Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

રૂ. બે લાખ રર હજારનો ચેક રિટર્ન થતાં પ્રેસ મશીનનાં ધંધાર્થી સામે કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા. પઃ અત્રે રૂ. ર.રર લાખના ચેક રીટર્નની પ્રેસ મશીનના ધંધાર્થી સામે ફરીયાદ કોર્ટમાં થયેલ છે.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના અટીકા ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં 'સાવલીયા ઇન્ડસ્ટ્રીઝ'ના નામથી મનસુખભાઇ રવજીભાઇ સાવલીયા પ્રોપરાઇટર દરજજે અલગ અલગ પ્રકારના પ્રેસ મશીનના પાર્ટસનું જોબવર્ક કરે છે. જયારે આ કામના આરોપીઓ ચેતનભાઇ રજનીકાન્તભાઇ સીધ્ધપુરા વિગેરેઓ 'રાજેશ મશીનીઝ ઇન્ડીયા' નામથી કૈલાશપતી સોસાયટી, શેરી નં. ર, અટીકા ઇન્ડસ્ટ્રીયલ એરીયા, ઢેબર રોડ, રાજકોટ ખાતે પાર્ટનર દરજજે મેન્યુફેકચર કરે છે. આમ કામના આરોપીઓ 'સાવલીયા ઇન્ડસ્ટ્રીઝ'ને જોબવર્ક કરાવવાનું કામ આપતા હોય જે કામનું બાકી નીકળતું પેમેન્ટ પૈકી રૂ. ર,રર,૩૦૦/- અંકે રૂપિયા બે લાખ બાવીસ હજાર ત્રણસો પુરા ચુકવવા માટે તેઓએ તેમની કંપની 'રાજેશ મશીનીઝ ઇન્ડીયા'ના ખાતા વાળી એકસીસ બેંક લી., ભકિતનગર બ્રાંચ, રાજકોટનો ચેક આપેલ. જે ચેક ફરીયાદીએ તેમના 'સાવલીયા ઇન્ડસ્ટ્રીઝ'ના ખાતાવાળી ઇન્ડીયન ઓવરસીઝ બેંક, પી.ડી.એમ. કોલેજ બ્રાંચ, રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું ચેક 'સ્ટોપ પેમેન્ટ'ના શેરા સાથે પરત ફરેલ હતો.

આ ચેક બિન ચુકતે પરત ફરતા ફરીયાદીએ આ કામના આરોપીઓ અને કંપનીને ચેક મુજબની રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી આમ છતાં આ કામના આરોપીઓએ રકમ ન ચુકવતા ફરીયાદીએ તેમના વકીલ શ્રી અતુલ સી. ફળદુ મારફત રાજકોટના ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ તથા ૧૪૧ હેઠળ કંપની તથા પાર્ટનરો ઉપર ફરીયાદ દાખલ કરેલ છે.

(2:44 pm IST)