Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

પહેલા દિવસે ૧ હજાર મંગાતા બે મિત્રો ફિલ્મી ઢબે ભાગીને બચી ગયા તો બીજા દિવસે અપહરણ કરી ૧ લાખ માંગ્યાઃ લાશ ડેમમાં ફેંકી દેવાની ધમકી

નામીચા શાહરૂખ ઉર્ફ રાજા અને ટોળકીની ખુલ્લેઆમ લુખ્ખાગીરીઃ છરીના ઘોદા મારી દેવાની ધમકીઃ પોલીસે ૬ સામે ગુનો નોંધી ચારને સકંજામાં લીધા : સુત્રધાર શાહરૂખ હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કરી ભાગતો ફરે છેઃ સાગ્રીતો વસીમ, આબીદ, સદામ, રમીઝ અને ઇમરાન સાથે મળી પરસાણાનગરમાંથી બે મિત્રોને ઉઠાવી ખંડણી માંગી ગંભીર ગુનો આચર્યોઃ અપહૃત સૂરજ અવાડીયા પાસે ૧ લાખ ન હોઇ વ્યાજે પૈસા અપાવી દેશે તેવું કહી એક ઓફિસે લઇ જવાયોઃ ત્યાં ઇમરાન નામના શખ્સે ૧ લાખ સામે ૧ાા લાખ આપવા પડશે...કહી આધારકાર્ડ અને કોરો ચેક માંગ્યાઃ આ વસ્તુ લેવા સૂરજને તેના ઘરે લઇ જવાતા તેણે હિમ્મત કરી ઘરે જાણ કરતાં છુટકારો થયોઃ પ્ર.નગર પોલીસે તપાસ આદરી

રાજકોટ તા. ૫: હત્યાના ગુનામાં જેલમાં રહેલો અને પેરોલ જમ્પ કરી ફરાર થઇ ગયેલા ભીસ્તીવાડના નામચીન શાહરૂખ ઉર્ફ રાજા બાબુભાઇ જૂણેજાએ ટોળકીના પાંચ શખ્સો સાથે મળી ભોમેશ્વર ફાટક પાસે રહેતાં અને ટ્રાન્સપોર્ટ કંપનીમાં મહેતાજી તરીકે કામ કરતાં આહિર યુવાન અને તેના મિત્રનું અપહરણ કરી એક લાખની ખંડણી માંગતા ચકચાર જાગી છે. આહિર યુવાન પાસે એક લાખ ન હોઇ રાજાના સાગ્રીતે પોતે વ્યાજે રકમ અપાવી દેશે તેવું કહી આ માટે ઘરેથી કોરો ચેક અને આધાર કાર્ડ લઇ આવવાનું કહી તેના ઘર સુધી લઇ ગયા હતાં.  પણ આહિર યુવાને હિમ્મત કરી ઘરે પિતાજીને વાત કરી દેતાં તેના ઘર સુધી આવેલો ખંડણીખોરનો સાગ્રીત ભાગી ગયો હતો. આ બનાવ બન્યો એના આગલા દિવસે પણ રાજાએ યુવાનને આંતરી છરીનો ઘોદો મારી દેવાની ધમકી દઇ ૧૦ હજાર માંગ્યા હતાં. ત્યારે યુવાન અને તેનો મિત્ર ફિલ્મી ઢબે ચકમો આપી ભાગી ગયા હતાં. એ પછી પોલીસનો ભય જ ન હોય તેમ બીજા દિવસે બંને મિત્રોના અપહરણ કરી ૧ લાખ મંગાયા હતાં.

આ બનાવમાં પ્ર.નગર પોલીસે જામનગર રોડ ભોમેશ્વર ફાટક પાસે હંસરાજનગર-૪/૧ના ખુણે મહાદેવ મંદિર પાસે રહેતાં અને અયોધ્યા ચોક પાસે જય મુરલીધર ટ્રાન્સપોર્ટમાં મહેતાજી તરીકે નોકરી કરતાં સૂરજ રાજેશભાઇ અવાડીયા નામના આહિર યુવાનની ફરિયાદ પરથી શાહરૂખ ઉર્ફ રાજા, વસીમ, આબીદ, સદામ, રમીઝ અને ઇમરાન સામે આઇપીસી ૩૬૫, ૩૬૪ (ક), ૩૪૨, ૩૪૭, ૩૪૮, ૩૫૭, ૪૨૦ (બી), ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી ત્રણ શખ્સોને સકંજામાં લીધા છે.

સૂરજ અવાડીયાએ પોલીસને વિગતો આપતા જણાવ્યું છે કે હું રવિવારે સાંજે સાતેક વાગ્યે મારા મિત્ર શુભમ દવે સાથે શુભમના બાઇકમાં પરસાણાનગરમાં આવેલા તિરૂપતિ નમકીન નામના કારખાને નમકીન લેવા જવા નીકળ્યા હતાં. આ વખતે આ વિસ્તારના શાહરૂખ ઉર્ફ રાજા અને તેના મિત્ર સદામે એકટીવા પર આવી મને અને શુભમને ગાળો દીધી હતી તેમજ શાહરૂખ ઉર્ફ રાજાએ 'અત્યારે ને અત્યારે મને ૧૦ હજાર આપ' તેમ કહી છરી કાઢતાં મને બીક લાગતાં મે બંને ભાગી નીકળ્યા હતાં. એ પછી શાહરૂખ અને સદામે અમારો પીછો કરતાં અમે શેરીઓ ગલીઓમાં થઇ ભાગતા રહ્યા હતાં. શુભમ બાઇક હંકારતો હતો. બીકને લીધે અમે કોઇને જાણ કરી નહોતી.

એ પછી સોમવારે સાંજે છએક વાગ્યે હું અને શુભમ પરસાણાનગર-૫માં બાબા પાન નામની દૂકાને પાન-ફાકી ખાવા ઉભા હતાં ત્યારે રમીઝ તેનું બાઇક લઇને આવ્યો હતો અને 'તું ગઇકાલે રાજા પાસેથી ભાગી ગયો હતો ને, તમને બંનેને રાજા શિવસાગર પાન નામની દૂકાને પાંચ મિનીટ વાત કરવા બોલાવે છે, જો નહિ આવે તો મોટો ઝઘડો થશે, તને રાજા હેરાન નહિ કરે તેની જવાબદારી હું લઉ છું' તેમ કહેતાં મને રમીઝ પર વિશ્વાસ આવતાં હું અને મિત્ર શુભમ શિવ સાગર પાન પાસે ગયા હતાં.

ત્યાં થોડીવારમાં સફેદ વર્નાકાર આવી હતી. જેના નં. જીજે૦૩કેસી-૬૪૬૮ હતાં. તેમાંથી શાહરૂખ ઉર્ફ રાજા અને તેનો મિત્ર વસીમ ઉતર્યા હતાં અને શાહરૂખે છરી કાઢી ગાડીની અંદર બેસી જા નહિતર છરીનો ઘોદો મારી દઇશ તેમ કહેતાં અમે ગભરાઇ જતાં ગાડીમાં બેસી ગયા હતાં. ગાડીની પાછનળી સીટમાં આબીદ, સદામ પણ હતાં. હું અને શુભમ પણ પાછલી સીટીમાં બેઠા હતાં. વસીમ અને રાજા આગળ બેઠા હતાં. વસીમ કાર ચલાવતો હતો. એ પછી અમને મહિલા કોલેજ અન્ડર બ્રીજ ઉપર આવેલ વી-શેપ વાળી જગ્યાએ લઇ ગયા હતાં અને ગાડી ઉભી રાખી હતી. એ પછી રાજા, વસીમ, આબીદ, સદામ અને હું તથા મિત્ર શુભમ નીચે ઉતર્યા હતાં. ચારેય જણાએ મને અને મિત્ર શુભમને ગાળો દીધી હતી અને કહેવા લાગેલ કે ગઇકાલે ૧૦ હજાર માંગ્યા તો ન આપ્યા હવે આજે ૧ લાખ આપવા પડશે, નહિ આપ તો છરીના ઘોદા મારી પતાવી દઇશું. તારી સાથે તારા ભાઇબંધની લાશ પણ ડેમમાં ફેંકી આવીશું. તેમ કહી ધમકી આપી હતી.

આથી મેં રાજાને કહેલ કે હાલમાં આ પૈસાની વ્યવસ્થા થઇ શકે તેમ નથી. જેથી વસીમે અત્યારે હું તને ૧ લાખ વ્યાજે અપાવી દઉ છું, હું કહુ એ જગ્યાએથી તું પૈસા લઇ આવી અમને આપી દે તેમ કહ્યું હતું. એ પછી આ લોકોનો મિત્ર રમીઝ અમારી પાસે આવ્યો હતો અને વસીમે કોઇ ઇમરાનને ફોન કરી- હું એક ભાઇને તમારી પાસે મોકલુ છું, તેને ૧ લાખ વ્યાજ પ્રમાણે આપી દેજો તેમ કહ્યું હતું. એ પછી રમીઝ મને ઇગલ ટ્રાવેલ્સની ઓફિસ સામે આવેલા બિલ્ડીંગનમાં પહેલા માળે શુકુન એન્ટરપ્રાઇઝ નામની ઓફિસે લઇ ગયો હતો. એ ઓફિસમાં ત્રણ-ચાર લોકો બેઠા હતાં. તેમાંથી રમીઝે એક શખ્સ સાથે ઓળખાણ કરાવી હતી. એ શખ્સે પોતાનું નામ ઇમરાન કહ્યું હતું અને એક લાખ પોતે આપે છે તેની સામે આધાર કાર્ડ અને એકાઉનટ કોરો ચેક આપવો પડશે તેમ કહ્યું હતું.

તેણે એવું પણ કહેલું કે હું તને ૭૫ દિવસ માટે એક લાખ વ્યાજે આપીશ. તારે એક લાખની સામે દોઢ લાખ ચુકવવા પડશે. પણ મારી પાસે આધારકાર્ડ અને મારા એકાઉન્ટનો ચેક ન હોવાથી રમીઝ મને ઓફિસ બહાર લઇ ગયો હતો અને મહિલા કોલેજ અન્ડરબ્રીજ પાસે શાહરૂખ ઉર્ફ રાજા જ્યાં ઉભો હતો ત્યાં લઇ ગયેલ. એ પછી મને ફરીથી કારમાં બેસાડ્યો તો અને ભોમેશ્વર ફાટક પાસે લઇ ગયેલ. મારા મિત્ર શુભમને રમીઝે તેના બાઇકમાં બેસાડી મારા ઘર પાસે ઉતાર્યો હતો. અમને બંનેને ઘરેથી આધાર કાર્ડ અને કોરો ચેક લઇ આવવાનું કહેતાં અમે પગપાળા મારા ઘરે ગયા હતાં.

ઘરે મારા પપ્પા હાજર હોઇ અમે બંને મિત્રો ગભરાઇ ગયા હોવા છતાં હિમમત કરી મારા પપ્પાને વાત કરી દીધી હતી અને રમીઝ બહાર ઉભો હોવાની વાત કરતાં મારા પિતા રમીઝ પાસે જવા નીકળતાં તે ત્યાંથી ભાગી ગયો હતો. એ પછી પપ્પાએ તેમના મોટા ભાઇ અરવિંદભાઇને વાત કરી હતી.  શાહરૂખ ઉર્ફ રાજા અને તેના મિત્રો વસીમ, આબીદ, સદામ અને રમીઝ ખુબ જ ઝનૂની સ્વભાવના હોઇ અને નેફામાં છરીઓ રાખી અવાર-નવાર વિસ્તારમાં ઝઘડાક રતાં હોઇ તેમજ શાહરૂખ ઉર્ફ રાજા ખૂન કેસમાં જેલમાં પણ ગયો હોઇ અમે ગભરાઇ ગયા હોવાથી ફરિયાદ કરી નહોતી. પણ સગા સંબંધીઓએ  અમને હિમત આપતાં હવે મંગળવારે સાંજે ફરિયાદ કરી છે.

પ્ર.નગર પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં એએસઆઇ એસ.આર. જોગરાણા અને ટીમે વસીમ, આબીદ, ઇમરાન અને રમીઝને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે. તેમજ મુખ્ય સુત્રધાર સહિતનાની શોધખોળ હાથ ધરી છે.

(3:29 pm IST)