Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

કોલેજોના નશા નેટવર્ક પર NSUI ત્રાટકશે

NSUIના પ્રદેશ અધ્‍યક્ષપદે વરાયેલા નરેન્‍દ્ર સોલંકી ‘અકિલા'ની મુલાકાતે : ગાંજો-ચરસ-ડ્રગ્‍સથી યુવા પેઢી બરબાદ થઇ રહી છે, શાસકોની નિષ્‍ક્રિયતા શંકાસ્‍પદ : ફી વધારા પ્રશ્ને પણ ગુજરાતભરમાં લડત શરૂ થશે : ગુજરાતમાં નિર્ણાયક આંદોલનનો વ્‍યૂહ ઘડાઇ રહ્યો છે - નરેન્‍દ્ર સોલંકી

રાજકોટ તા. પ :.. ગુજરાતભરની કોલેજોમાં ખતરનાક નશાના નેટવર્ક બેફામ વિસ્‍તર્યા છે. તંત્રને - શાસકોને જાણ હોવા છતાં કોઇ નિર્ણાયક પગલાં લેવાતા નથી. રાજયની યુવા પેઢી બરબાદ થઇ રહી છે. આ નશાના નેટવર્ક પર એનએસયુઆઇ ત્રાટકશે.

આ શબ્‍દો નરેન્‍દ્ર સોલંકીના છે. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઇના પ્રદેશ પ્રમુખ પદે તાજેતરમાં નરેન્‍દ્ર સોલંકીની વરણી થઇ છે. નરેન્‍દ્ર સોલંકી રાજકોટના તેજોતર્રાર યુવા નેતા છે. તેઓ એમએલડબલ્‍યુ બાદ પીએચ.ડી.નો અભ્‍યાસ કરે છે. નરેન્‍દ્ર સોલંકી ટીમ સાથે ‘અકિલા' ની મુલાકાતે આવ્‍યા હતાં.

તેઓએ જણાવ્‍યું હતું કે, શાસકોની નબળાઇના કારણે રાજકોટ સહિત રાજયની અનેક કોલેજોમાં નશાના નેટવર્ક ભરડો લીધો છે. રાજકોટમાં પાનના ગલ્લે શંકાસ્‍પદ હિલચાલો થાય છે. ‘બેઇઝ' નામથી મળે છે, જે ખતરનાક નશો છે. આ અંગે ભુતકાળમાં પોલીસને જાણ કરી હતી, પણ કોઇ જ પગલાં લેવાયા નથી. હવે એનએસયુઆઇ નશાના ગેરકાયદે નેટવર્ક પર ત્રાટકીને પર્દાફાસ કરશે.

નરેન્‍દ્રભાઇએ જણાવ્‍યું હતું કે, ખાનગી શૈક્ષણીક સંસ્‍થાઓ દ્વારા કોઇ વિશેષ સુવિધા આપ્‍યા વગર ફી વધારા ઝીંકયે રાખે છે. આ સામે રાજય સરકાર કંઇ કરી શકતી નથી. એનએસયુઆઇ વાલીઓને સાથે રાખીને ફી મામલે આંદોલન છેડશે.

શ્રી સોલંકીએ જણાવ્‍યું હતું કે, સૌરાષ્‍ટ્ર યુનિ.માં લોકશાહી જેવું કંઇ રહ્યું નથી. પ૬ વર્ષમાં પ્રથમ વખત સેનેટની ચૂંટણી મોડી થઇ છે સેનેટ વિદ્યાર્થીની ચૂંટણી માટે લડત અપાશે.

જી. એસ. ની ચૂંટણી માત્ર એમ.એસ. યુનિ.માં જ થાય છે. જયાં એનએસયુઆઇ જ ચૂંટાઇ રહી છે. ગુજરાતભરની યુનિ.માં જીએસની ચૂંટણી કરતા ભાજપને ડર લાગે છે. આ ચૂંટણીઓ ફરીથી શરૂ થાય તેવા પ્રયાસો થશે.

ઓલ ઇન્‍ડીયા નેશનલ સ્‍ટુડન્‍ટ ઓફ ઇન્‍ડીયા (એનએસયુઆઇ) એ કોંગ્રેસની એક વિદ્યાથી પાંખ   છે. જેના દ્વારા ગત તારીખ ૧૧ જુના રોજ ગુજરાત રાજયના પ્રદેશ પ્રમુખ તરીકે નરેન્‍દ્ર સોલંકીની નિમણુંક કરવામાં આવી.

ગુજરાત રાજયમાં ર૦૧૭ની ચુંટણી પ્રક્રિયામાં નરેન્‍દ્ર સોલંકી રાજકોટ ઉપપ્રમુખ તરીકે ચુંટાયા હતા. ત્‍યાર બાદ વિદ્યાર્થીના નિરાકરણની પ્રાથમીક ફરજ સમજી સૌરાષ્‍ટ્રના અનેક વિદ્યાર્થીઓનો અવાજ બની તેમના પ્રશ્નને વાચા આપી જેની નોંધ પ્રદેશ એનએસયુઆઇ નેતૃત્‍વ દ્વારા લેવાતા ૨૦૧૯માં મને રાજકોટ શહેર એનએસયુઆઇના પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી.

ત્‍યાર બાદ કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓને થઇ રહેલ મુશ્‍કેલીઓ તેમજ શાળાઓ દ્વારા ફી ઉઘરાણી બાબતે રાજકોટ શહેર એનએસયુઆઇ દ્વારા આંદોલન કરી તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયત્‍ન કર્યા હતા. આ ઉપરાંત સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી અને સરકારી હોસ્‍ટેલના પ્રશ્નો લઇ આક્રમકતાથી આંદોલન કર્યા હતા. જેનાથી હજારો વિદ્યાર્થીઓને મહદઅંશે રાહત મળી.

આ તમામ બાબતો ધ્‍યાનમાં રાખી રાષ્‍ટ્રીય અને પ્રદેશ કોંગ્રેસ તેમજ એનએસયુઆઇના નેતૃત્‍વ દ્વારા મને ગુજરાત પ્રદેશ એનએસયુઆઇના પ્રમુખના ઇન્‍ટરવ્‍યુ માટે દિલ્‍હી બોલાવેલ. આ દરમિયાન મારી હકારાત્‍મક બાબતો તેમજ પક્ષ પ્રત્‍યેની વફાદારીને ધ્‍યાનમાં રાખીને ગત મહિને પ્રદેશ એનએસયુઆઇના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી. ત્‍યાર બાદ ગુજરાત રાજય કોંગ્રેસના પ્રભાવી ડો.રઘુ શર્મા, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ ઠાકોર તેમજ ગુજરાત પ્રદેશના એનએસયુઆઇ તેમજ યુથ કોંગ્રેસના પુર્વ પ્રમુખ ઇન્‍દ્રવિજયસિંહ ગોહીલ દ્વારા અભિનંદન પાઠવી આગામી દિવસોમાં વધુને વધુ વિદ્યાર્થીઓના પ્રશ્નોના વાચા આપવામાં આવે તેવી આશા વ્‍યકત કરી હતી.

ગત તારીખ બીજી જુલાઇના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય અમદાવાદ ખાતે એન.એસ.યુ.આઇ.  દ્વારા આયોજીત મારા પદગ્રહણ સમારોહમાં ગુજરાતના તમામ જીલ્લાઓમાંથી અંદાજીત  સાતથી આઠ હજાર વિદ્યાર્થીઓ ઉમટી પડયા હતા. આ પદગ્રહણ સમારોહ કાર્યક્રમમાં છેલ્લા અમુક મહિનાથી ગુજરાતમાં કરોડો રૂપીયાનું ડ્રગ્‍સ પકડાયું છે. જેના ભાગે ગુજરાત ઉડતા ગુજરાત ન બને તે માટે અને ગુજરાતના વિદ્યાર્થીઓને વ્‍યસનના દુષણમાંથી બચાવવા માટે પ્રદેશ એનએસયુઆઇ દ્વારા નો ડ્રગ્‍સ કેમ્‍પઇન લોન્‍ચ કરવામાં આવ્‍યું હતું તેમજ આગામી દિવસોમાં ગુજરાતમાં શિક્ષણ માફીયાઓ દ્વારા જે શિક્ષણનો કાળો વેપાર  કરવામાં આવી રહયો છે તે બંધ કરવા બાબતે અને સમગ્ર ગુજરાતમાં એનએસયુઆઇનું સંગઠન વધુ મજબુત કરવામાં બાબતે તમામ શહેરો અને જીલ્લાઓમાં વિદ્યાર્થીઓ તેમજ યુવાઓ કોંગ્રેસની વિચારધારાઓ સાથે જોડાય તે બાબતે સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે.

આ બાબતે  મુકેશભાઇ ચાવડા, રાજદીપસિંહ જાડેજા, મુકુંદ ટાંક, હરપાલસિંહ જાડેજા, અલ્‍પેશ સાધરીયા, નીતીન ભંડેરીએ પ્રેસની મુલાકાત લીધી હતી. (૪.૧૫)

બિકણ શાસકો : વિરોધ

પહેલા જ અટકાયત

ઉપરથી સુચના આવે અને લોકલ પોલીસ વિરોધ કાર્યક્રમ પહેલા જ પકડી લે છે : લોકોનો અવાજ  દાબી નહિ શકાય : સોલંકી

રાજકોટ, તા. પ : ગુજરાતના શાસકો બિકણ છે. NSUI  વિરોધ કાર્યક્રમ આપે તે પૂર્વે જ આંદોલનકારીની ઘેરથી અટકાયત  કરી લે છે. NSUI  ના પ્રદેશ પ્રમુખ નરેન્‍દ્ર સોલંકીએ આગળ જણાવ્‍યું હતું કે, શાંતિ-પૂર્ણ વિરોધ પણ શાસકો સહન કરી શકતા નથી. લોકલ પોલીસ તંત્ર કહે છે કે અમને ઉપરથી આદેશ છે. અટકાયત કરીને આઠ-દશ કલાક બેસાડી રાખે છે.

જો કે નરેન્‍દ્ર સોલંકી અને તેની ટીમે હુંકાર કર્યો હતો કે, અમે પૂરી તાકાતથી પ્રશ્નો ઉઠાવીશુ, લોકોનો અવાજ શાસકો દાબી નહિ શકે.

(3:51 pm IST)