Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

૧૬ લાખનો ચેક પાછો ફરતા અમદાવાદના એન્‍જીનિયર વિરૂધ્‍ધ અદાલતમાં ફરિયાદ

રાજકોટ તા. ૫ : અમદાવાદના એન્‍જીનિયરનો ૧૬ લાખનો ચેક રીટર્ન થતા કોર્ટમાં થયેલ ફરિયાદમાં આરોપીને કોર્ટમાં હાજર થવા સમન્‍સ ઇસ્‍યુ કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની હકિકત જોઈએ તો, રાજકોટમાં રહેતા ફરિયાદી કોન્‍ટ્રાફટર આદીલ અમનભાઈ કુરેશીએ અમદાવાદમાં રહેતા આરોપી એન્‍જીનીયર જુનેદખાન મોહંમદયુનુસખાન મુનશીનું સરકારી કોન્‍ટ્રાકટનું પેટા કોન્‍ટ્રાકટર તરીકે કામ રાખેલ અને તે કામ પૂર્ણ થઈ જતા કોન્‍ટ્રાફૂટ કામ પેટેની બાકી રહેતી રકમ રૂ. ૧૬ લાખ પુરાનો ચેક આ કામના આરોપીએ ફરિયાદી આદીલ અમનભાઈ કુરેશી ને આપેલો. અને આ ચેક આરોપીએ ફરિયાદીને આપવા સમયે વચન, વિશ્વાસ અને ખાત્રી આપી ફરીયાદી જોગ ચેક ઈસ્‍યુ કરી આપી, સહી કરી આપી, ચેક સુપરત કરી અને ખાત્રી આપેલ કે સદર ચેક ફરીયાદી પોતાના બેન્‍ક ખાતામાં રજુ રાખશે એટલે ચેક રીટર્ન થશે નહી અને પરત ફરશે નહીં અને ફરીયાદીની લેણી રકમ વસુલાઈજશે, તેવા આરોપીના શબ્‍દો પર ભરોસો રાખી ફરીયાદીએ સ્‍વીકારેલ, ચેક બેંકમાં રજુ કરતા ચેક સ્‍વીકારાયેલ નહીં.

ચેક રીટર્ન થતાં તેની જાણ આરોપીને કરવા છતાં યોગ્‍ય પ્રતિભાવથી પ્રત્‍યુત્તર આરોપી તરફથી ન મળતા આરોપીને ડીમાન્‍ડ નોટીસ પાઠવવા છતાં પ્રથમથી જ ફરીયાદીનું લેણું ડુબાડવાનો બદઈરાદો ધારણ કરી આરોપીએ ધી નેગોશીયેબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ અન્‍વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોવાથી આરોપી વિરૂધ્‍ધ ચેક રીટર્ન સબંધે અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજુઆત કરવામાં આવેલ કે રેકર્ડ પરની હકીકતોથી સ્‍પષ્ટ ફલિત થાય છે કે, આરોપીએ ફરીયાદી ચેક આપી, તે પાસ થવા ન દઈ આરોપીએ ધી નેગોશીએબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે, જે રજુઆતો ધ્‍યાને લઈ આરોપી જુનેદખાન મોહંમદયુનુસખાન મુનશીને અદાલતમાં હાજર થવા સમન્‍સ ઈસ્‍યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં ફરીયાદી આદીલ અમનભાઈ કુરેશી વતી રાજકોટના એડવોકેટ નરેન્‍દ્ર ડી. બુધ્‍ધદેવ, કુ. ડોલી એન. બુધ્‍ધદેવ અને વિષ્‍ણુ એન. બુધ્‍ધદેવ રોકાયેલ છે.

(3:15 pm IST)