Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવવાની ખુશાલીમાં કોર્ટ નજીક વકીલો દ્વારા ભવ્ય આતશબાજી

વંદે માતરમ્ - ભારતમાતા કી જય...ના નારા લગાવી વકીલોએ ખુશી મનાવીઃ મોઢા મીઠા કરાવ્યા

રાજકોટ, તા. ૫ :. જમ્મુ-કાશ્મીરમાંથી આજે કલમ ૩૭૦ હટાવવા લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહે રજૂ કરેલ પ્રસ્તાવના અનુસંધાને કાશ્મીરના વર્ષો જૂના પ્રશ્નનો અંત આવતા કલમ ૩૭૦ હટાવવાની ખુશાલીમાં રાજકોટના વકીલોએ હર્ષોલ્લાસ માનવીને ફટાકડા ફોડી મીઠા મોંઢા કરાવી આતશબાજી કરી હતી.

આજે ઉઘડતી અદાલતે રાજકોટના વકીલોને કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવાઈ હોવાના સમાચાર મળતાની સાથે જ વકીલોમાં ભારે ખુશાલી જોવા મળી હતી અને કોર્ટ નજીક ફટાકડાઓ ફોડીને ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. વકીલોમાં સૌ પ્રથમ આ સમાચાર એડવોકેટ યોગેશભાઈ ઉદાણીએ જાહેર કરતાની સાથે જ ત્યાં ઉપસ્થિત સૌ કોઈ વકીલોએ ખુશી વ્યકત કરી હતી.આ પ્રસંગે એડવોકેટસ ભાજપ લીગલ સેલના હિતેષભાઈ દવે, યોગેશ ઉદાણી ઉપરાંત રાજેન્દ્રસિંહ ગોહિલ, ધીમંત જોષી, મિતેષ પટેલ, તુષાર વસલાણી, પ્રાણલાલ મહેતા, સચિન ગાંધી, સુરેશ પંડયા, નિશાંત જોષી બાર કાઉન્સીલના દિલીપભાઈ, રાજેશ દલ, સમીર ખીરા, રાજેશ મહેતા, રોહીત ધીયા, લાલભાઈ સેફાતરા વિગેરેએ વંદે માતરમ્ - ભારત માતા કી જય..ના નારા લગાવ્યા હતા.

'વી ફોર' વીકટરીની નિશાની સાથે વકીલોએ આ મુદ્દાને હર્ષોલ્લાસ સાથે વધાવી લઈને ભવ્ય આતશબાજી સાથે વકીલોએ ખુશાલી મનાવી હતી.

(4:25 pm IST)