા. ૫ : શહેરમાં કોરોનાના કારણે અનેક લોકો મોતને ભેટી રહ્યા છે ત્યારે તેની સામે રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોકટરો - નર્સ વગેરેની કાળજીપૂર્વકની સારવાર, ફિલ્ડ વર્ક કરી રહેલા આશાવર્કર બહેનો વગેરેની સેવાના કારણે ૧૩ વર્ષની દિકરીથી લઇને ૯૦ વર્ષના વૃધ્ધ તથા કીડનીના ૭ દર્દીઓને જીવતદાન મળ્યું હોવાના અહેવાલો પણ છે.

૧૩ વર્ષીય હર્ષિતાના હોંસલાએ કોરોનાને હરાવ્યો

જનતાની ખુશીઓ અને સ્વાસ્થ્ય પર કાળું ગ્રહણ બનીને આવેલા કોરોનાથી સૌ કોઈને બચાવવા માટે આરોગ્ય તંત્ર,ઙ્ગમેડીકલ-પેરા મેડીકલ સ્ટાફ અને આશા વર્કરો થંભ્યા વગર લોકોની સેવા કરી રહ્યા છે. કોરોનાના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી કરીને લોકોના સ્વાસ્થ્યની પૃચ્છા કરી રહ્યા છે. જેતપુરનાઙ્ગ આરોગ્ય કેન્દ્રની આવી જ એક હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરીએે કોરોનાથી સંક્રમિત થયેલી જેતપુરની ૧૩ વર્ષીય હર્ષિતાને કોરોના સામે વિજયી બનાવી છે.

સાવરકુંડલા રહેતા મામાના ઘરેથી પરત ફરેલી હર્ષિતાને થોડા દિવસથી સામાન્ય તાવ આવી રહ્યો હતો. એ જ અરસામાં જેતપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મોવાસાની ટીમ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી કરી રહી હતી. આ કામગીરી દરમિયાન આશા વર્કર બહેન દ્વારા હર્ષિતાના આરોગ્યની ચકાસણી કરતાં તાવના લક્ષણો જણાયા હતા.

હર્ષિતાના સ્વાસ્થ અંગે સચોટ નિર્ણય લેતા આશા વર્કરે ઙ્ગતેને વીરપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે મોકલી હતી. ૨ દિવસ સારવાર લીધા બાદ પણ તબિયતમાં સુધારો ન થતાં હર્ષિતાને ગોંડલ ખાતેના સી.ડી.એચ.માં કોરોના ટેસ્ટ માટે રીફર કરવામાં આવી હતી. જયાં તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. પોઝીટીવ આવતાની સાથે જ તાલુકા મેડીકલ ઓફિસરના નેજા હેઠળ વધુ સારવાર માટે હર્ષિતાને રાજકોટ સિવિલમાં રીફર કરવામાં આવી હતી.

માતા-પિતાના સાંનિધ્ય વગર બાળક બે દિવસથી વધુ દૂર ન રહી શકે તેવડી ઉંમર ધરાવતી હર્ષિતા ૧૦ દિવસ સુધી સારવાર અર્થે રાજકોટ કોવીડ-૧૯ હોસ્પિટલમાં એકલી રોકાઈ હતી. એક બાજુ રાજકોટમાં રહીને હર્ષિતા કોરોનાને ફાઈટ આપી રહી હતી. ત્યારે બીજી બાજુ હોમ આઈસોલેટ થયેલોઙ્ગ આખો પરિવાર વ્હાલી દિકરીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યો હતો. અંતે પરિવારની પ્રાર્થના અને હર્ષિતાના હોંસલાએ કોરોનાને હરાવી દીધો.

રાજકોટ સિવિલમાંથી રજા લીધા બાદ ગોંડલ ખાતેના સુરજ મુછાળા કોરોન્ટાઈન ફેસિલિટી સેન્ટરમાં ૪ દિવસ રહીનેઙ્ગ૧૪ દિવસના સમયગાળા બાદ હર્ષિતાઙ્ગપરિવારને મળી હતી. દીકરી સ્વસ્થ થઈને પરત આવતા પરિવારજનોએ આરોગ્ય કર્મીઓનો આભાર માન્યો હતો.

૧૩ વર્ષીય હર્ષિતા માટે જેતપુરના આશા વર્કર બહેન દેવદુત બનીને આવ્યા હતા. જેની ફરજનિષ્ઠાએ કોરોના સંક્રમણને ખાળવામાંઙ્ગ મહત્વનું યોગદાન આપ્યું છે. દિવસ-રાત માસ્ક અને ગ્લોવ્ઝ સાથે શેરી-મહોલ્લામાં ફરીને લોકોના આરોગ્યની દરકાર લેતા આરોગ્ય કર્મી ફરિશ્તા બનીને લોકોના જીવ બચાવી રહ્યા છે તેવા દરેક તબીબોને સો સો સલામ.

ધન્વંતરી રથને કારણે આજે હું કોરોના મુકત બની સ્વસ્થ છું : લાભુબેન વસોયા

માનવીનું જીવન ઓકિસજન વિના શકય નથી. જો મગજ અને હૃદયને સતત ત્રણ મિનિટ સુધી ઓકિસજન ન મળે તો માણસનું મૃત્યુ થવાનીઙ્ગ સંભાવના રહેલી છે. હાલ કોરોનાનાં સંક્રમણમાં આવતા દર્દીઓમાં મોટા ભાગે શરીરમાં ઓકિસજનનું લેવલ ઓછું જોવા મળે છે. આવો જ એક કિસ્સો જામકંડોરણા તાલુકાના રાયડી ગામમાં બન્યો. જયાં ગત તા.૧૬ જુલાઇના રોજ એક પરિવારમાં કોરોનાનો પોઝિટિવ કેસ આવતા ધન્વંતરી રથના આરોગ્યકર્મીઓની ટીમ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાયડીના હેલ્થ વર્કરો ગામમાં પોઝિટિવ કેસના પરિવારજનોનું હેલ્થ સ્ક્રીનીંગ કરવા પહોંચી ગયા.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પરિવારના મોભી ૯૦ વર્ષીય લાભુબેન વસોયાનું ઓકિસજન લેવલ ઓછું છે. પરંતુ વયોવૃદ્ઘ લાભુબેન પથારીવશ જ રહેતા હતા અને હાઈપર ટેન્શનની બીમારીને કારણે તેઓ કોરોનાનું નામ સાંભળતા ભયભીત થઈ ગયા હતા. એ જ કારણ થી લાભુબેન અને તેમનો પરીવાર ટેસ્ટ માટે તૈયાર થતો નહોતો. પરંતુ ડો. શ્રધ્ધા દેસાણી અને ડો. કરણ અમલ દ્વારા તેમના પરિવારને કોરોના સામે લડવા માનસિક હૂંફ આપવામાં આવી અને લાભુબેનને ટેસ્ટ માટે સમજાવ્યા. એ વિશે વાત કરતા ડો. શ્રધ્ધા દેસાણી જણાવે છે કે, 'લાભુબેનનું વૃદ્ઘત્વ અને ઓકિસજન લેવલનું ઓછું પ્રમાણ આ બન્ને પરિબળને કારણે તેમનું જીવન સંકટમાં હતું. માટે અમે લાભુબેનને સમજાવ્યું કે જો તેઓ સમયસર સારવાર નહિ મેળવે તો તેમની સાથે અન્ય પરિવારજનોનું જીવન પણ સંકટમાં મુકાશે. અંતે લાભુબેન ટેસ્ટ કરાવવા તૈયાર થયા. ત્યાર બાદ અમારા સાથી આરોગ્યકર્મીઓ ડો.રા ધિકા પઢીયાર અને ડો. દાનસિંહ ડોડીયા તથા અન્ય બે આરોગ્યકર્મીઓ દ્વારા લાભુબેનને જામકંડોરણા સી.એચ.સી. ખાતે ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા. જયાંઙ્ગ૧૯/૦૭/૨૦૨૦ના રોજ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા.'

રાજકોટ સિવિલમાં ડોકટરો દ્વારા નિયમિત અપાતા પોષણયુકત આહાર, આયુર્વેદિક ઉકાળા, દવા અને સુયોગ્ય સારવારને પરિણામે લાભુબેન તા.૩૦/૦૭/૨૦૨૦ના રોજ સ્વસ્થ થઈને પોતાને ઘેર પરત ફર્યા. હાલ કોરોના મુકત થતા લાભુબેને સહ પરિવાર ધન્વંતરી રથના આરોગ્યકર્મીઓનો આભાર માન્યો હતો. અને કહ્યું હતું કે, 'ધન્વંતરી રથને કારણે જ આજે હું કોરોના મુકત બની સ્વસ્થ છું.'

આમ, જામકંડોરણામાં કાર્યરત ધન્વંતરી રથના આરોગ્યકર્મીઓની પ્રતિબદ્ઘતા અને સમય સુચકતાને કારણે લાભુબેન કોરોના મુકત બની શકયા છે.

૭ કિડનીના દર્દીઓની વિશેષ સારવાર

કિડની ફેલ્યોર કેસમાં દર્દીઓને ડાયાલીસીસ કરવું જરૂરી હોય છે. જેના માટે રાજકોટમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં ડાયાલીસીસની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ આ દર્દીઓને જયારે કોરોના પોઝિટિવ આવે ત્યારે પરિસ્થિતિ ખુબ જ ગંભીર બની જાય છે. પ્રાઇવેટ હોસ્પિટલ કોરોના સંક્રમિત દર્દીઓના ડાયાલીસીસનું જોખમ લેવા માંગતા ન હોવાથી તેઓએ રાજય સરકાર દ્વારા ચાલતી એકમાત્ર સિવિલ હોસ્પ્ટિલને જ સ્વીકારવી પડે છે. પ્રવર્તમાન સંજોગોમાં આવા  કેટલાક કેસ  સામે આવ્યા છે. જેમાં સાત દર્દીઓને કોરોના પોઝિટિવ આવતા તેઓને  કોવીડ-૧૯ સિવિલ હોસ્પિટલનો સધિયારો મળ્યો છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના સંદર્ભે ખાસ કોવીડ-૧૯ હોસ્પિટલ કાર્યરત છે. જેમાં કિડનીના દર્દીઓ માટે અલાયદો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. કોરોના મહામારીમાં ખાસ કરીને હૃદય, કિડની, ડાયાબિટીસના દર્દીઓની વિશેષ સારસંભાળ રાખવી પડે છે, જે અહીંના સ્પેશિયાલિસ્ટ ડોકટર્સની ટીમ દ્વારા લેવામાં આવે છે.

રાજકોટ સિવિલ કોવીડ-૧૯ હોસ્પિટલ ખાતે કિડનીના કોરોના સંક્રમિત દર્દીઓ આવતા હોસ્પિટલના  સ્ટાફ દ્વારા તેમની વિશેષ સારસંભાળ લેવામાં આવી રહી છે. સિવિલના મનોચિકિત્સક વિભાગના હેડ ડો. મુકેશ પટેલે જણાવ્યું હતું કે, જે લોકો પહેલા ખાનગી હોસ્પિટલ્સમાં સારવાર લઈ ચુકયા છે તેઓને સરકારી દવાખાનાનું નામ પડતા પહેલા તો વિશ્વાસ જ નથી આવતો કે અહીં પણ સારી સાર-સંભાળ લેવામાં આવશે, જે સ્પષ્ટ કરવું અમારી ટીમ માટે સૌથી અઘરું કામ હતું.  દર્દીના સગાસંબંધીઓ જયારે ડાયાલીસીસ સેન્ટર અને અહીંના સ્ટાફ દ્વારા લેવામાં આવતી કાળજી નજરે જુએ છે ત્યારે જ તેમને ભરોસો બેસે છે. કોવીડ હોસ્પિટલના કિડની વિભાગમાં અમારી ટીમ દ્વારા ખાસ કરીને દર્દીઓને ખાનગી હોસ્પિટલ જેવું જ વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું. ડોકટર્સની ટીમ દ્વારા તેમને ભરોસો બેસાડવામાં આવ્યો કે તેઓ બિલકુલ સ્વસ્થ થઈ જશે, તેમ ડો. પટેલે ઉમેર્યું હતું.

ડો. મુકેશે વિશેષમાં જણાવ્યું હતું કે, દર્દીને કોરોના હોવાથી તેમના નજીકના કોઈ સંબંધી પણ ત્યાં હાજર ન હોવાથી સ્ટાફની જવાબદારી વધી જાય છે. કિડનીની બીમારીને કારણે દર્દીનું શરીર નબળું પડી જાય છે. દર્દીને આપવામાં આવતી કિડનીની દવા ઇમ્યુનીટી ઘટાડે છે, જયારે કોરોના મટાડવા માટે દર્દીનો ઇમ્યુનીટી પાવર વધારવા માટે હોય છે, આમ વિરોધાભાસી વાતાવરણ વચ્ચે દર્દીની સારવાર કરવી વધુ ચેલેંજિંગ હોવાનું ડો. મુકેશ પટેલ જણાવે છે.

હાલ ડો રાહુલ ગંભીર, ડો. બકુલ દુધરેજીયા અને તેમની ટીમ આ ચેલન્જ સાથે ખુબ જ સ્વસ્થતાપૂર્વક આ કપરી કામગીરી પાર પાડી રહયા છે. તમામ સાત દર્દીઓની કોરોનાની સારવાર સાથોસાથ જરૂર મુજબ ડાયાલીસીસ પણ કરવામાં આવે છે.   હાલ દર્દીઓ કિડનીલક્ષી બીમારી સામે સ્વસ્થતાપૂર્વક લડી તંદુરસ્તી મેળવી રહ્યા છે તેમજ કોરોના સામે પણ લડત આપી રહ્યાનું ડો. રાહુલ ગંભીર જણાવે છે.

ટૂંક સમયમાં જ કોરોનાની સારવાર પૂર્ણ થયા બાદ તમામ દર્દીઓને રજા આપવામાં આવશે. સિવિલ હોસ્પિટલ પ્રત્યે લોકોનો ભરોસો વધી રહ્યો છે તે જ અમારા માટે સંતુષ્ટિ છે તેમ ડો રાહુલ અને પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલની ટીમ ગૌરવ સાથે જણાવે છે.

(2:49 pm IST)