Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

પીઆઇ અને તેના ડ્રાઇવરના નામે રાજકોટની સોની બજારના વેપારીઓ સાથે ઠગાઇઃ સસરો-જમાઇ સકંજામાં

એક શખ્સ વેપારી પાસે આવતો અને પોતે પીઆઇ અતુલ બી. રાઠોડનો ડ્રાઇવર સાગર મિંયાવડા છે તેમ કહી સાહેબ માટે દાગીના બનાવવાના છે...તેવી વાતો કરી દાગીના બનાવી અમુક રકમ ચુકવી બાકીની રકમનો ધૂંબો મારી દેવાતો હતોઃ બે વેપારીને સાથે ૨,૨૪,૦૦૦ની ઠગાઇ થઇ'તી

રાજકોટ તા. ૫: 'હું પીઆઇ અતુલ રાઠોડ સાહેબનો ડ્રાઇવર છું, સાહેબને દાગીના બનાવવા છે, લ્યો ફોનમાં વાત કરો'...સોની બજારના વેપારી પાસે એક શખ્સે પહોંચી ઉપરોકત સંવાદ કર્યા બાદ ફોન જોડીને વેપારીને આપતો અને સામા છેડેથી વાત કરનાર 'હું પીઆઇ અતુલ બી. રાઠોડ બોલુ છું, મારે દાગીના બનાવવાના છે અને તમારે ત્યાં આવેલા ભાઇ મારા ડ્રાઇવર છે'...આ રીતની વાત કરી વિશ્વાસ કેળવી સોનાના દાગીના બનાવડાવી અમુક રકમ ચુકવી બીજી રકમનો ધૂંબો મારી દેવાતો  હતો. આ રીતે અન્ય એક વેપારી સાથે પણ ઠગાઇ થઇ હતી. બે વેપારીને પીઆઇ અને તેના ડ્રાઇવરનો સ્વાંગ રચી છેતરી રૂ. ૨,૨૪,૦૦૦ની છેતરપીંડી ગયા મહિને કરવામાં આવી હતી. આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાંખી બે ગઠીયાને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે. આ બંને સસરા-જમાઇ છે અને ઠક્કરબાપા વાસમાં રહે છે.

પોલીસે આ બનાવમાં ન્યુ જાગનાથ પ્લોટ શેરી નં. ૨૨ ડો. દસ્તુરની હોસ્પિટલ પાસે રહેતાં અને સોની બજાર નવા નાકા ઢાળ પાસે ભાવના જ્વેલર્સ નામે દૂકાન ચલાવતાં સોની વેપારી નવિનભાઇ ચમનલાલ ભીંડી (ઉ.વ.૫૪)ની ફરિયાદ પરથી અતુલ રાઠોડ અને સાગર મિંયાવડા નામના બે શખ્સો સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૭૦, ૧૧૪ મુજબ ઠગાઇનો ગુનો નોંધ્યો છે.

નવીનભાઇ ભીંડીએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું હું ત્રીસેક વર્ષથી સોની બજારમાં દૂકાનમાં બેસી વેપાર કરુ છું. ૨/૭ના બપોરે એકાદ વાગ્યે હું દૂકાને હતો ત્યારે એક ભાઇ ગ્રાહક બનીને આવેલ અને પોતાનું નામ સાગર મિંયાવડા કહ્યું હતું. તેણે પોતે પોલીસ અધિકારીના ડ્રાઇવર હોવાની ઓળ પણ આપી હતી. તેમજ મોટા પોલીસ ઇન્સ્પેકટરના દાગીના બનાવવા છે તેવી વાત કરી હતી.  જેથી મેં દાગીના બનાવી આપવાની હા કહી હતી. એ પછી તેણે ફોન જોડ્યો હતો અને કહ્યું હતું કે લ્યો વાત કરો, સાહેબ છે. આથી મેં ફોનમાં વાત કરતાં સામેથી વાત કરનારે 'હું અતુલ બી. રાઠોડ પોલીસ ઇન્સ્પેકટર બોલુ છું, મારે દાગીના બનાવવા છે, તમારી દૂકાને મારા ડ્રાઇવર છે તે મારી સાથે ફરજ બજાવે છે' તેમ કહ્યું હતું.

એ પછી તેણે સોનાના બે ચેઇન વજન ૨૧.૭૫૦ મિલીગ્રામ ૧૪ કેરેટના બનાવવાનું કહ્યું હતું. જેની કિંમત રૂ. ૭૧,૭૭૫ થાય છે. આ ચેઇન મેં તેને બનાવી આપેલ અને રૂ. ૭૧૩૦૦ રોકડા તેણે આપ્યા હતાં. ત્યારબાદ બીજા દાગીના બનાવવા આપ્યા હતાં. જેમાં ૮ નંગ માળા, ૧૨ નંગ વીંટીઓ ૧૪ કેરેટના બનાવડાવ્યા હતાં. જે ૭૭ ગ્રામ વજનના દાગીનાની કુલ કિંમત રૂ. ૩,૨૬,૩૨૦ થાય છે. તેમાંથી તેણે મને રૂ. ૧,૯૩,૩૦૦ આપ્યા હતાં. બાકીના રૂ. ૧,૨૮,૦૦૦ સાહેબે હાલ આપ્યા નથી, તેઓ ગાંધીનગર ગયા છે, અત્યારે આપી શકાશે નહિ...તેમ કહી સાગર મિંયાવડાએ ફોનમાં વાત કરાવતાં અતુલ રાઠોડના નામે વાત કરનારે કહેલું કે હું ગાંધીનગર છું, આવીને પૈસા આપી દઇશ.

આ રીતે પોલીસના નામે ઓળખ આપી મીઠી મીઠી વાતો કરી હતી અને પૈસા ચુકવ્યા નહોતાં. ત્યારબાદ બે દિવસ પછી મેં તેને ફોન કરતાં તેણે જામનગર તપાસમાં છીએ, વાર લાગશે તેવી વાત કરી હતી અને બાકીના રૂ. ૧,૨૮,૦૦૦ ચુકવ્યા નહોતાં.

ત્યારબાદ મેં સોની બજારમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે વી. જી. જ્વેલર્સ નામની દૂકાનના વેપારી વિનોદભાઇ થડેશ્વર સાથે પણ અતુલ રાઠોડ નામના પોલીસ અધિકારીના નામે ઠગાઇ થઇ છે. વિનોદભાઇની દૂકાને ૧,૨૪,૦૦૦ના દાગીના બનાવી તેને રૂ. ૨૮ હજાર એડવાન્સ ચુકવી બાકીના ૯૬ હજાર ન ચુકવી ઠગાઇ કર્યાનું જાણવા મળ્યું હતું. આમ મારી અને બીજા વેપારી સાથે કુલ રૂ. ૨,૨૪,૦૦૦ની ઠગાઇ પોલીસ અધિકારી અને તેના ડ્રાઇવરનો સ્વાંગ રચીને કરવામાં આવી હતી.

આ બનાવમાં ક્રાઇમ બ્રાંચને મહત્વની બાતમી મળતાં બંને ગઠીયાને સકંજામાં લઇ વિશેષ પુછતાછ હાથ ધરી છે.

(1:08 pm IST)