Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

નવાગામમાં થયેલ કોળી શખ્શની હત્યાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટના નવાગામમાં કોળી શખ્સના ખુનના ગુન્હામાં આરોપીની જામીન અરજી સેશન્સ અદાલતે મંજુર કરી હતી.

રાજકોટમાં નવાગામમાં રહેતા સુરેશ ભોપભાઇ જાડા (કોળી) ને અગાઉ કમલેશ ભરવાડ અને સંજય ભરવાડ સાથે માથાકુટ થયેલ અને કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થયેલ હતી જે અનુસાંધાને તા. ર૧-૩-ર૦ર૦ના રોજ સાંજના ૭-૦૦ વાગ્યાના અરસામાં સુરેશભાઇ જાડા (કોળી) કુવાડવા પોલીસ સ્ટેશન પાસે પહોંચતા કમલેશ ભરવાડ, સંજય રામભાઇ ભરવાડ તથા અજાણ્યા માણસોએ લાકડી અને પાઇપ જેવા હથીયારોથી સુરેશભાઇને જીવલેણ ઇજાઓ પહોંચાડેલ જે અનુસંધાને સુરેશભાઇ જાડા હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ થઇ ઘરે ગયેલ હતા અને ત્યાં તેઓની તબીયત વધુ લથડતા તા. ર૮/૩/ર૦ર૦ના રોજ રાજકોટ સીવીલ હોસ્પીટલમાં તેઓનું મોત નીપજેલ હતું.

ઉપરોકત ગુન્હામાં ચાર્જશીટ થતા આરોપી જય ઉર્ફે જે. કે.કિશોરભાઇ ગલચર એ સેશન્સ અદાલતમાં જામીન અરજી કરેલ હતી. તેમાં બચાવપક્ષના યુવા એડવોકેટશ્રી ભગીરથસિંહ ડોડીયાએ એ મતલબની રજુઆત કરેલ હતી કે આરોપીનું ફરીયાદમાં નામ આપવામાં આવેલ નથી ગુજરનારને પ્રથમ એમ.એલ.સી. રીપોર્ટમાં જે ઇજાઓ છે તે ઇજાઓ સાદી ઇજાઓ હતી આરોપીની ઓળખ પરેડ કરવામાં આવેલ છે તે તથા સાહેદોના નીવેદનો જોતા સાહેદો નજરે જોનારા સાહેદો ન હોય આવી ઓળખ પરેડને પુરાવામાં પ્રથમ દર્શનીય રીતે જોઇ શકાય નહીં. આરોપીનો કોઇ ગુન્હાહીત ભુતકાળ નથી તથા આરોપી વિરૂધ્ધ પ્રથમ દર્શનીય રીતે પોલીસ તપાસના કાગળોમાં કોઇ પુરાવો મળી આવતો નથી તેવી ધારદાર રજુઆતો કરી આરોપીને જામીન ઉપર છોડવા માટેની વિનંતી કરેલ હતી.ઉપરોકત સંજોગોમાં પ્રિન્સી. સેશન્સ જજ શ્રી યુ. ટી.દેસાઇ સાહેબએ બચાવપક્ષની રજુઆતો, પોલીસ તપાસના કાગળો અને કાયદાકીય પરિસ્થિતિ ધ્યાને લઇ અરજદાર આરોપીને રૂ. ૧પ,૦૦૦/- ના શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં રાજકોટના યુવા ધારાશાસ્ત્રિ ભગીરથસિંહ ડોડીયા, યુવરાજસિંહ જાડેજા, હેમાંશુ પારેખ, કિરીટ નકુમ, જયવિર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, ખોડુભા સાકરીયા, કુલદીપભાઇ ચૌહાણ, નયન મણીયાર એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(2:45 pm IST)